મહાપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચિહ્ન પર ચૂંટાઇને આવેલા અને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલા કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા તથા કોમલબેન ભારાઇને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા શહેરી વિકાસ સચિવે કરેલા હુકમના પગલે હવે વિધાનસભાની ચૂંટણીઓ બાદ વોર્ડ નં.15ની બે બેઠકની પેટા ચૂંટણી આવશે તેવું લાગી રહ્યું છે. ગેરલાયક ઠરેલા સભ્યો હાઇકોર્ટમાં જવાના છે
23 વખત કોર્પોરેટર પદ રદ થયા
ત્યારે હવે અદાલતમાંથી આ સભ્યોને કોઇ રાહત મળે છે કે કેમ તેના પર ભવિષ્યનો આધાર રહેશે. રાજકોટ મહાપાલિકાનો ઇતિહાસ જોઇએ તો અત્યાર સુધીમાં રાજીનામા આપવાથી કે અવસાન થવાથી 23 વખત કોર્પોરેટર પદ રદ થયા છે. તે પૈકી 6 વખત 6 માસથી ઓછો સમય હોવાથી પેટા ચૂંટણી આપવામાં આવી ન હતી. તો હવે ફરી પેટા ચૂંટણીના ભણકારા વાગવા લાગ્યા છે.
16 વખત પેટા ચૂંટણી યોજવામાં આવી
છેક 1981થી રાજીનામા સાથે પેટા ચૂંટણીનો પ્રથમ પ્રસંગ શરૂ થયો હતો. છેલ્લે 2020માં કોંગ્રેસના સભ્યો હારૂનભાઇ ડાકોરાનું અવસાન ચાલુ ટર્મમાં થયું હતું. જોકે પેટા ચૂંટણી આવી ન હતી. અત્યાર સુધીમાં 22 વખત જનરલ બોર્ડ ખંડિત થયું છે. જેમાંથી 16 વખત પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં 13 વખત ભાજપ અને 3 વખત 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. છેલ્લે આગલી ટર્મમાં વોર્ડ નં.18ના મહિલા સભ્ય ધર્મિષ્ઠાબેન જાડેજાને જનરલ બોર્ડમાં સતત 3 ગેરહાજરી બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ બાદ વશરામભાઇ અને કોમલબેનના પદ સરકારે રદ કર્યા છે.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ફરી ભાજપમાં ચૂંટાયા
1981માં સૌપ્રથમ વખત મગનભાઇ સોનપાલ, મોહનભાઇ ભંડેરી અને ડાયાભાઇ સોલંકીએ રાજીનામા આપ્યા હતા. ભાજપના આ સભ્યોની જગ્યાએ ભાજપના જ 3 સભ્ય તરીકે ડાયાભાઇ સોલંકી અને મોહનભાઇ ભંડેરી રીપીટ તથા રમણીકભાઇ વૈદ્ય ચૂંટાઇ આવ્યા હતા. 2018માં નીતિનભાઇ રામાણી કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ફરી ભાજપમાં ચૂંટાયા હતા. આ રીતે કોર્પોરેટરોના રાજીનામા અને અવસાનથી પેટા ચૂંટણી આવવાનો અને હવે ગેરલાયક ઠરવાથી ચૂંટણી આવવાનો સીલસીલો આગળ વધે તેમ છે. અત્યાર સુધીમાં આઠ કોર્પોરેટરોએ રાજીનામા આપવાથી, 13ના અવસાન અને 3 સભ્યોના પદ જવાથી બેઠકો ખાલી થઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.