• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 3 Crores Worth Of Utensils Will Be Bought For Lahani In Norta, 3 Crores Of Vehicle, 5 Thousand Of Electronic Items Will Be Booked.

સવાયા વેપારના શ્રીગણેશ:નોરતામાં લહાણી માટે 3 કરોડના વાસણ ખરીદાશે, વાહનનું 3, ઈલેક્ટ્રોનિક વસ્તુનું 5 હજારનું બુકિંગ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું પણ ધાર્યા મુજબનું રહ્યું છે ત્યારે નોરતાથી દિવાળી સુધી બજારો ધમધમતી રહેશે, નવલા નોરતાથી સવાયા વેપારના શ્રીગણેશ
  • ​​​​​​​રાજકોટમાં નવરાત્રી દરમિયાન રૂ. 25 હજારથી લઈને રૂ. 20 લાખ સુધીના મંડપ ડેકોરેશન પણ થશે

બે વર્ષ પછી નવરાત્રીમાં અર્વાચીન રાસોત્સવ અને પ્રાચીન ગરબાનું આયોજન કોઇ પણ જાતની પાબંદી વિના થઇ રહ્યું છે. લોકોમાં પણ આ તહેવાર ઉજવી લેવાનો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રિ આવતા જ બજારમાં તહેવારની ખરીદીના શ્રીગણેશ થયા છે. દિવાળી સુધી બજારો ધમધમતી રહેશે. અલગ-અલગ ક્ષેત્રના વેપારીના જણાવ્યા મુજબ નવરાત્રીમાં રૂ. 25 હજારથી લઈને રૂ. 20 લાખ સુધીના મંડપ ડેકોરેશન થશે. રૂ. 3 કરોડના તો લહાણીના વાસણોની ખરીદી, 3 હજારથી વધુ વાહનો અને 5 હજારથી ઈલેક્ટ્રોનિક સાધનોનું બુકિંગ થયું છે. ચોમાસું ધાર્યા મુજબનું રહેતા ખરીદી દિવાળી સુધી ચાલુ રહેશે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ
ગત નવરાત્રીમાં લોકો બચત પર વધુ ધ્યાન આપતા હતા. જ્યારે આ વખતે ઊલટું જ ચિત્ર જોવા મળે છે. લોકો ખરીદી સૌથી વધુ કરી રહ્યાં છે. જેને હિસાબે જન્માષ્ટમીના તહેવારમાં પણ ખરીદી સારી રહી છે. કેશમાં લેવાનું પ્રમાણ 30 ટકા અને લોનથી લેવાનું પ્રમાણ 70 ટકા હોવાનું અનુમાન છે. નવરાત્રીમાં માર્કેટમાં 5 હજાર સાધનોનું વેચાણ થાય તેવું અનુમાન છે. તેમ ઈલેક્ટ્રોનિક એસો.ના પ્રમુખ અનિમેષભાઈ શાહ જણાવે છે.

શણગાર અને સોની બજાર
નવરાત્રીમાં માતાજી, નાની નાની બાળાઓને વિશેષ શણગાર કરવામાં આવતા હોય છે. આથી ચૂંદડીથી લઇને સોના-ચાંદીના આભૂષણોની ખરીદી જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ રૂ. 2 કરોડની શણગારની વિવિધ ચીજવસ્તુની ખરીદી થશે. જેમાં સોના-ચાંદી, ઈમિટેશનના દાગીના વગેરેનો સમાવેશ થઇ જાય છે. તેમ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ જણાવે છે.

મંડપ-ડેકોરેશન, સાઉન્ડ
નવરાત્રીમાં મંડપ ડેકોરેશન માટે અંદાજિત 700થી વધુ ઓર્ડર મળ્યા છે. જેમાં શેરી-ગલીના રાસગરબાથી લઈને અર્વાચીન રાસોત્સવના ઓર્ડરનો સમાવેશ થાય છે. અર્વાચીન રાસોત્સવમાં ફેન્સી ડેકોરેશનની સૌથી વધુ માંગ રહી છે. કોરોના પહેલાની સરખામણીએ આ વર્ષે અઢી ગણો વેપાર થશે એવો અંદાજ છે. અર્વાચીન રાસોત્સવમાં રૂ. 3 લાખથી લઈને રૂ. 20 લાખ સુધીના ઓર્ડર મળ્યા છે. જ્યારે પ્રાચીન અને શેરી-ગલીએ તેમજ નાના પાયે થતા આયોજનમાં રૂ. 25 હજારથી લઈને રૂ. 2 લાખ સુધીના ઓર્ડર મળ્યા છે. તેમ મંડપ સંચાલક એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ પટેલ જણાવે છે.

ઓટોમોબાઈલ માર્કેટ
ટુ- વ્હિલર અને ફોર વ્હિલરની ખરીદીમાં વેઇટિંગ લાંબું હોવાને કારણે ગણેશચતુર્થીથી જ વાહનોના ઓર્ડર શરૂ થઇ ગયા હતા. પહેલા નોરતાથી લઈને દશેરા સુધી ઓટોમોબાઈલ માર્કેટમાં ખરીદી રહેશે. કોરોના બાદ વાહનોની ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. સૌથી વધુ ખરીદી નવરાત્રીમાં થાય છે. 3 હજાર વાહનોમાંથી 2 હજાર ટુ વ્હિલર અને 1 હજાર ફોર વ્હિલરનો સમાવેશ થાય છે.

ખાણીપીણી, વાસણો
નવરાત્રીના અનુસંધાને ગરબી મંડળની બાળાઓને ભાવતા ભોજનિયા કરાવવાનું પ્રમાણ વધારે હોય છે.તેથી ખાણીપીણીની ચીજવસ્તુમાં પણ વેપાર થશે. ત્રીજા નોરતાથી મોટા વાસણોની ખરીદી થતી હોય છે. જેના ઓર્ડર અત્યારથી જ મળી રહ્યાં છે. નવરાત્રિમાં કંસારા બજારમાં રૂ. 3 કરોડનો વેપાર થવાનો અંદાજ વાસણના વેપારી હિમાંશુભાઈ ધોળકિયાએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...