મચ્છરજન્ય રોગચાળામાં વધારો:રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 23, મેલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો, મચ્છર ઉત્પતિ અંગે 1206ને નોટિસ અપાઇ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણી ભરેલા ખાડામાં દવાનો છંટકાવ અને પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી. - Divya Bhaskar
પાણી ભરેલા ખાડામાં દવાનો છંટકાવ અને પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી.
  • મ્યુનિ.એ 7008 ઘરમાં ફોગિંગ અને 86814 ઘરોની મુલાકાત લઇ પાણીના ટાંકામાં દવા નાખી

ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ લોકોમાં સાફસફાઈનો અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાયથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખા પાણીનાં પાત્રોને કારણે મચ્‍છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે. રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 23, મેલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. મચ્છર ઉત્પત્તિ મામલે 1206 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.

મચ્છર ઉત્પત્તિને લઇ 82800 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો
લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વોર્ડ નં. 12 અને હુડકો ક્વાટર્સ વોર્ડ નં. 16નો સમાવેશ થાય છે. તેમજ 7008 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. 86814 ઘરોની મુલાકાત લઇ પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી હતી. મચ્છર ઉત્પત્તિ અંગે 1206 લોકોને નોટિસ આપી 82800 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મચ્છરજન્ય રોગ અટકાવવા આટલું કરો
ડેન્ગ્યુના મચ્છર આપણા ઘરો તથા કામકાજના સ્થળે સંગ્રહિત કરેલા ચોખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા એ મચ્છરના બચ્ચા છે. જો પાણીનાં પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો પુખ્ત મચ્છર થાય તે ૫હેલા ત્વરિત તેનો નાશ કરવો જરૂરી છે. ચોમાસા દરમિયાન છત અને છાપરા ઉપર પડેલો કાટમાળ, ટાયર વગેરે દૂર કરવા અને બિનજરૂરી ૫ક્ષીકુંજને ઊંધાંવાળી દેવા. છોડના કુંડામાં જમા રહેતા પાણીને ખાલી કરવું. વરસાદના વિરામ બાદ અગાસી કે છજ્જામાં ભરાયેલા વરસાદી પાણીનો નીકાલ કરવો.

10x10x10નું સુત્ર અ૫નાવવું
પ્રથમ 10: દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી.
બીજા 10: ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.
ત્રીજા 10: આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી ૫હોંચાડવી.

પેટમાં જમણી બાજુ પાંસળીની નીચે દુ: ખે તો તે ગંભીર - ડો. રાહુલ ગંભીર, આસી. પ્રોફેસર, પીડીયુ મેડિકલ કોલેજ
આ વર્ષે છેલ્લા એક મહિનાથી કેસની સંખ્યા વધી હોય તેવું લાગી રહ્યું છે. રોજ બે-ચાર દર્દી સારવાર માટે આવી રહ્યા છે. જો કે રાહત એ છે કે પ્લેટલેટ ઘટવાનું પ્રમાણ ઓછું થયું છે. પણ, ગંભીર દર્દીઓ ઘટ્યા નથી. ડેન્ગ્યુમાં જે સામાન્ય લક્ષણ હોય તે આવી રહ્યા છે પણ જે કોઇને ડેન્ગ્યુની અસર હોય તેમને જમણી બાજુ પાંસળીની નીચે પેટમાં અસહ્ય દુખાવો થાય છે જે કેસ ગંભીર બનવાનું પણ એક લક્ષણ છે. ડેન્ગ્યુની સારવારમાં લક્ષણો મુજબ દવા અપાય છે અને શરીરમાં પ્રવાહી ન ઘટે તે માટે બાટલા ચડાવાય છે અને જરૂર પડે તો પ્લેટલેટ અપાય છે. ડેન્ગ્યુથી બચવા માટે સૌથી મહત્ત્વનો અને એકમાત્ર ઉપાય તેના બ્રીડિંગ સેન્ટર બંધ કરવાનો છે. વરસાદ બાદ ઘરની અગાશી કે આજુબાજુમાં પાણી ભરાયા હોય છે આ સ્વચ્છ પાણીમાં જ ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ઈંડાં મૂકે છે. આ બધી જગ્યા સાફ કરવી જોઈએ. ફોગિંગ એ કોઇ લાંબા ગાળાનો ઈલાજ નથી તેનાથી થોડી વાર માટે મચ્છરથી રાહત થઈ શકે. મચ્છરોને દૂર રાખવા માટે એન્ટિ લારવા એક્ટિવિટી તેમજ સવારે અને સાંજના સમયે ઘરની આસપાસ મચ્છર ભગાવવા માટે ધુમાડો કરવો તેમજ બાળકો અને મહિલાઓએ પગ અને હાથ ઢંકાય તેવા કપડાં પહેરવા તેમજ મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરવો.

બાંધકામ સાઈટમાં સૌથી વધુ મચ્છરોનો ઉછેર, બેઠક બોલાવાઈ
નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારે ડેન્ગ્યુની કામગીરી વિશે જણાવ્યું હતું કે, મચ્છરોના બ્રીડિંગ ચોખ્ખા પાણીમાં થાય છે અને કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાડા, લિફ્ટ એરિયા સહિતની ઘણી જગ્યાએ પાણી ભરાતા હોય છે જેમાંથી મચ્છરનો ઉપદ્રવ વધી શકે છે. આ કારણે સોમવારે જ ખાસ બેઠક બોલાવાઈ હતી જેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની સાઈટ વિશે ચર્ચા કરાઈ હતી અને તમામને સૂચના અપાઈ છે કે દરેક સાઈટ પછી તે સરકારી હોય કે ખાનગી હોય ત્યાં સખત મોનિટરિંગ કરાય અને એન્ટિ લારવા એક્ટિવિટી કરવામાં આવે. આ સિવાય સ્વચ્છતા, ફોગિંગ તેમજ જાગૃતિલક્ષી કાર્યક્રમો અપાઈ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં દરરોજ 5થી 10 નવા કેસ આવી રહ્યા છે
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. શહેરના જાણીતા ઈન્ટેન્સિવિસ્ટ ડો.અર્ચિત રાઠોડે જણાવ્યું હતું કે, હાલ રોજ 5થી 10 નવા કેસ આવી રહ્યા છે તેમજ તેમની હોસ્પિટલમાં 15 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર હેઠળ છે. જોકે 2019 જેટલી ગંભીર સ્થિતિ નથી આગામી સમયમાં ખ્યાલ આવશે કે કેટલા કેસ વધી રહ્યા છે.

સિવિલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 72 દર્દી દાખલ થયા હતા
સિવિલમાં હાલ 4 દર્દી સારવાર લઈ રહ્યા છે પણ છેલ્લા એક માસમાં 72 દર્દી ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયા હોવાનું સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જણાવી રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દરરોજ 5 નવા કેસ આવે છે. જ્યારે મનપા આ માસમાં કુલ 92 જ કેસ આવ્યાનું કહે છે. આ સ્પષ્ટ કરે છે કે મનપાએ નોંધેલા આંકડા હકીકતથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...