તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગ્રામ્ય વિસ્તારમાં 2435 ટેસ્ટ કરાયા જેમાંથી 290 પોઝિટિવ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં 67નાં મોત
  • જિલ્લા પંચાયતે ટેસ્ટ ઘટાડ્યા છતાં કેસ 3 ગણા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહથી કેસ વધી રહ્યા હોવા છતાં રાજકોટ જિલ્લા પંચાયત ટેસ્ટ વધારવાને બદલે સતત ઘટાડી રહ્યું છે પરિણામ સ્વરૂપ રાજકોટનો સૌથી ઊંચો પોઝિટિવિટી રેશિયો સામે આવ્યો છે. શનિવારે 2435 જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા પણ આટલા જ ટેસ્ટમાંથી 290 લોકો કોરોનાગ્રસ્ત નીકળતા રેશિયો 11.9 ટકા જેટલો વધી ગયો છે.

જિલ્લા પંચાયતે જાહેર કરેલા આંક મુજબ શુક્રવારની સ્થિતિએ 110 નવા કેસ આવ્યા હતા પણ શનિવારે તેમાં ત્રણ ગણાનો વધારો થયો છે જે સાબિત કરે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવે તો નવા કેસની સંખ્યા હવે શહેરને પણ આંબી શકે છે પણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી આ મામલે ઉદાસીન છે. ગ્રામ્ય વિસ્તાર માટે પૂરતી ટેસ્ટ કિટ આવતી નથી અને તે મેળવવા માટે પૂરતા પ્રયત્નો પણ કરાઈ રહ્યા નથી.

સમગ્ર રાજકોટની વાત કરીએ તો શહેરના 396 કેસ સહિત કુલ 686 કેસ સામે આવ્યા છે તેમજ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 જ કલાકમાં 67 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કુલ કેસની સંખ્યા 48126 થઈ છે તેમજ એક્ટિવ કેસ વધીને 4718 થયા છે.

18થી 44માં માત્ર 3263ને રસી અપાઈ
રાજકોટ શહેરમાં વેક્સિનેશનમાં અચાનક ઘટાડો આવ્યો છે. 18થી 44 વર્ષના વયજૂથમાં રજિસ્ટ્રેશન ફુલ હોવા છતાં 4500ના ટાર્ગેટ સામે માત્ર 3263ને જ રસી અપાઈ છે, જ્યારે 45 કરતા વધુના વયજૂથમાં 6231ને રસી આપ્યા સાથે કુલ 9494નું વેક્સિનેશન થયું છે.

આજથી દાણાપીઠ બજાર આખો દી’ ચાલુ
દાણાપીઠના વેપારીઓએ એપ્રિલ માસમાં હાફ ડે લોકડાઉન સિસ્ટમ લાગુ કરી હતી. એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે, હવે સવારે 8.00 કલાકે દુકાન ખૂલી જશે અને સાંજે 7.00 સુધી દુકાન ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...