લમ્પી વાયરસનો કહેર:રાજકોટ જિલ્લામાં 22 ગાયના મોત, 1678 પશુઓ સંક્રમિત, 276 ગામોમાં સંક્રમણ ફેલાયું

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસને કારણે ઊહાપોહ મચ્યો છે પણ તંત્ર હજુ પણ સબસલામતનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ જિલ્લાભરમાં અત્યાર સુધીમાં 1678 સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જયારે પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ સહિત 276 ગામોમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. અને રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિએ લમ્પીથી 22 ગાયનાં મોત થયાની સામે આવ્યું છે.

85,228 પશુઓનું વેક્સિનેશન થયું
હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા મળે છે. આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અત્યારસુધીમાં 85,228 પશુઓનું વેક્સિનેશન કરાયું છે. રાજકોટ શહેરમાં પણ પશુઓનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં આ સપ્તાહ દરમિયાન સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા દરમિયાન પશુપાલકો અમારા નંબર 9925423975 પર અમારો સંપર્ક કરી શકે છે. મનપા દ્વારા વેક્સિનેશન માટે 20 ટીમ બનાવાઈ છે. અમારો એવો લક્ષ્યાંક છે કે આ એક સપ્તાહમાં અમે સમગ્ર રાજકોટમાં 100% પશુઓનું રસીકરણ પૂર્ણ કરીશું

લમ્પી વાયરસ કેવી રીતે થાય
આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે પશુઓમાં જ જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

લમ્પી વાયરસને કાબૂમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.