કોરોના રાજકોટ LIVE:શહેરમાં શુક્રવારે નોંધાયેલા 29 કેસમાં 10 વર્ષથી નાના 3 બાળકનો પણ સમાવેશ, તહેવારો સમયે સંક્રમણ વધ્યું

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 10 વર્ષથી નાના 3 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 25 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 243 થઈ છે. તેમજ કુલ પોઝિટિવનો આંક 64473 થયો છે. રાજકોટ શહેરમાં તહેવાર નજીક આવી રહ્યા છે તે સમયે કેસની સંખ્યા વધીને 50 સુધી પહોંચી ગઈ હતી પણ ફરી કેસની સંખ્યા ઘટવા લાગી છે. તબીબો જણાવી રહ્યા છે કે, કોરોનાના કેસમાં ધીમો વધારો આવી રહ્યો છે પણ સતત કેસ વધ-ઘટ થતા હોવાથી લહેર આવશે કે નહીં તેનો અંદાજ હજુ લગાવી શકાય તેમ નથી.

આ વિસ્તારોમાં કેસ નોંધાયા
શહેરમાં કાલાવડ રોડ પરથી 7 વર્ષની બે બાળકીમાં કોરોના પોઝિટિવ તેમજ મનહરપુર વિસ્તારની 9 વર્ષની બાળકીને કોરોના હોવાનું સામે આવ્યું છે. આ સિવાયના કેસમાં નંદીપાર્કમાં રહેતા યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી હરિદ્વારની હોવાનું નોંધાયું છે. જે કેસ આવ્યા છે તેમાં વોર્ડ નં. 8માંથી 6 કેસ આવ્યા છે. વોર્ડ નં.17માંથી 5 જ્યારે વોર્ડ નં. 11માંથી 2 કેસ સામે આવ્યા છે. અમીન માર્ગ પર રહેતા 77 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સિનિયર સિટીઝનને છેલ્લા ઘણા સમયથી વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ અપાય રહ્યો છે, પણ આ કેસમાં કોરોના વિરોધી રસીના 2 ડોઝ જ લીધા હોવાનું દર્દીએ જણાવ્યું છે. જ્યારે શ્યામનગરની કોરોનાગ્રસ્ત 18 વર્ષની યુવતીએ ફક્ત એક જ ડોઝ લીધો છે.

ગુરૂવારે 43 કેસ આ વિસ્તારમાં નોંધાયા
રાજકોટ શહેરમાં ગુરુવારે નવા 43 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 36ને ડિસ્ચાર્જ કરાયા હતા. સતત ત્રીજા દિવસે ડિસ્ચાર્જ કરતા નવા કેસની સંખ્યા વધારે રહેતા એક્ટિવ કેસનો આંક પણ વધ્યો છે. શહેરમાં પત્રકાર સોસાયટી, મોમ્બાસા એવન્યુ, હસનવાડી, પંચનાથ પ્લોટ, વિજય પ્લોટ, રામનાથ પરા, ચંદ્રનગર, શાંતિનગર, મણી નગર, જ્યોતિ નગર,પૂજા પાર્ક, લક્ષ્મી પાર્ક, ધર્મરાજ પાર્ક, ગોલ્ડન પાર્ક, અમૃત પાર્ક,વિક્રાંતિ, શ્રી ગણેશ, સોમનાથ, ગોપાલ ચોક, ભવનાથ, હુડકો, રેવ હેવન, ઋષિકેશ એકસોટીકા, યોગી નિકેતન, સદગુરુ ટાવર, વિનોદ આવાસ, ધારેશ્વર, ગોલ્ડન નેસ્ટ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, શ્રોફ રોડ, કાલાવડ રોડ, આશાપુરા રોડ, દૂધ સાગર રોડ વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે.

ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી
શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે પણ તેટલા ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી. ગુરુવારની સ્થિતિએ રાજકોટ શહેરમાં 1300 ટેસ્ટ થયા હતા જ્યારે 43 પોઝિટિવ કેસ આવ્યા હતા આ કારણે પોઝિટિવિટી રેટ 3.31 ટકા થયો છે. તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કેસની સંખ્યા હજુ પણ વધશે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...