માતા-પિતાની છત્રછાંયા મળી:રાજકોટમાં કાઠિયાવાડ બાલાશ્રમના 3 બાળકને કલેક્ટરના હાથે ઇચ્છુક દંપતિને દત્તક સોંપાયા, પારિવારિક હૂંફ સાથે ઉછેરવા અપીલ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરના હસ્તે 3 બાળકને ઇચ્છુક દંપતીને સોંપાયા. - Divya Bhaskar
કલેક્ટરના હસ્તે 3 બાળકને ઇચ્છુક દંપતીને સોંપાયા.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ કિશોર ન્યાય અધિનિયમ એમેડમેન્ટ 2021 અને એડોપ્શન 2022 અંતર્ગત દત્તક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તાઓ આપવામાં આવી છે. સમગ્ર ભારતમાં નવેમ્બર મહિનાને એડોપ્શન માસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત નવી ગાઈડલાઈન એડોપ્શન રેગ્યુલેશન 2022 અનુસાર જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના 3 આશ્રિત બાળકોને ઈચ્છુક દંપતિઓને સોંપવામાં આવ્યા હતા.

માતા-પિતા તરીકે ભૂમિકા નિભાવવા કલેક્ટરની અપીલ
આ તકે જિલ્લા કલેક્ટરે બાળકો અને દત્તક માતા-પિતાને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તેમજ બાળકોને પારિવારિક હૂંફ સાથે જવાબદાર માતા-પિતા તરીકે ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી.
આ સમગ્ર કામગીરીમાં પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરસીયા, ચીફ પ્રોબેશન ઓફિસર મેહુલગીરી ગોસ્વામી, કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઈ વોરા અને જિલ્લા બાળ સુરક્ષા એકમનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

દર વર્ષે 15થી વધુ બાળકો દત્તક લેવામાં આવે છે
શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં દર વર્ષે 15થી વધુ બાળકો દત્તક લેવામાં આવે છે. ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાંથી પણ માતા-પિતા રાજકોટના બાલાશ્રમમાંથી બાળકોને દત્તક લેવા માટે આવતા હોય છે. અહીં બાળકોને રહેવાની, જમવાની અને અભ્યાસ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમ દ્વારા દર વર્ષે 15થી વધુ બાળકો દત્તક અપાઇ છે.
રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમ દ્વારા દર વર્ષે 15થી વધુ બાળકો દત્તક અપાઇ છે.

એક વર્ષ પહેલા 4 વર્ષના હરિને મુંબઈની મહિલાએ દત્તક લીધો હતો
રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના પારણામાં નિષ્ઠુર માતાએ પોતાના કાળજાના કલેજાને તરછોડી પલાયન થઈ ગઈ હતી. તરછોડાયેલા બાળકનું નામ હરિ રાખવામાં આવ્યું હતું અને તેની ઉંમર 4 મહિનાની થઈ ત્યારે ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી અપરિણીત મહિલા સપના કપૂરે હરિને દત્તક લીધો હતો. સપનાએ પણ સિંગલ મધર બનવાનું પસંદ કર્યું હતું. આથી તેણે બાળકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરી હતી. એમાં અનાથ બાળકો માટે કામ કરતી કારા સંસ્થાએ આ હરિને દત્તક આપવાનું નક્કી કર્યું હતું. આ તમામ દત્તક વિધિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સપના કપૂરનું મા બનવાનું સ્વપ્ન પૂરું થયું હતું.

સપના કપૂરે હરિનું નામ કૈરવ રાખ્યું હતું
હરિને લેવા માટે સપના કપૂરનાં મમ્મી અને તેના ફેમિલી ફ્રેન્ડ રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે આવ્યાં હતાં. કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરા અને સંચાલકોએ તમામ વિધિવત દત્તક વિધિ પૂર્ણ કર્યા બાદ હરિને સપના કપૂરને સોંપતાં તેમની આંખમાં ખુશીનાં આંસુ સરી પડ્યાં હતાં અને આ સમયે બાલાશ્રમમાં પણ ભાવુક માહોલ જોવા મળ્યો હતો. પરિવારમાં હરિ ઉર્ફ કૈરવ (સફેદ કમળ) બનીને ખીલશે. મમ્મી સપના કપૂરે તેનું નવું નામ કૈરવ રાખ્યું હતું.

સપના કપૂરને આ રીતે બાળક દત્તક લેવાનો વિચાર આવ્યો હતો
મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી સપના કપૂરે સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું. દિલ્હીમાં રહેતાં તેના ભાઈ અને ભાભીએ અનાથ બાળકીને દત્તક લીધી હતી. પોતે પણ સિંગલ જ રહેવા માગતા હતા. કોઈ પોતાની વ્યક્તિ હોય તેના માટે તેની મમ્મીએ એક બાળકને દત્તક લેવા માટે સમજાવ્યું હતું અને ભત્રીજી અવનિને જોઈ અનાથ બાળકની માતા બનવાનું વિચાર્યું. આ રીતે સપના કપૂર બાળકની માતા બનીને તેનો ઉછેર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...