કોરોના રાજકોટ LIVE:બે દિવસ બાદ શહેરમાં પોઝિટિવ કેસ પાંચ ગણા વધ્યા, આજે 150ના આંકને કૂદાવ્યો, બિલ્ડર એસો.ના પ્રમુખ કોરોના સંક્રમિત

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં આજે 183 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 544 થયા, 51 દર્દી ડિસ્ચાર્જ

રાજકોટમાં હજી ગત મંગળવારે 36 કેસ નોંધાયા હતા. આજે પાંચ ગણા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં ઘેરાયું છે. આજે શહેરમાં પોઝિટિવ કેસનો આંક 150ને કૂદાવી 183 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં આજે 41 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 43594 પર પહોંચી છે. તેમજ એક્ટિવ કેસ 544 થયા છે. આજે 51 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને સામાજિક અગ્રણી પરેશ ગજેરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે.

ગઇકાલે 141 પોઝિટિવ કેસ નોંધાયા
ગ્રામ્યમાં આજે નોંધાયેલા 41 કેસમાંથી ધોરાજી તાલુકામાં 28, ગોંડલમાં 4, જામકંડોરણામાં 3, જસદણમાં 2, જેતપુરમાં 2, લોધિકામાં 1 અને ઉપલેટામાં 1 કેસ નોંધાયો છે. બુધવારે રાજકોટમાં માત્ર 24 કલાકમાં 141 કેસ નોંધાયા હતા. આ ચાર ગણો વધારો માત્ર એક જ દિવસમાં આવ્યો છે પણ 31મીએ કે જ્યારે મુખ્યમંત્રીનો રોડ શો હતો તે દિવસે માત્ર 21 કેસ હતા અને છ જ દિવસમાં 671 ટકાનો વધારો થયો હતો જે સૌથી મોટી ચિંતાજનક બાબત છે. કોરોનાનો રાફડો ફાટતો હોય તંત્ર સફાળું જાગ્યું છે. મનપાએ 5 સ્થળે 24 કલાક ટેસ્ટિંગ શરૂ કર્યું છે. તેમજ કલેક્ટર કચેરીમાં સ્પેશિયલ વોર રૂમ બનાવ્યો છે.

ભાજપના તાયફાને કારણે રાજકોટની સ્થિતિ બગડી રહી છે
રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરે સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ હતો અને તેમાં મુખ્યમંત્રીના રોડ શોનું આયોજન કરાયું હતું. માત્ર 3 કિ.મી.ના અંતરમાં ભાજપના નેતાઓએ 108 સ્ટેજ ગોઠવીને તાયફો કર્યો હતો. દરેક વોર્ડના આગેવાનો ટોળાં લઈને સ્વાગત માટે આવ્યા હતા. 500 બાઈક અને અનેક કાર કાફલામાં સામેલ થયા હતા. આવા જ તાયફાને કારણે રાજકોટની સ્થિતિ હવે બગડી છે. નિષ્ણાતો જણાવે છે કે, કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો છઠ્ઠાથી 20મા દિવસે જણાય છે. જેને વાયરસનો ઈન્ક્યુબેશન પિરિયડ કહે છે. 31મીના રોડ શો બાદ તેના છઠ્ઠા જ દિવસે 141 કેસ આવ્યા છે અને હજુ 10 દિવસ સુધી જોખમ છે. જે 141 કેસ આવ્યા છે તેમાં સૌથી મોટી કરુણતા એ છે કે 2 વર્ષથી 17 વર્ષ સુધીના 16 બાળકો અને તરૂણો પણ સંક્રમિત થયા છે.

આજે બપોર સુધીમાં 15-18 વર્ષના ગ્રુપના 9618ને વેક્સિન અપાઇ
રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 15-18 વર્ષના કુલ 13183 તરૂણોને રસી આપવામાં આવી છે. 3 જાન્યુઆરીથી આજ સુધીના કુલ 59061 તરૂણોને રસી અપાઈ છે.

2 વર્ષથી 17 વર્ષ સુધીના 16 બાળકો-તરૂણો સંક્રમિત

ઉંમરલિંગસરનામું
14પુરૂષકોઠારિયા રોડ
14પુરૂષયુનિવર્સિટી રોડ
17સ્ત્રીઅભિનવ રેસિડેન્સી
2પુરૂષઅમીનમાર્ગ
8પુરૂષઢેબર રોડ
6પુરૂષરૈયા રોડ
16પુરૂષકે.કે.વી. હોલ પાસે
2પુરૂષ

પેન્ટાગોન સોસાયટી

5પુરૂષઢેબર રોડ
6સ્ત્રી

જનકલ્યાણ સોસાયટી

12સ્ત્રીઆદર્શ સોસાયટી
14પુરૂષવૈશાલીનગર
17સ્ત્રીવૈશાલીનગર
12સ્ત્રી

બહુમાળી ભવન પાસે

14પુરૂષએસ્ટ્રોન સોસાયટી
13સ્ત્રીકાલાવડ રોડ

મનપા 50 ધન્વંતરી રથ દોડાવશે
કોરોના કેસનો રાફડો ફાટતા મનપાનું તંત્ર સફાળુ જાગ્યું છે. વધુ 50 ધન્વંતરી રથ દોડાવવા નિર્ણય લીધો છે. શહેરના પાંચ સ્થળોએ 24 કલાક ટેસ્ટિંગ બુથ કાર્યરત કરવામાં આવ્યું છે. 3 દિવસમાં 56 ટકા બાળકોએ વેક્સિન અપાઇ છે. 18થી વધુ વયના 9.36 લાખ લોકોને રસી અપાઇ છે. કોરોનાની કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્લાન જાહેર કર્યો છે. ત્રીજી લહેર સામે સાવચેતીના ભાગરૂપે સઘન ઝુંબેશના ભાગરૂપે કલેક્ટર કચેરીમાં સ્પેશિયલ ‘વોર’ રૂમ બનાવવામાં આવ્યો છે.

90 ટકા લોકો હોમ આઈસોલેશનમાં
આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, આ વખતે કોરોનાના કેસો ઝડપી સ્પ્રેડ થાય છે પરંતુ એટલા ઘાતક નથી. 90 ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે. ઘરે સારવાર લેતા દર્દીઓ માટે ટેલી મેડિસીન-સંજીવની રથ શરૂ કરાયા છે. જૂનીયર ડોક્ટરોની ભરતીનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જરૂર પડ્યે એમ સમરસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કેન્સર કોવિડ સહિતની હોસ્પિટલો કોરોના માટે લેવાશે. હળવા કેસોવાળા દર્દીઓને સમરસ અથવા અન્ય સરકારી હોસ્પિટલમાં દાખલ કરાશે. ગંભીર કેસોના દર્દીઓને પીડીયુમાં સારવાર અપાશે. આથી સિવિલ ઉપર ભારણ ન વધે.

ઘોડા છૂટી ગયા પછી તાળાં, હવે રોજ સાંજે કોવિડની બેઠક
રાજકોટ શહેરમાં સ્થિતિ વણસી ગઈ છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે, દરરોજ સાંજે 7 વાગ્યે તમામ વિભાગો સાથે કોવિડને લઈને બેઠક બોલાવાશે અને જે રીતે બીજી લહેરમાં ચર્ચા થતી હતી તેવી જ ચર્ચાઓ કરાશે.

અન્ય સમાચારો પણ છે...