ગુજરાત શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ના પેપરની ચકાસણી રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી બાદ પ્રથમ વખત અંદાજિત 15 લાખ વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા આપી હતી. મહામારી અને ઓનલાઈન શિક્ષણની મર્યાદા વચ્ચે વિદ્યાર્થીઓ આપેલી પરીક્ષા બાદ દિવ્ય ભાસ્કરે’ પેપર ચેક કરી રહેલા 50 શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓએ પેપરમાં કેવું લખ્યું છે, બદલાવ શું જોવા મળ્યો, આશ્ચર્યજનક બાબતો શું જોવા મળી તેની માહિતી મેળવી હતી જેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
65% વિદ્યાર્થીઓ આખું પેપર પૂરું ના કરી શક્યા
બોર્ડના પેપર ચેક કરી રહેલા શિક્ષકોએ કહ્યું હતું કે, 25% વિદ્યાર્થીઓએ પેપરમાં ખૂબ જ ટૂંકું કન્ટેન્ટ લખ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એવરેજ માર્ક મળ્યા છે. 65% વિદ્યાર્થીઓ આખું પેપર પૂરું કરી શક્યા નથી અનેક વિદ્યાર્થીઓના પેપર અધૂરા જોવા મળ્યા છે. અક્ષરો, વાક્યરચના, જોડણી, વિરામચિહ્નો સહિત અનેક ક્ષતિઓ જોવા મળી છે.ઘણા વિદ્યાર્થીઓએ વિસ્તારથી પૂછેલા પ્રશ્નોના જવાબ 6 લાઈનમાં જ આપ્યા છે. કોરોનાને લીધે બોર્ડે આ વર્ષે પેપર સ્ટાઈલ પણ સરળ કરી, જનરલ ઓપ્શન આપ્યા છતાં કેટલાક વિદ્યાર્થીઓએ પેપરમાં પણ એવું લખ્યું છે કે કોરોનાને લીધે તૈયારી થઇ શકી નથી, પાસ કરી દેવા વિનંતી છે’.
બોર્ડની પરીક્ષાના પેપર તપાસનાર શિક્ષકોને આટલા બદલાવ ઊડીને આંખે વળગ્યા
રાજકોટમાં 600થી વધુ શિક્ષકો પેપર ચકાસે છે
રાજકોટમાં ધોરણ 10 અને 12ના 600થી વધુ શિક્ષકો બોર્ડના પેપર ચકાસી રહ્યા છે. જુદી જુદી શાળાઓમાં હાલ બોર્ડના પેપરનું મધ્યસ્થ મૂલ્યાંકન થઇ રહ્યું છે જેમાં એક શિક્ષક દરરોજ એવરેજ 30થી 35 પેપર તપાસી રહ્યા છે. આ પેપર ચકાસણી દરમિયાન શિક્ષકોને અનેક આશ્ચર્યજનક બાબતો નજરે પડી હતી, બદલાવ દેખાયો હતો.
વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન પ્રમાણમાં ઉતરતી કક્ષાનું જોવા મળ્યું
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશનના પણ માર્ક મળે છે, પ્રશ્નનો જવાબ સારી રીતે અને મુદ્દાસર લખ્યો હોય તો વધુ માર્ક મળે છે, પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન ખૂબ ઉતરતી કક્ષાનું જોવા મળ્યું હતું. ખરાબ અક્ષર, વાક્યરચનામાં ભૂલો સહિત અનેક ક્ષતિ જોવા મળી હતી. - જિજ્ઞાસા દવે, શિક્ષક
70% વિદ્યાર્થીઓ લાંબા પેરેગ્રાફ લખી શક્યા નથી
બોર્ડના પેપર તપાસવા દરમિયાન મોટાભાગના પેપરમાં વિદ્યાર્થીઓએ ટૂંકું લખાણ લખ્યું છે. વિદ્યાર્થીઓની લખવાની ટેવ છૂટી ગઈ હોય તેવું પેપરમાં સ્પષ્ટ જણાયું છે. 70% વિદ્યાર્થીઓ લાંબા પેરેગ્રાફ લખી શક્યા નથી. વિસ્તૃત લખવાનો જવાબ પણ તેમણે ટૂંકમાં લખ્યો હોય છે. - ગજેન્દ્રપુરી ગૌસ્વામી, શિક્ષક
પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓ તણાવ-ડર અનુભવતા હતા
બોર્ડની પરીક્ષા દરમિયાન પણ અનેક વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને પરીક્ષાનો ડર અનુભવી રહ્યા હતા. કંટ્રોલરૂમમાં અનેક વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે ફોન આવતા હતા. કોઈ પેપર કેવું નીકળશે તેવું તો કોઈ પરીક્ષાનો ડર હોવાનું જણાવતા બાદમાં તેમનું કાઉન્સેલિંગ કરાતું હતું. - સંજય પંડ્યા, કાઉન્સેલિંગ કરતા શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.