રાજકોટ ફરી બન્યું આપઘાત કેપિટલ:છેલ્લા અઢી મહિનામાં 100થી વધુ લોકોએ આત્મહત્યા કરી, સૌથી વધુ પુરુષો, આર્થિક ભીંસ, પ્રેમસંબંધ અને ઘરકંકાસ મુખ્ય કારણ

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનમાં 1 અઠવાડિયામાં 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે

ગુજરાતમાં આપઘાતનું કેપિટલ સિટી રાજકોટ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. એક અઠવાડિયામાં સરેરાશ 12થી 13 આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં કોઈ દિવસ તો એકસાથે ત્રણ-ત્રણ આપઘાતના કિસ્સા સામે આવે છે. આપઘાત પાછળનાં કારણોમાં જોઇએ તો મુખ્ય ત્રણ કારણ સામે આવ્યાં છે, જેમાં આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ અને પારિવારિક ઝઘડાનો સમાવેશ થાય છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ખાસ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પણ અઠવાડિયામાં 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવી રહ્યા છે. શહેરમાં 2016થી 2020 સુધીમાં 5 વર્ષમાં 2104 લોકોએ અને 2022માં છેલ્લા અઢી મહિનામાં 100થી વધુએ આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

મનોવિજ્ઞાન ભવનમાં અઠવાડિયે 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે
1 જાન્યુઆરીથી ચાલુ માર્ચ સુધીમાં રાજકોટમાં 100થી વધુ આપઘાતના બનાવો બન્યા છે. ત્યારે આ આપઘાત પાછળનાં કારણોનું તારણ દિવ્ય ભાસ્કર દ્વારા લગાવવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ અને પારિવારિક ઝઘડાને કારણે આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. આ બાદ દિવ્ય ભાસ્કરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની મુલાકાતે પહોંચ્યું હતું, જેમાં ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં એક અઠવાડિયામાં 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે. એટલું જ નહીં, તાજેતરમાં સતત વધતા આપઘાતને કારણે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો, જેમાં 13 જેટલાં કારણો સામે આવ્યાં છે.

23 વર્ષની યુવતી આપઘાત કરે એ પહેલાં બચાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી કર્તવી ભટ્ટે જણાવ્યું હતું કે બે મહિના પહેલાં રાજકોટમાં એક 23 વર્ષની યુવતીની મિત્રએ મને ફોન કર્યો હતો. મેં ફોન ઉપાડ્યો હતો અને એ રડવા લાગી અને મને કહ્યું ‘હવે જીવવામાં રસ નથી, આવી જિંદગી શું કામની.’ આથી હું અને તેની મિત્ર બંને તાત્કાલિક તેના ઘરે ગયા હતા. રસ્તામાંથી મેં ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણને કોલ કર્યો કે સાહેબ એક સંવેદનશીલ કેસ છે, શું કરું? ડો.જોગસણે મને કહ્યું, તું તેને બચાવી શકીશ, તારામાં એ કુશળતા છે, તું ટ્રેનિંગ લીધેલી હોનહાર સલાહકાર છે. યુ કેન ડુ ઈટ, હું અને ભવન તારી સાથે જ છીએ જલદી જા અને તેની નબળી ક્ષણને તું પાર કરાવી દે. બસ, પછી હું તેના ઘરે પહોંચી અને સતત બે કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું હતું. અંતે, યુવતીના મનમાંથી ખરાબ વિચારો નીકળી ગયા અને પોતાની જિંદગીને હારવા ન દીધી.

રાજકોટમાં બનેલા ચકચારી આપઘાતના કિસ્સા

અન્ય સમાચારો પણ છે...