તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું અગ્નિકાંડની રાહ?:રાજકોટમાં 88માંથી 29 કોવિડ હોસ્પિ. પાસે ફાયર NOC જ નથી, દર્દીઓ રામભરોસે, IMAના પ્રમુખે કહ્યું- મંજૂરી રદ કરી આવી હોસ્પિટલો બંધ કરો

રાજકોટ22 દિવસ પહેલા
રાજકોટમાં 29 ખાનગી હોસ્પિટલ પાસે NOC નથી.
  • બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતા હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફાયર NOC નહોતું તેવી હોસ્પિટલોને મંજૂરી આપી: મેયર

રાજકોટમાં કોરોના મહામારીમાં અમુક કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને NOC જ નથી. શહેરની 88માંથી 29 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લગતું NOC સર્ટિફિકેટ જ નથી. આથી આ 29 કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ રામભરોસે સારવાર લઇ રહ્યાં છે. આગ લાગે તો પહેલી જવાબદારી મનપાની રહે છે. કારણ કે તેની મહેરબાનીથી આ તમામ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલે છે. આ અંગે IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, આવી હોસ્પિટલોની પરવાનગી રદ કરી બંધ કરવાની કાર્યવાહી કરવી જોઇએ.

આગ લાગે તો જવાબદારી કોની?
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી કોરોનાના 6 દર્દી ભડથું થઇ ગયા હતા. આ કેસમાં હજુ સુધી મૃતકના પરિવારને ન્યાય મળ્યો નથી. આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી તંત્ર શોધી શક્યું નથી. ત્યારે હવે શહેરની 29 કોવિડ હોસ્પિટલમાં NOC ન હોય ત્યારે જવાબદારી કોની?, આગ લાગે ત્યારે દર્દીના જીવ પર જોખમ આવે તો શું? સહિતના સવાલો લોકોમાં ઉઠ્યા છે. ડો. પ્રફુલ કમાણીએ દર્દીઓના સગાઓને આવી NOC વગરની હોસ્પિટલ તાત્કાલિક બદલી નાખવી જોઇએ તેવી અપીલ કરી છે.

IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી.
IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી.

બે-ત્રણ વસ્તુ ન હોવાથી પણ NOc મળતી નથીઃ ડો. પ્રફુલ કમાણી
શહેરમાં 29 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની NOC નથી. NOC ન લેવાનું કારણ શું છે? આ સવાલના જવાબમાં ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, NOC માટે 10 નોમ્સ હોય છે તે બધા ફીલફૂલ થાય પછી NOC મળી શકે છે. બાકીની હોસ્પિટલે NOC નથી લીધી તેની પાછળના કારણો હોય શકે. કારણ કે બે-ત્રણ વસ્તુ ન હોવાથી પણ NOc મળતી નથી. બીજુ હોસ્પિટલની અંદર ફેસિલિટી છે તે હોવી જોઇએ તે ન હોવાથી પણ NOC મળતી નથી.

NOC વગર મનપાએ કોવિડની મંજૂરી આપી દીધી.
NOC વગર મનપાએ કોવિડની મંજૂરી આપી દીધી.

હોસ્પિટલોને ફાયર NOC મળે પછી જ મંજૂરી આપવી જોઇએ
ડો.પ્રફુલ કમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલનું બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેક્સમાં કે શેરીમાં હોય તો એક્ઝિટ બારી ન પણ હોય શકે. આના લીધે ફાયર NOC મળતી નથી. અમુક હોસ્પિટલો સાંકડી શેરીમાં હોય છે કે ત્યાં ફાયરની ગાડી પણ પહોંચી શકતી નથી. આવી હોસ્પિટલોને ફાયર NOC મળે પછી જ મંજૂરી આપવી જોઇએ.

મેયર ડો.પ્રદિપ ડવ.
મેયર ડો.પ્રદિપ ડવ.

ફાયર શાખાએ ચેકિંગ હાથ ધર્યું છેઃ મેયર
મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટમાં જે હોસ્પિટલ પાસે ફાયર NOC નથી તેવી હોસ્પિટલોને આપણે અગાઉ નોટિસ આપી દીધી છે. આ મુદ્દે રાજકોટ ફાયરબ્રિગેડ શાખા દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે હોસ્પિટલમાં ફાયરના સાધનો અને સુવિધા ઉભી નથી કરાઇ તેને વહેલામાં વહેલી તકે સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. હવે ફાયર NOC હશે તેને જ મંજૂરી આગામી દિવસોમાં આપવામાં આવશે. બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતા તેમને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફાયર NOC નહોતું તેવી હોસ્પિટલોને મંજૂરી આપી હતી. હવે ફાયર NOCને લઇને મહાનગરપાલિકા ક્યાંય બાંધછોડ રાખશે નહીં. ફાયર શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...