અમૂલ્ય જિંદગી બચાવી:રાજકોટમાં 23 વર્ષની યુવતીનું રટણ ‘જીવવામાં રસ નથી, જિંદગી શું કામની, મરવું છે’, મનોવિજ્ઞાનની વિદ્યાર્થિનીએ 2 કલાક સમજાવી ફરી દુનિયામાં લાવી

રાજકોટએક મહિનો પહેલા
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની કર્તવી ભટ્ટ.
  • મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની યુવતીના ઘરે પહોંચી તો યુવતી આખી ધ્રુજતી હતી, ભાગવા કોશિશ કરી
  • પકડી રાખી તો યુવતીએ પોતાના નખ જોરથી ભરાવતા વિદ્યાર્થિનીના હાથ પર લોહીના ટશિયા ભરાયા છતાં છોડી નહીં

રાજકોટમાં એક 23 વર્ષની યુવતીની મિત્રએ સોરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી કર્તવી ભટ્ટને ફોન કર્યો. ફોન ઉપાડીને રડવા લાગી અને કહ્યું ‘હવે જીવવામાં રસ નથી, આવી જિંદગી શું કામની.’ આથી કર્તવી અને તેની મિત્ર બંને તાત્કાલિક તેની ઘરે ગયા. રસ્તામાંથી ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણને કોલ કર્યો કે સાહેબ એક સંવેદનશીલ કેસ છે શું કરું? ડો. જોગસણે કહ્યું કે, તું તેને બચાવી શકીશ, તારામાં એ કુશળતા છે, તું ટ્રેનિંગ લીધેલ હોનહાર સલાહકાર છે. યુ કેન ડુ ઈટ, હું અને ભવન તારી સાથે જ છીએ જલ્દી જા અને તેની નબળી ક્ષણને તું પાર કરાવી દે. બસ કર્તવી તેના ઘરે પહોંચી અને સતત બે કલાક સુધી કાઉન્સેલિંગ કરી અંતે યુવતીના મનમાંથી ખરાબ વિચારો નીકળી ગયા અને પોતાની જિંદગીને હારવા ન દીધી.

પિતાના આપઘાત બાદ યુવતીને અફસોસ થતો
કર્તવી ભટ્ટ જ્યારે ઘરે પહોંચી તો યુવતી આખી ધ્રૂજતી હતી અને કશું બોલતી ન હતી. પરાણે વાત કઢાવી એટલે કશું બોલ્યા વગર ખૂબ બધું રડી. ગુસ્સો પ્રગટ કર્યો અને મને મરવા જવા દ્યો એમ કહી ભાગવાની કોશિશ કરી. કર્તવીએ તેને પકડી તો પોતાના નખ એટલા જોરથી હાથ પર માર્યા કે કર્તવીના હાથમાં લોહીના ટશિયા ભરાય ગયા. છતાં કર્તવીએ તેને છોડી નહીં. પછી રડી લીધા પછી તેને કહ્યું કે તેના પિતા એ એક મહિના પહેલા ઘરના સગાઓ અને નજીકના વ્યક્તિઓના કોરોનાને કારણે મૃત્યુ થયું તેના આઘાતમાં આત્મહત્યા કરી. તેના પિતાએ ચિઠ્ઠી પણ લખેલી કે ભગવાન એ ક્યારેય મારો સાથ નથી આપ્યો એટલે હું ભગવાનથી પણ હારી ગયો છું અને હું માનતો જ નથી કે ભગવાન છે.

મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.ધારાના માર્ગદર્શન હેઠળ કર્તવીએ કાઉન્સેલિંગ કર્યું.
મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.ધારાના માર્ગદર્શન હેઠળ કર્તવીએ કાઉન્સેલિંગ કર્યું.

પપ્પા સાથે ક્યારેય બોલી નહીં તેનો મને ભારઃ યુવતી
આ જ વાત એ યુવતીના મગજમાં પણ બેસી ગઈ કે ભગવાન છે જ નહિ. યુવતીને પૂછ્યું કે તારે શા માટે આત્મહત્યા કરવી છે. ત્યારે તેણે કહ્યું કે મારા પપ્પા મને ક્યારેય બોલી ના શક્યા અને હું ક્યારેય એમને સમજી ના શકી એ વાતનો અફસોસ મારાથી સહન નહિ થાય, એ ભાર મને જીવવા નહિ દે. મારા પપ્પાએ લોકોથી નજીક હતા અને એમનું મૃત્યુ સહન ના કરી શક્યા તો હું મારા પપ્પાની નજીક હતી. મારે જીવવું જ નથી. મને આત્મહત્યામાં કોઈ પીડા કે તકલીફ થશે તેની પણ બીક નથી, મને જીવવાની બીક છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ.

કર્તવીએ યુવતીને શાંત ચિતે સમજાવી
રડતા રડતા તેના પોતાના નખ પણ કર્તવીને વાગ્યા પણ તેને સાંત્વના આપવાનું છોડ્યું નહિ. તેની બધી વાત સાંભળી લીધા પછી તેને સમજાવી કે તારા પિતાના મૃત્યુ પછી તારા મમ્મી અને તારી જે હાલત થઈ છે. તો વિચાર કર કે તું આવું પગલું ભર પછી તારા મમ્મીની શું હાલત થશે. આત્મહત્યા એ જવાબદારીમાંથી છટકવાની છટકબારી છે એવું અમારા ડો.ધારા મેડમ કહેતા હોય છે. જે નબળા માણસની નિશાની છે. અત્યારે તારા મમ્મીની જવાબદારી તારા પર છે. એમાંથી છટક નહિ, તારા પપ્પાએ તને ભણાવી અને મોટી કરી.

માતાની જવાબદારી કોણ લેશે તે વાત યુવતીને બરોબરની સમજાઇ ગઇ
કારણ કે તું મોટી થઈને પગ પર ઊભી રહી શકે, જવાબદારી લઈ શકે. આના બદલામાં આવું કરતા તને શરમ આવવી જોઈએ. આત્મહત્યા એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી એ પ્રોબ્લેમ વધારે. તું આવું કર પછી તારા મમ્મીને કેટલુ સંભાળવું પડે. આત્મહત્યા કર તેની પીડાથી ડરવાની જરૂર નથી પણ તારા પછી તારા મિત્રો અને ઘરનાની શું હાલત થશે તે વિચારીને ડર. જે થવાનું હતું એ થઈ ગયું હવે એ ભૂલ તું રિપીટ ના કર.

સૌરાષ્ટ્ર યુનિ.માં આવેલું છે મનોવિજ્ઞાન ભવન.
સૌરાષ્ટ્ર યુનિ.માં આવેલું છે મનોવિજ્ઞાન ભવન.

સતત 2 કલાક તેને સમજાવી અને હળવાશનો અનુભવ કરા
ખૂબ રડ્યા પછી એ યુવતીએ માન્યું કે સાચી વાત છે, હું એવું ના કરું. પણ મને કશું ગમતું જ નથી. તેને કહ્યું કે તું એક ગોલ બુક બનાવ કે તારે શું કરવું છે. કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કર. કંઈક નવું શીખવાનું શરૂ કર. ભલે ના ગમે છતાં કશું કર જેથી મન બીજી તરફ વળે. સતત 2 કલાક તેને સમજાવી અને હળવાશનો અનુભવ કરાવ્યો. તેની એ નબળી ક્ષણ જતી રહી અને આપઘાત કરવાના રટણમાંથી હાલ બહાર આવી છે. કર્તવી ભટ્ટે સાહસપૂર્ણ રીતે એક યુવતીનો જીવ બચાવ્યો માટે ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે 500 રૂપિયા પ્રોત્સાહિત કરવા ઇનામ આપ્યું.