રાજકોટના સમાચાર:કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઈ વાળાને ડેન્ગ્યુ થયો, સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

રાજકોટ22 દિવસ પહેલા
વજુભાઈ વાળાની ફાઈલ તસવીર.

ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઈ વાળાને ડેન્ગ્યુ થતા સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની પહેલી વિકેટ પડી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.કે. વેકરિયાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત બંધના પગલે જેતપુરમાં સદંતર નિષ્ળ રહ્યાની વાત વહેતી થઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને ઉદેશીને લખેલા રાજીનામામાં પોતે અંગત કારણોસર રાજીનામું આપી રહ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરાબજામાં શંકાસ્પદ ઘીનો 285 કિલો જેટલો જથ્થો સીઝ
રાજકોટમાં આજે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીનો 285 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર, શોપ નં.૧૦૧-૧૦૨, પરાબજાર ખાતે આવેલ 'વોલ્ગા કોર્પોરેશન'માં પેઢીના ભાગીદાર ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી પાસેથી અંદાજિત 285 કિલો ઘીનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિમત રૂI.1,63,580ની છે. અને તેને નમૂના માટે લેબોરેટરીમાં મોકલાવામાં આવ્યું હતું. આ ઉપરાંત પટેલ પ્રોવિઝન સ્ટોર અને D.K. લાઈવ બેકરીને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરતી આરોગ્ય વિભાગની ટીમ.
શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરતી આરોગ્ય વિભાગની ટીમ.

શુક્રવારે ગણેશજીની 7229 પ્રતિમાઓ જળમગ્ન
રાજકોટમાં 10 દિવસ સુધી ગણેશ પૂજન કર્યા બાદ ગઈકાલે ભક્તો બાપ્પાને ભાવભેર વિદાય આપી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ પૂરતી તૈયારી રાખી હતી. જ્યારે વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે તૈનાત હતી. જ્યાં ગઈકાલે 7229 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

શાળામાં મોકડ્રીલ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા શહેરની રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્ટિંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને તથા અન્ય સ્ટાફને કઇ રીતે બચાવવા તે અંગેની માહિતી અપાઈ હતી.

સિવિલમાં લાઈવ સર્જીકલ વર્કશોપનો પ્રારંભ
રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગ, મેડિકલ કોલેજ તેમજ ઈ. એન.ટી. સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય લાઈવ સર્જીકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચેન્નઈના ઈ.એન.ટી. તજજ્ઞ ડો. તુલસીદાસ તેમજ ડો. આહિલા સ્વામીએ નાક વાટે સાયનસ તેમજ મગજની ગાંઠની લાઈવ સર્જરી કરી કોઈપણ જટીલ સર્જરી ટેક્નોલોજીની મદદથી કેવી રીતે આસાન કરી શકાય તેનું નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.