તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારનો આક્ષેપ:રાજકોટમાં ડેકોરેશનનો ધંધો કોરોનાને કારણે ઠપ્પ થતા યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, લોકડાઉનના બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં રહેતા વિશાલ જોગડીયાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટના ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં રહેતા વિશાલ જોગડીયાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી (ફાઈલ તસવીર)
  • પોલીસને મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, સોરી મમ્મી-પપ્પા, કોઇનો વાંક નથી મારી મરજીથી કરુ છું

કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે ઘણા ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે લોકોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. રાજકોટમાં લોકડાઉનથી અત્યાર સુધીમાં 100 જેટલા આપઘાતના કેસો સામે આવ્યા છે. ત્યારે આજે ગાંધીગ્રામમાં શાસ્ત્રીનગરના વિશાલ જોગડીયા નામના યુવાને કોરોના અને લોકડાઉનને કારણે પોતાનો ડેકોરેશનનો ધંધો ઠપ્પ થઇ જવાને કારણે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. કરૂણતા એ છે કે હજુ છ મહિના પહેલા જ એટલે કે લોકડાઉન આવ્યું તેના બે દિવસ અગાઉ જ તેના લગ્ન થયા હતા.

યુવાને લખેલી ચિઠ્ઠી પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી
ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં રહેતો વિશાલ સવજીભાઇ જોગડીયા (ઉં.વ.23) સવારે ઉપરના રૂમમાંથી મોડે સુધી નીચે ન આવતાં માતા હંસાબેન જગાડવા ગયા હતા. પરંતુ દરવાજો ન ખોલતાં તેણે બીજા દિકરાને મોકલ્યો હતો. તેણે લોબીમાં જઇ બારીમાંથી જોતાં વિશાલ લટકતો જોવા મળતાં દેકારો મચાવી મૂક્યો હતો. દરવાજો તોડીને પરિવારજનો અંદર પહોંચ્યા હતાં.
ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસને યુવાને લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી છે જે મીડિયાને વાંચી સંભળાવ્યા બાદ કબ્જે કરી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, કોઇનો વાંક નથી, મારી મરજીથી કરું છું, સોરી મમ્મી પપ્પા.

વિશાલ બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ આપઘાત કરનાર વિશાલ બે ભાઇ અને બે બહેનમાં સૌથી નાનો હતો. તેના લગ્ન જાગૃતિ નામની યુવતી સાથે લોકડાઉન અમલમાં આવ્યું તેના બે દિવસ અગાઉ જ થયા હતા. વિશાલ ડેકોરેશનનો ધંધો કરતો હતો. પરંતુ લોકડાઉન આવતા તેનો ધંધો ઠપ્પ થયો હતો. હાલમાં તેણે ઓનલાઇન બિઝનેસ કરતી કંપનીમાં ડિલિવરીમેન તરીકે કામ પણ શરૂ કર્યુ હતું. પણ મૂળ ધંધો ઠપ્પ થઇ ગયો હોય સતત આર્થિક ભીંસ અનુભવતો હતો. લગ્ન થયાને તુરંત જ કોરોનાને કારણે કામ વિહોણો થઇ ગયો હોય તે કારણે પણ તે સતત ચિંતામાં હતો અને આજે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

લોકડાઉન અને અનલોકમાં રંગીલા રાજકોટમાં 100 જેટલી વ્યક્તિએ જિંદગી લોકડાઉન કરી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ આત્મહત્યાના બનાવો ઘણા વધ્યા છે. આત્મહત્યાના નિવારણ માટેના ઉપાયો અજમાવવામાં નહીં આવે તો અનેક પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની જશે. રાજકોટમાં 2018માં 449 આપઘાતના કેસ બન્યા હતા. એટલે કે દરરોજ 1થી 2 કિસ્સા પ્રકાશમાં આવ્યાં હતાં. જ્યારે 2019માં સંખ્યા ઘટીને 416 પર પહોંચી હતી. લોકડાઉન શરૂ થતાં જામનગરમાં લોકડાઉનથી કંટાળીને જામનગરના યુવકે આપઘાત કર્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. બાદમાં એક પછી એક એમ આપઘાતના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. મે મહિનામાં 22 જેટલા અને જૂન મહિનામાં 40 જેટલા આપઘાતના કિસ્સા સામે આવ્યાં હતા. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 20થી વધુ કિસ્સા સામે આવ્યા હતા. આમ લોકડાઉન અને અનલોક દરમિયાન રાજકોટમાં 100 જેટલા આપઘાતના કિસ્સા બન્યા છે.