તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમ્પલ કાંડ:3 કર્મચારી 1300 દર્દીના ગુનેગાર

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેમ્પલ લીધા વગર 1300 કિટ ફેલ કરી , જો આવું ન થયું હોત તો જે ટેસ્ટ કરાવવા માટે દર દર ભટકી રહ્યા છે તેનું નિદાન થઈ શકયું હોત

કોરોનાએ સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવી દીધો છે. લોકોમાં જેટલો ભય છે તેટલો ઉચાટ અને ઉતાવળ પોતાનો ટેસ્ટ કરાવવા માટે છે. પડધરીના ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં જે રીતે ગમે તેના નામો લખી ખાલી વીટીએમ ટ્યૂબ સેમ્પલના નામે મોકલી દેવાતી હતી. આ તો માત્ર પાશેરીમાં પૂણી છે. જો બીજા આરોગ્ય કેન્દ્રોમાં પૂરી નિષ્ઠા સાથે તપાસ કરવામાં આવે તો એક બહુ જ મોટું કૌભાંડ મોં ફાડીને ઊભું છે.

અત્યાર સુધીમાં આ આરોગ્ય કેન્દ્રમાંથી 1300 લોકોના નામ માત્રના સેમ્પલ મોકલાયા છે અને તે તમામ નેગેટિવ આવ્યા છે. તો શું આ 1300 લોકોને ટેસ્ટની જરૂર હતી? એ તો ભૂલી જાઓ આ 1300 લોકોના સેમ્પલ પણ લેવાયા નથી ત્યારે આ કૌભાંડ આચરનારા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સાગર ડોબરિયા, લેબ ટેક્નિશિયન દિપ્તીબેન ખાખરિયા તેમજ ધન્વંતરિ રથના પ્રફુલ ઠુંમર સહિતના કર્મચારીઓ આ 1300 નહિ બીજા 1300 મળીને કુલ 2600 લોકોના ગુનેગાર છે. હા, કારણ કે જો આ 1300 ટેસ્ટ કિટ જેને ખરેખર જરૂર હતી અને જે ટેસ્ટ માટે દર દર ભટકી રહ્યા હતા તેમના માટે ઉપયોગમાં લેવાઈ હોત તો સરકારની જે કોરોના સામેની ચાલી રહેલી લડાઈ ને વેગ મળ્યો હોત. પરંતુ તેવું થયું નથી કમનસીબી, લાચારી, કામચોરી અને આળસુપણાની હદે જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી દીધું.

આ તો માત્ર ખોડાપીપર ગામ અને ત્યાં આવેલા ધન્વંતરિ રથમાં થયેલી ગોબાચારી સામે આવી છે, જે રીતે લેબ ટેક્નિશિયને સરેઆમ કબૂલાત આપી કે, મેડિકલ ઓફિસરના કહેવાથી ટાર્ગેટ પૂરા કરવા બધું કરતા હતા તે સાંભળીને સ્પષ્ટ થયું છે કે માત્ર ખોડાપીપર જ નહીં પણ તમામ આરોગ્ય કેન્દ્રમાં લેવાયેલા સેમ્પલની ખરાઈ કરાય તો મોટું કૌભાંડ બહાર આવશે.

રવિવારે જે નામ લેબ.માં મોકલવાના હતા તેની યાદી
મેડિકલ ઓફિસર સહિતના આરોગ્ય કર્મચારીઓ કૌભાંડ કરવામાં પણ આગોતરું પ્લાનિંગ કરતા હતા. જે ગામમાંથી સેમ્પલ લેવાના હોય ત્યાંથી એકપણ વ્યક્તિના સેમ્પલ લેવાતા ન હતા અને જે નામ યાદ આવે તેની યાદી તૈયાર કરી રાખવામાં આવતી હતી. ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ શનિવારે ખોડાપીપર ગામના આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ત્યારે રવિવારે કોના સેમ્પલ લેવાના છે તે નામની યાદી પણ તૈયાર રાખવામાં આવી હતી. આ યાદીની સરકારી અધિકારીએ ચકાસણી કરતા મોટાભાગના નામ ગામમાં રહેતા લોકોના નામ સાથે ભળતા આવતા હતા અને મોબાઈલ નંબર પણ ખોટા હતા.

રાજકોટની લેબમાં 3 દિવસનું વેઈટિંગ, અહીં રવિવારના નામની યાદી પણ તૈયાર હતી !
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં રેકોર્ડબ્રેક સેમ્પલ આવતા તબીબો અને લેબનો સ્ટાફ ઝઝૂમી રહ્યો છે. ખાનગી લેબમાં તો લોડ વધી જતા સેમ્પલ લેવાના બંધ કર્યા છે. જે લોકો બીમાર છે અને ખાટલે પડ્યા છે તેમના ટેસ્ટ કરવામાં બેથી ત્રણ દિવસના વેઈટિંગ છે આવી કપરી સ્થિતિમાં ખોડાપીપરના કામચોર કર્મચારીઓએ શુક્રવારે જ શનિવાર અને રવિવારનું એડવાન્સમાં લિસ્ટ બનાવી, સેમ્પલ તૈયાર કરી રજિસ્ટરમાં પણ નોંધ કરી દીધી હતી. નિયમ મુજબ જ્યારે પણ કોઇના સેમ્પલ લેવાય ત્યારે કેસમાં નોંધ થાય છે અથવા તો લેબ ટેક અને હેલ્થ કર્મી જે સેમ્પલ લે તેની રજિસ્ટરમાં નોંધ થાય છે જેમાં સેમ્પલ લીધાનો સમય પણ હોય છે જેના આધારે ઓનલાઈન એન્ટ્રી કરાય છે.

શનિવાર અને રવિવારે લેબ ટેક દિપ્તીબેન તેમજ મેડિકલ ઓફિસર ડો. સાગરને રજા રાખવાની ઈચ્છા થઇ હતી તેથી તેમણે શુક્રવારે જ શનિવાર અને રવિવારના સેમ્પલ તૈયાર કરી દીધા અને રજિસ્ટરમાં પણ 4 એપ્રિલની એન્ટ્રી કરી રવિવારે કેટલા દર્દી આવ્યા, તેમાંથી કેટલા દર્દીના એન્ટિજન કર્યા કે ન કર્યા તેમજ ક્યારે આવ્યા તે બધું લખી નાખ્યું હતું. બંને તારીખના સેમ્પલ અને તેની યાદી પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રે પહોંચાડી દેવાઇ હતી. શનિવારે બપોરે લેબ ટેકે ઓનલાઈન એન્ટ્રી કરી દીધી અને રવિવારે પણ આ રીતે મોબાઈલ પર જ ઓનલાઈન એન્ટ્રી કરી નાખવાના હતા તેટલી એડવાન્સ તૈયારી રાખી હતી.

જો આ રીતે સેમ્પલ લેવાતા હોય તો જાહેર થતા કેસ અને મોતના આંકડાઓ સામે પણ સવાલ
આજે જે ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું છે તે માત્ર પડધરીના ખોડાપીપર આરોગ્ય કેન્દ્રનું છે. બીજે આવું ન ચાલતું હોય તેની શું ખાતરી ? સેમ્પલ જ લેવાતા નથી તો જે કેસ અને મોતના આંકડા જાહેર થઈ રહ્યા છે. તેને શું માનવું? તેવા સવાલ હવે આરોગ્ય કેન્દ્રની ચાર દીવાલો વચ્ચે ચાલતા ષડ્યંત્રને તોડીને બૂમ બરાડા સાથે બહાર આવ્યો છે. અત્યાર સુધી લોકોમાં પણ એક ચર્ચા હતી કે, સાચું શું છે અને ખોટું શું છે ત્યારે આજે આ એક આરોગ્ય કેન્દ્રએ અનેક સાબિતીઓ કાગળ અને માત્ર કેમિકલયુક્ત ટ્યૂબમાંથી બહાર ફંગોળી દીધી છે.

આ સમગ્ર કૌભાંડ એટલે છુપાયેલું રહ્યું કારણ કે, વીટીએમ ટ્યૂબમાં સેમ્પલ છે કે નહિ તેની ખરાઈ કરવાનો જોખમી પ્રયાસ કદી થયો જ નથી. આરટીપીસીઆર ટેસ્ટ માટે જે કિટ છે તેમાં વીટીએમ ટ્યૂબમાં નાકમાંથી રૂ વાળી સળીના આધારે નમૂનો લઈ તેને ટ્યૂબમાં નખાય છે. આ ટ્યૂબમાં કેમિકલ હોય છે જે સેમ્પલને સુરક્ષિત રાખે છે તેમજ સેમ્પલ તે કેમિકલમાં ભળી જાય છે. આ ટ્યૂબ જ્યારે લેબમાં પહોંચે ત્યારે તેમાંથી સેમ્પલ ધરાવતા આ કેમિકલનો અમુક હિસ્સો લઈ સીધા ટેસ્ટ કરાય છે. સ્વાભાવિક રીતે તેમાં કોઇ જૈવિક વસ્તુ ન હોવાથી રિપોર્ટ નેગેટિવ જ આવે અને તેને લગતા મેસેજ પણ આરોગ્ય કર્મીઓને જ આવે જેથી કોઇ સુધી આ વાત પહોંચી ન હતી.

કઈ રીતે પાર પડ્યું સ્ટિંગ ઓપરેશન
દિવ્ય ભાસ્કરની ટીમે સતત ખોડાપીપર ગામે નજર રાખી હતી તેમજ જેમના સેમ્પલ લેવાયા તેમના લિસ્ટ મેળવ્યા હતા. પુરાવાઓ એકત્ર થતા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને જાણ કરતા તેઓએ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને સૂચના આપી હતી જેથી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમ ભાસ્કર સાથે બપોરે 3:45 કલાકે ખોડાપીપર આવી હતી.

આ સંયુક્ત ટીમે ફરજ પર હાજર સ્ટાફ પાસેથી તમામ રજિસ્ટર જપ્ત કરી લીધા હતા. નામોની ખરાઈ કરાવાઈ હતી લેબોરેટરીમાં તપાસ કરતા જ મહિનાઓથી આચરવામાં આવતું કૌભાંડ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો