તબીબો દ્વારા ચલાવવામાં આવતાં લોકજાગૃતિ કાર્યક્રમ રંગ લાવી રહ્યા હોય તેવી રીતે ઓર્ગન ડોનેશનની દિશામાં રાજકોટ અગ્રેસર બની રહ્યું છે. આજે રાજકોટમાં એક સાથે શરીરના લગભગ તમામ અંગોનું દાન થયું હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. રાજકોટના જ 61 વર્ષીય બ્રેનડેડ વૃદ્ધની કિડની 21 વર્ષના ગ્રેજ્યુએટ યુવકને સમયસર મળી જતાં તેને નવજીવન મળ્યું જ છે. સાથોસાથ બી.ટી. સવાણી હોસ્પિટલથી ગ્રીનકોરીડોર મારફત એક કિડની અને લીવર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ રવાના કરાયું હતું. આ ઉપરાંત બન્ને આંખો અને સ્કીનનું પણ દાન કરી પરિવારજનોના આ નિર્ણયને તબીબોએ વધાવ્યો હતો.
29 ડિસેમ્બરના રોજ વૃદ્ધને બ્રેનસ્ટ્રોક આવ્યો હતો
આ અંગે શહેરના જાણિતા નેકોલોજિસ્ટ અને અંગદાનની દિશામાં જાગૃતતા લાવવાનું ઉમદા કાર્ય કરતાં દિવ્યેશ વિરોજાએ જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરના રોજ શહેરના રૂગનાથ સંતોકી નામના વૃદ્ધને બ્રેનસ્ટ્રોક આવતાં તેમને તેમના ઘર નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સફળ નહીં નિવડતા અને મગજમાં સોજો વધતો જ જતો હોવાને કારણે બ્રેનડેડ જાહેર થયા હતા. આ પછી ખાનગી હોસ્પિટલ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવતાં અમે તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતક રૂગનાથભાઇના પરિવારજનોને અંગદાન વિશે સમજણ આપી હતી.
ગ્રેજ્યએટ યુવાનમાં કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ
પરિવારજનો અંગદાન માટે તૈયાર થઈ જતાં મૃતદેહને બી.ટી.સવાણી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. અહીં તેમના જરૂરી રિપોર્ટ કરાયા બાદ તેમની ડિની, લિવર, આંખો, સ્કીન સહિતનું દાન કરી શકાય તેમ હોવાથી અમે તુરંત જ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી શરૂ કરી હતી. આ પછી બી.ટી. સવાણીમાં જ ડાયાલિસિસ કરાવવા આવતા 21 વર્ષીય યુવક કે જે ગ્રેજ્યુએટ થયા બાદ આગળનો અભ્યાસ કરી રહ્યો છે તેને કિડનીનું દાન આપવાનો નિર્ણય લેવાયો હતો.
વૃદ્ધના ઓર્ગન ડોનેટથી અનેક લોકોને નવજીવન મળ્યું
બી.ટી.સવાણી હોસ્પિટલના નિષ્ણાત યુરોલોજીસ્ટ ડો.વિવેક જોષી સહિતનાની ટીમ દ્વારા ક્ષણભરનો વિલંબ કર્યા વગર રૂગનાથભાઈની કિડની યુવકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવી હતી જે સફળ નિવડી છે. આ ઉપરાંત અન્ય અંગો જેમાં એક કિડની અને લીવર અમદાવાદની ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં ‘કોરિડોર’ મારફત રવાના કરવામાં આવી હતી. જ્યારે બન્ને આંખો અને સ્કીનને પણ આઇ બેન્ક અને સ્કીન બેન્કમાં જમા કરાવવામાં આવ્યા છે. આજના આ એક વૃદ્ધના ઓર્ગન ડોનેટથી અનેક લોકોને નવજીવન મળ્યું છે.
બી.ટી. સવાણી હોસ્પિટલથી બામણબોર સુધીના રસ્તાને ગ્રીનકોરીડોર બનાવ્યો
રાજકોટ શહેરની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલથી એક કિડની અને લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાના હોય જે માટે ટ્રાફિક અવરોધ ન થાય તે માટે એમ્બ્યુલન્સ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીનકોરીડોર ઉભું કરવામાં આવ્યું હતું. ટ્રાફિક બ્રાંચના એસીપી વી.આર. મલહોત્રા અને તેની ટીમે બી.ટી. સવાણી હોસ્પિટલથી રાજકોટની ભગોળે બામણબોર સુધી ગ્રીનકોરીડોર ઉભો કર્યો હતો. સ્પેશિયલ પાઈલોટિંગ સાથે કોઈ પણ પ્રકારના અવરોધ વગર રાજકોટની હદ સુધી આ બંને ઓર્ગન પહોંચતા કરવા મદદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.