ભાસ્કર વિશેષ:જન્માષ્ટમીમાં ટ્રેનમાં ગોવાનું 2400, હરિદ્વારમાં 420 નું વેઈટિંગ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌરાષ્ટ્રવાસીઓમાં ગોવા-મુંબઈ જવા સૌથી વધુ ધસારો, વૈષ્ણોદેવી માટે 158નું વેઈટિંગ
  • ​​​​​તહેવારમાં ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારત જવાનું વધુ પસંદ કરતા સાૈરાષ્ટ્રવાસીઓ

જન્માષ્ટમીના તહેવારમાં છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે અલગ- અલગ સ્થળોએ ફરવા લાયક સ્થળોએ માનવ મેદની જોવા મળશે. ફરવા લાયક સ્થળોએ હોટેલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ અત્યારથી જ હાઉસફુલ થઈ ગયા છે. ત્યારે ટ્રેનમાં પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ઝડપથી પરત ફરીને આવી શકાય તે માટે સૌરાષ્ટ્રવાસીઓએ આ વખતે ગોવા-મુંબઈ જવા માટે અલગ- અલગ ટ્રેનના મળીને 5 દિવસમાં 2400નું વેઈટિંગ છે. જ્યારે સૌથી ઓછું વેઈટિંગ વૈષ્ણોદેવી જતી ટ્રેનમાં 158નું છે. જ્યારે હરિદ્વારમાં 420નું વેઈટિંગ છે.

આમ, તહેવારમાં ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારત જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. રાજકોટ ડિવિઝનની હાપા-મંડગાવ, જામનગર- તિરુવનલ્લપુરમ, ઓખા-અર્નાકુલમ, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર- જનતા, ઓખા- મુંબઈ, વેરાવળ-પુના, હમસફર એક્સપ્રેસ, વેરાવળ-પુના ટ્રેનમાં લાંબું વેઈટિંગ જોવા મળે છે. જ્યારે ઓખા-દહેરાદૂન ટ્રેનમાં ત્રણ દિવસમાં 420નું વેઈટિંગ છે. ટ્રેન ઉપરાંત ફ્લાઈટ પણ બધી અત્યારથી જ બુકિંગ થઈ ગઈ હોવાનું ટ્રાવેલ્સ સંચાલકો જણાવી રહ્યા છે. એની સાથે- સાથે ખાનગી વાહનોનું બુકિંગ પણ દર વખત કરતા વધારે થયું છે.

એક અંદાજ મુજબ જન્માષ્ટમી પર્વમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રૂ.50 કરોડનો વ્યાપાર થવાનો અંદાજ છે. મુંબઈ-ગોવા, પુના ઉપરાંત લોકો કચ્છ, રાજસ્થાન, નાથદ્વારા, સોમનાથ, ગીર, જૂનાગઢ સહિતના સ્થળોએ પણ ફરવા જવા માટે લોકોની માનવ મેદની ઊમટે તેવી સંભાવના છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલી નાથદ્વારા ટ્રેન જન્માષ્ટમી તહેવારમાં જ શરૂ કરવામાં આવી છે. નાથદ્વારા માટે જન્માષ્ટમી એ આસ્થાનું કેન્દ્ર હોય આ ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યા વધારે નોંધાઈ તેવી સંભાવના છે.

દૂરંતો એક્સપ્રેસમાં માત્ર 33નું જ વેઈટિંગ
અન્ય ટ્રેન કરતા દૂરંતો એક્સપ્રેસમાં સૌથી ઓછું વેઈટિંગ જોવા મળે છે. કારણ કે આ ટ્રેનમાં ભાડું વધારે છે. એટલે આ ટ્રેનમાં જનારા વર્ગની સંખ્યા પણ મર્યાદિત હોય છે. મોંઘવારીને કારણે દરેક ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે. તેથી લોકોએ ફરવા જવા માટે પોતાના બજેટ પણ ફિક્સ રાખ્યા છે. જેથી જનરલ ટ્રેનમાં સૌથી વધુ ધસારો જોવા મળે છે. (નોંધ : વેઈટિંગ અંગે રેલવમાંથી મળેલી માહિતી મુજબ)

અન્ય સમાચારો પણ છે...