તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:રાજકોટની સમરસ કોવિડ સેન્ટરના 3 એટેન્ડન્ટ બન્યા ચોર, મૃતદેહ પરથી રોકડ, મોબાઇલ ચોર્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા સેન્ટરમાં ચોરીની ફરિયાદો બાદ થયો પર્દાફાશ
  • 3 રાજસ્થાની શખ્સની ધરપકડ, 32 હજારની રોકડ, મોબાઇલ, ઘરેણાં કબજે

કોરોનાની મહામારીના વિકટ સમયમાં લેભાગુ તત્ત્વો માનવતાને નેવે મૂકી કળા કરી જતા હોવાના અસંખ્ય બનાવો પ્રકાશમાં આવ્યા છે. વધુ એક બનાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા સમરસ કોવિડ સેન્ટરમાં બન્યાનું પ્રકાશમાં આવ્યું છે.

પ્રાઇવેટ એજન્સીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરતા મહિપાલસિંહ જેઠવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અહીંના કોવિડ સેન્ટરમાં આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીઓ તેમની એજન્સીએ પૂરા પાડી 150 જેટલા કર્મચારીઓ કોવિડ સેન્ટરમાં નોકરી કરી રહ્યાં છે. તેમનું કામ દર્દીઓની સારવારથી લઇ દર્દી મૃત્યુ પામે તો તેમની બોડી પેક કરવા સહિતની જવાબદારી છે. દરમિયાન છેલ્લા ચાર દિવસથી કોરોનામાં મોતને ભેટેલા દર્દીઓના પરિવારજનોએ તેમની રોકડ, મોબાઇલ, ઘરેણાં ચોરાયા હોવાની સુપરવાઇઝર ગોવિંદસિંહને ફરિયાદ મળી હતી. જે ફરિયાદ અંગે સુપરવાઇઝરે વાત કરતા પ્રાથમિક તપાસ કરી શંકાસ્પદ જણાતા 17 કર્મચારીને તાત્કાલિક પગાર આપ્યા વગર નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા.

છૂટા કરાયેલા તમામ કર્મચારીઓ એક જ જગ્યાએ રહેતા હોવાથી કર્મચારીઓ પર બે દિવસ વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન છૂટા કરાયેલા 17 પૈકી પેશન્ટ એટેન્ડન્ટ તરીકે કામ કરતા વિક્રમ બંસીલાલ તેજી, મહેન્દ્ર ભગવાન ભારથી અને માના ઉદાભાઇ રામને પગાર દીધા વગર છૂટા કર્યા હોવા છતાં નવો મોબાઇલ, વીંટી વગેરેની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે સુપરવાઇઝર ગોવિંદસિંહે વાત કરતા તુરંત તે ત્રણેય કર્મચારીના રૂમે જઇ તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ત્રણેયના સામાનમાંથી મોબાઇલ, ઘરેણાં અને રૂ.32,520ની રોકડ મળી આવી હતી. પૂછપરછમાં શરૂઆતમાં ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા, પરંતુ લાલ આંખ કરતા ત્રણેયે આ રોકડ, મોબાઇલ તેમજ ઘરેણાં કોરોનાથી મોતને ભેટેલાઓના મૃતદેહ પરથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે બનેલી શરમજનક ઘટનાને પગલે ત્રણેય રાજસ્થાની શખ્સ સામે યુનિવર્સિટી રોડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ.વાય.આર.ઝાલા સહિતના સ્ટાફે ગુનો નોંધી ત્રણેય શખ્સની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. દસ દિવસ પહેલા જ નોકરીએ જોડાયેલા ત્રણેય રાજસ્થાની શખ્સે કેટલા મૃતદેહો પરથી શું શું ચોર્યુ છે તે જાણવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...