ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્ર શરૂ થવાનું છે ત્યારે વાલીઓ અત્યારથી જ આર્થિક પ્લાનિંગમાં લાગી ગયા છે કારણ કે, સ્કૂલ ફીમાં નવા સત્રથી 10% સુધીનો વધારો કરાયો છે જ્યારે બીજી બાજુ શાળાઓ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી સહિતની તમામ જરૂરિયાતની વસ્તુઓ લેવાની થશે ત્યારે સ્ટેશનરીની વસ્તુઓમાં પણ 25% સુધીનો ભાવવધારો ઝીંકાતા વાલીઓનું બજેટ ખોરવાશે.
યુક્રેન યુદ્ધની અસરને કારણે કાગળની અછત સર્જાઈ
રો-મટિરિયલના ભાવ વધવાને કારણે, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું અને યુક્રેન યુદ્ધની અસરને કારણે કાગળની અછત સર્જાતા સ્ટેશનરીની તમામ વસ્તુઓમાં 25 ટકા સુધીનો ભાવવધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. યુઝ એન્ડ થ્રો પેન જે રૂ.3ની મળતી હતી તે રૂ.4ની થઇ છે, રૂ.10ની બોલપેનના 15, નોટબુક-ચોપડાના 30માંથી 40, કંપાસ બોક્સના 50માંથી 60 અને સ્કૂલ ડ્રેસના 500થી વધીને 575 થયા છે.
કોરોના બાદ સ્ટેશનરીની વસ્તુઓ મોંઘી થઇ
કોરોના મહામારી બાદ પ્લાસ્ટિકના ભાવ પણ વધતા સ્ટેશનરીની મોટાભાગની વસ્તુઓ મોંઘી થઇ છે. એકંદરે એક વિદ્યાર્થીના સ્કૂલ બેગમાં જેટલી વસ્તુઓ હોય છે તેમાં સરકારી પાઠ્યપુસ્તકોને બાદ કરતા મોટાભાગની વસ્તુઓના ભાવ વધી ગયા છે.
સ્ટેશનરીની આટલી વસ્તુમાં ભાવ વધ્યા
વસ્તુ | જૂનો ભાવ | નવો ભાવ |
નોટબુક | રૂ. 30-48-65 | રૂ. 40-60-75 |
યુઝ એન્ડ થ્રો પેન | રૂ.3 | રૂ.4 |
કંપની પેન | રૂ. 10-30 | રૂ.15-40 |
વોટરકલર | રૂ. 20 | રૂ. 25 |
કંપાસબોક્સ | રૂ. 30-50 | રૂ. 40-60 |
વેપારીઓએ કહ્યું, શાળાઓ અમારા કરતા વસ્તુ 20% મોંઘી આપે છે
સ્ટેશનરીના વેપારીઓએ કહ્યું હતું કે, કેટલીક શાળાઓ પોતે જ સ્ટેશનરી વસ્તુઓ, સ્કૂલબેગ, સ્કૂલ યુનિફોર્મ સહિતની વસ્તુઓ પોતે જ વેચે છે. ખરેખર શાળાનું કામ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે, આવી રીતે વેપાર કરવાનું નહીં. આ ઉપરાંત શાળાઓ જે વસ્તુ પોતે આપે છે તે બજારના વેપારીઓ કરતા પણ 20% મોંઘી વેચે છે.
કાપડનો ભાવ વધતા વાલીઓએ યુનિફોર્મની કિંમત પણ હવે 15% વધારે ચૂકવવી પડશે
વેપારી ભાગ્યેશ વોરા જણાવે છે કે, કોરોના મહામારી બાદ કાપડની કિંમતમાં પણ ભાવવધારો થતાં લોકલ લેવલે પણ 15% સુધીનો વધારો કરાયો છે. સામાન્ય રીતે બાળકોના સ્કૂલ ડ્રેસ રૂ. 500થી લઈને 1000 સુધીના થતા હોય છે તેમાં નવા સત્રથી 15% જેટલો વધારો લાગુ પડશે. એટલે કે જે સ્કૂલ ડ્રેસ 500માં થતો તે હવે 575નો થશે અને જે યુનિફોર્મ રૂ. 1000નો થતો તે 1150 રૂપિયાનો થશે.
સ્ટેશનરી આઈટમોની અછત, 10 કાર્ટૂન મગાવીએ તો 2 જ મળે છે
સ્ટેશનરીની આઈટમોની હાલ પણ અછત છે અમે કોઈપણ વસ્તુના 10 કાર્ટૂન મગાવીએ તો 2 જ મળે છે. અછતને કારણે પણ ભાવ વધે છે. હાલ મોટાભાગની સ્ટેશનરીની વસ્તુઓમાં 25% સુધીનો ભાવવધારો છે. કેટલીક શાળાઓ પોતે જ સ્ટેશનરી સહિતની વસ્તુઓ વેચે છે જેની સામે અમે કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરીશું. - અતુલભાઈ દક્ષિણી, પ્રમુખ, સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિએશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.