રાજકોટ જિલ્લાના રાતૈયા ગામે PGVCLની બેદરકારી સામે આવી છે. જ્યાં રસ્તા પર તૂટેલા જીવંત વીજતારને સ્પર્શતા 3 ભેંસના મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે ગામના પશુપાલકોએ PGVCLને તાર રીપેર કરવા માટે અરજી પણ કરી હતી છતાં રીપેરીંગના અભાવે 3 ભેંસના વીજકરંટથી મોત થયા છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાતૈયા ગામના નવઘણભાઈ ટોળીયાની બે ભેંસ અને અશોકભાઈ વાલજીભાઈની એક ભેંસનું મોત થયું છે. આ મુદ્દે ગ્રામજનોએ તૂટેલા તાર રીપેર કરવા માટે તા. 23-7-2022 ના રોજ PGVCLના રોણકી સબ ડિવિઝનને અરજી કરી હતી. છતાં રોણકી સબ ડિવિઝનની બેદરકારીના કારણે ત્રણ ભેંસોએ જીવ ગુમાવ્યો છે.નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ PGVCL તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. જેને કારણે લોકોને ભયના માહોલમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. ક્યારે થશે પ્રિ-મોન્સૂન કામગીરી અને ક્યારે લોકોને આ ભયમાંથી મુક્તિ મળશે તે એક પ્રશ્ન છે.
ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા સરહદના જવાનોને રાખડી મોકલાશે
રક્ષા બંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટની ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ઈકો ફ્રેન્ડલી રાખી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું . સર લાખાજીરાજ લાઇબ્રેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નાની બાળાઓ થી માંડી બહેનોએ ઇકોફ્રેન્ડલી રાખડીઓ અને કાર્ડ બનાવ્યા હતા. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પર્યાવરણને ધ્યાને રાખી ઇકોફ્રેન્ડલી રાખી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ કાર્યક્રમમાં એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં બહેનોએ બનાવેલ ઇકોફ્રેન્ડલી રાખડી અને કાર્ડ્સ પરીવારથી દુર રહી દેશની રખેવાળી કરતા સૈન્યના જવાનોને રક્ષાબંધન નિમિતે મોકલવામાં આવશે. આ વર્ષે 100થી વધુ રાખડીઓ અને કાર્ડ બહેનો દ્વારા બનાવવામાં આવ્યા છે.
પંચનાથ પ્લોટમાં 150 વર્ષ જૂની દુકાનનો સ્લેબ ધરાશાયી થયો
રાજકોટ શહેરમાં થોડા દિવસ પૂર્વે 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક જગ્યાએ મકાન ધરાશાહી તેમ જ કાટમાળ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં 150 વર્ષ જૂની અને જર્જરિત હાલતમાં રહેલ સાંઈનાથ ટેલિકોમ નામની દુકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ અંગે સાંઈનાથ ટેલિકોમના ચંદુભાઈએ જણાવ્યું હતું કે,આ અમારી મોબાઈલની દુકાન છે. જેમાં અચાનક બધો કાટમાળ પડી ગયો હતો અમારી દુકાન 150 વર્ષ જૂનું હતું. એટલે આવું બન્યું છે. ભગવાનની કૃપા હતી કે કાટમાળ ધસી પડ્યો તે સમયે કોઇ હાજર ન હોઇ જેથી જાનમાલને કોઈ નુકસાની થઈ નથી. પણ આમાં રૂ.20 લાખ જેટલી નુકસાની થઈ છે. ઉલ્લેખનિય છે કે, હજુ ત્રીજા માળે છજાનો જોખમી ભાગ લટકી રહ્યો છે.
ચાલુ વરસાદે કોલીથડના વાડી વિસ્તારમાં માતાની સફળ પ્રસુતિ
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા નર્મદાબેન વસુનિયાને વહેલી સવારે 5:30 વાગ્યે પ્રસુતિની પીડા ઉપડતા પરિવારના સભ્યોએ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે સંપર્ક સાધ્યો હતો. 108ની ટીમે સમય સુચકતાં સાથે સ્થળ પર હાજર થઈને માતા અને શિશુનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે માતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.