• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 25 New Cases Registered In Rajkot Today, 10 Hermits Including Rajkot Ramakrishna Ashram President Nikhileshwarananda Swami And 5 Employees Infected With Corona

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં આજે નવા 25 કેસ નોંધાયા, રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સંન્યાસી અને 5 કર્મચારીઓ કોરોના સંક્રમિત

રાજકોટ9 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • આશ્રમની તમામ પ્રવૃતિઓ થોડા સમય માટે સ્થગિત
  • મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા અપીલ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નવા 25 કેસ નોંધાયા છે. જ્યાં રાજકોટ-રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સંન્યાસી અને 5 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યા અને તમામ પ્રવૃતિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે અને મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ કરી છે. શહેરામાં કુલ કેસની સંખ્યા 16807 પર પહોંચી છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 250 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 51 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

આશ્રમના 83 વર્ષીય સ્વામી સૌપ્રથમ સંક્રમિત થયા
આ અંગે વધુ વિગત આપતા અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આશ્રમના 83 વર્ષીય સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેમને ખૂબ જ નબળાઈ અનુભવતા ડોક્ટરની સલાહ અનુસાર કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે ત્યારે નેગેટિવ આવ્યો હતો. ફરીથી ડોક્ટરની સલાહ પ્રમાણે ગઈકાલે તેમને જાણીતી હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવાયા હતા. ત્યારે સીટીસ્કેન દરમિયાન તેમને કોરોના પોઝિટિવ અને ન્યૂમોનિયા જણાયા હતા. તેમની હાલત ગંભીર છે અને અમે તેમને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહ્યા છીએ. સાથોસાથ તેઓ ખૂબ ઝડપથી પૂનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા અપીલ
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, અમને આ વાતની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી આશ્રમના બધા જ સંન્યાસીઓ અને કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેમાં મારા સહિત નવ સંન્યાસીઓ અને પાંચ કર્મચારીઓ પણ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. અમે બધા જ ક્વોરેન્ટાઇન થઈ ગયા છીએ અને જરૂરી દવાઓ લેવાની શરૂ કરી દીધી છે. તકેદારીના પગલારૂપે આશ્રમ નો મુખ્ય દરવાજો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે અને આશ્રમ પરિસરની બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે. અનુયાયીઓને વિનંતી છે કે આશ્રમ દ્વારા સમય અંતરે હેલ્થ અપડેટ આપવામાં આવશે. પરંતુ ટેલીફોનીક સંપર્ક દ્વારા સારવારમાં ખલેલ ન પહોંચાડવા વિનંતી.સાથોસાથ અમારા બધા જ અનુયાયીઓ અને નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સામાજિક અંતર જાળવે, માસ્ક પહેરે અને જો કોરોનાના સહેજ પણ લક્ષણો દેખાય તો મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય થતો કોરોના ટેસ્ટ કરાવી લે. કારણકે હજુ કોરોના સાથેની આપણી લડાઇ પૂરી નથી થઈ.