કાર્યવાહી:શુદ્ધ પાણીના નામે બેક્ટેરિયા વેચતા બિસ્વિન અને બિસ્ટારને 22 લાખનો દંડ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક કલેક્ટરે બિસ્વિનને 15 લાખ અને બિસ્ટારને 8 લાખ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો
  • બંને બ્રાન્ડના​​​​​​​ પાણીમાં એરોબિક માઈક્રોબાયલ કાઉન્ટ વધારે આવતા કેસ થયો હતો

રાજકોટ શહેરમાં મિનરલ વોટર તરીકે પાણી વેચતી બિસ્વિન અને બિસ્ટાર બ્રાન્ડના ફૂડ શાખાએ નમૂના લીધા હતા. આ બંનેના રિપોર્ટમાં એરોબિક માઈક્રોબાયલ કાઉન્ટ વધારે આવ્યા હતા એટલે કે તેમાં સૂક્ષ્મ જીવો જેવા કે બેક્ટેરિયાનું પ્રમાણ ધારાધોરણ કરતા વધારે રહેતા તે નમૂના ફેલ થયા હતા. જેથી અધિક કલેક્ટરની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. કેસના ચુકાદામાં બંને પેઢીને માતબર દંડ ફટકારતા ગુણવત્તા મામલે બેદરકાર રહેતી અનેક પેઢીઓમાં સોપો પડી ગયો છે.

મનપાની ફૂડ શાખાએ મવડી મેઇન રોડ, બ્રિજની બાજુમાં, વૈદવાડી-4 ખાતે આવેલી બિસ્વિન બેવરેજીસ નામની પેઢીમાંથી ‘BISWIN WITH ADDED MINERALS PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE)’નો નમૂનો લીધો હતો જેના રિપોર્ટમાં એરોબિક માઈક્રોબાયલ કાઉન્ટ વધુ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરે નમૂનો આપનાર પેઢીને તથા ભાગીદારો -શૈલેષ મનસુખ ભૂત અને હસમુખ હીરજી વાછાણીને કુલ 15 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

આ જ રીતે મારુતિ કૃપા, લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવવાડીમાં આવેલી મેક્સ બેવરેજીસ નામની પેઢીમાંથી ‘BISTAR PACKAGED DRINKING WATER WITH ADDED MINERALS (500 ML PACKED PET BOTTLE)’નો નમૂનો લીધો હતો અને તેના રિપોર્ટમાં યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ એટલે કે ફૂગ તથા એરોબિક માઈક્રોબાયલ કાઉન્ટ વધુ પ્રમાણમાં રહેતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જે અંગે એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરે નમૂનો આપનાર પેઢીને તથા નોમિની જગત ગણેશ માતરિયાને કુલ 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ બંને કેસ ઉપરાંત મવડી રોડ પર વિશ્વેશ્વર મંદિર પાછળ ખોડિયાર પ્રોવિઝન સ્ટોરમાંથી દિવેલના ઘીનો નમૂનો લેવાયો હતો જેમાં વેજિટેબલ ફેટની ભેળસેળ મળી આવી હતી. આ કેસમાં પેઢીના માલિક કૃણાલ ભીમજી વઘાસિયાને 5000 રૂપિયાનો દંડ ફટકારાયો છે.

અન્ય સમાચારો પણ છે...