તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં મ્યુકરમાઇકોસિસનો કહેર:350 નવા દર્દી દાખલ થયા, 4નાં મોત; 7 દિવસમાં 2.5 કરોડના ઈન્જેક્શન વપરાયા, 24 કલાક ઓપરેશન થાય તેની તૈયારી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિવિલમાં બેડની સંખ્યા સતત વધારવા માટે પ્રયાસો હાથ ધરાયા, હાલ દરરોજ આઠ ઓપરેશન થાય છે
  • ઓપરેશન બાદ પણ 21થી વધુ દિવસ સારવાર ચાલે છે, હજુ સુધી એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
  • સિવિલ હોસ્પિટલને હવે દરરોજ 1200 ઈન્જેક્શનની જરૂરની સામે 1000 ડોઝ ગાંધીનગરથી ફાળવાયા

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 250 સુધી પહોંચી છે તો બીજી તરફ 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાનું પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલે મ્યુકરની તૈયારીના ભાગ રૂપે 2.5 કરોડના ઈન્જેક્શન મગાવ્યા હતા જોકે તે એક જ સપ્તાહમાં પૂરા થઈ ગયા છે અને હવે દરરોજ 1200ની જરૂરિયાત છે તેની સામે 1000 ઈન્જેક્શન જીએમએસસીએલ વતી મોકલવામાં આવી રહ્યા છે. આ રીતે કેસની સંખ્યા વધતી રહી તો ઈન્જેક્શનની પણ જરૂરિયાત વધતી જશે.

એક તરફ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા નથી. કારણ કે, આ બીમારીમાં ઓપરેશન કર્યા બાદ પણ ઓછામાં ઓછા 21 દિવસ સારવાર આપવી જરૂરી છે તેથી અત્યાર સુધીમાં 40 સર્જરી થઈ ગઇ હોવા છતાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર ઓપરેશન માટે વેઈટિંગ વધી રહ્યું છે તેથી હવે રોજના 8થી 10 ઓપરેશનને બદલે સંખ્યા વધારવા માટે 24 કલાક ઓપરેશન થિયેટર ચાલુ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઓપરેશનમાં વારો ન આવતા ચેપ ફેલાયો
સિવિલ હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસ વોર્ડમાં અરૂણાબેન ગોહેલ નામના પ્રૌઢા છેલ્લા એક સપ્તાહથી દાખલ છે. તેમના જમાઈ મનોજ ગોંડલિયા જણાવે છે કે, એક સપ્તાહ પહેલા તેમને મોઢા પર સોજા આવતા મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ કરાયા હતા. ડોક્ટરે તપાસીને એમઆરઆઈ કરાવવાનું કહ્યું હતું તે કરાવ્યા બાદ બે દિવસ સુધી કોઇ તબીબે તે રિપોર્ટ જોયા ન હતા. ઓપરેશનમાં વારો ન આવતા ચેપ ધીરે ધીરે આંખોમાં ફેલાઈ ગયો અને શુક્રવારે તબીબ તપાસવા આવતા તેમણે કહ્યું છે કે, ચેપ વધી જતા હવે બચાવવા શક્ય નથી. કોરોના હજુ સંપૂર્ણ રીતે કાબૂમાં આવ્યો નથી ત્યાં વધુ અેક બીમારી ચિંતાનું કારણ બની છે.

પ્લાસ્ટિક સર્જન, ન્યુરો અને ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટની નિમણૂક કરાશે
તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર મ્યુકરમાઈકોસિસની સર્જરીમાં ઘણીવાર પ્રભાવિત એરિયા કાઢવો પડે છે તેથી હવે ચહેરાને નોર્મલ બનાવવા માટે પ્લાસ્ટિક સર્જન પણ ટીમમાં સામેલ થશે તેમજ ન્યુરોફિઝિશિયન તેમજ ઈન્ફેક્શિયસ ડિસીઝ કંટ્રોલના એક્સપર્ટ તબીબની પણ નિમણૂક કરાશે જેથી મ્યુકરમાઈકોસિસની ટીમ વધુ સારું કામ કરી શકશે. આ માટે પ્રાથમિક તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે અને જરૂરિયાત મુજબ હજુ કરાશે.

બ્લેક ફંગસના લક્ષણો

  • ચહેરાની આસપાસ અને આંખોમાં સોજો આવવાથી દેખાવવાનું બંધ થવું.
  • નાક બંધ થઇ જવું અને નાકની આસપાસ સોજા આવી જવા.
  • જડબામાં સોજો આવી જવો, દાંત અને પેઢા નબળા પડવા અને દુ:ખાવો થવો.

ફેસ રિકન્સ્ટ્રક્શન અને મોઢાના ઓપરેશન પણ થશે
મ્યુકરમાઈકોસિસમાં જે ભાગ ફુગગ્રસ્ત હોય ત્યાંથી બધો ભાગ કાઢવો પડે છે. નાકના હાડકાંમાં, પડદામાં, તાળવા આ બધી જગ્યાએ ફુગ સૌથી પહેલા પહોંચે છે તેથી તે ભાગ કાઢવો પડે છે. આ કારણે મોઢાનો દેખાવ ખરાબ થઈ જતો હોય છે પણ સિવિલમાં આ બાબતને ખાસ ધ્યાને લેવાઈ છે. મોઢાનો દેખાવ બગડે નહિ તે માટે મ્યુકરના ઓપરેશન બાદ ફેસ રિકન્સ્ટ્રક્શન માટે પ્લાસ્ટિક સર્જન રોકવામાં આવ્યા છે આ ઉપરાંત મોઢાની બીજી સમસ્યાઓ માટે ડેન્ટિસ્ટની નિમણૂંક સીએમ સેતુ યોજના હેઠળ કરાશે. સિવિલમાં બે ઇએનટી નિષ્ણાંતને ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. સર્જરીની ગતિ વધારવા માટે ખાનગી તબીબોની પણ સેવા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...