રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળી હતી જેમાં અધધ 66 દરખાસ્તો મુકાઈ હતી. 4 ઔપચારિક અને અન્ય વહીવટી દરખાસ્તોને બાદ કરતા કુલ 61.83 કરોડ રૂપિયાના ખર્ચ અને 19.24 લાખ રૂપિયાની આવક અંગે નિર્ણયો લેવાયા છે. જેમાં 26.85 કરોડ રૂપિયા રસ્તાકામ અને 15.77 કરોડ રૂપિયા વોટરવર્કસ પાછળ ખર્ચાશે જ્યારે નાકરાવાડી સુધી કચરો પહોંચાડવા માટે 7.83 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
વોટરવર્કસ વિભાગમાં વર્ષો જૂના મશીનો છે અને તેનું સંચાલન ખર્ચ ખૂબ જ વધી રહ્યું છે તેથી 6 પમ્પિંગ સ્ટેશનમાં જૂના મશીનોના સ્થાને નવા ઈલેક્ટ્રિક અને મિકેનિક મશીનો મૂકી તેનું સંચાલન પણ સોંપી દેવાશે આ રીતે વર્ષે એક કરોડની બચત થશે તેમજ સંચાલન વધુ મજબૂત બનશે.
જ્યારે શહેરમાં રોડ બનાવવા માટે કુલ 26.85 કરોડના ખર્ચ મંજૂર કરાયા છે તે પૈકી 6.70 કરોડ એકમાત્ર વોર્ડ નં.18ના છે. આ વોર્ડ ખખડધજ માર્ગો માટે કુખ્યાત છે પણ અલગ અલગ વિસ્તારો તેમજ હુડકો ચોકડીથી છેક કોઠારિયા ગામતળ સુધીનો ડામર રોડ થતા લોકોને રાહત મળશે. આ સિવાય ગાર્બેજ કલેક્શન સેન્ટરમાંથી નાકરાવાડી કચરો પહોંચાડવા માટે 7.83 કરોડ ખર્ચાશે. બે ટેનિસ કોર્ટ બે વર્ષના સંચાલન માટે સોંપવા નિર્ણય લેવાય છે તેમાંથી મનપાને 5.55 લાખની આવક થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.