લમ્પીનો કહેર વધતા તંત્ર જાગ્યું:રાજકોટમાં 21 ગાયનાં મોત, મનપાએ 20 લોકોની ટીમ ઉતારી, 7 દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનો ટાર્ગેટ

રાજકોટ16 દિવસ પહેલા
પશુઓના વેક્સિનેશન માટે કવાયત હાથ ધરવામાં આવી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસને કારણે ઊહાપોહ મચ્યો છે પણ તંત્ર હજુ પણ સબસલામતનો દાવો કરી રહ્યું છે જ્યારે સામે પશુપાલકો રોષે ભરાયા છે. રાજકોટમાં તંત્રએ મંગળવારની સ્થિતિએ લમ્પીથી 21 ગાયનાં મોત હોવાની પુષ્ટિ કરી છે. હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા મળે છે. આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 24,800 જેટલા વેક્સિનના ડોઝ છેલ્લા દસ દિવસમાં અપાઈ ચુક્યાનું જિલ્લા પંચાયત તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા શહેરમાં પશુઓના વેક્સિનેશનમાં કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 67,299 પશુઓનું વેક્સિનેશન કરાયું છે. હાલ 1426 પશુ સારવાર હેઠળ છે.

100% પશુઓનું રસીકરણ પૂર્ણ કરીશું
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં આ સપ્તાહ દરમિયાન સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા દરમિયાન પશુપાલકો અમારા નંબર 9925423975 પર અમારો સંપર્ક કરી શકે છે જે બાદ જેટલી પણ સંખ્યામાં તેમના પશુઓને રસીકરણની આવશ્યકતા હશે તેને તંત્ર દ્વારા વેક્સિનેટેડ કરવામાં આવશે. મનપા દ્વારા વેક્સિનેશન માટે 20 ટીમ બનાવાઈ છે. અમારો એવો લક્ષ્યાંક છે કે આ એક સપ્તાહમાં અમે સમગ્ર રાજકોટમાં 100% પશુઓનું રસીકરણ પૂર્ણ કરીશું

મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપ ડવ

ગામમાં રસીકરણ કેમ્પ રાખવામાં આવે તેવી માંગ
આટકોટમાં પણ હવે પશુઓને લમ્પી વાયરસ દેખાવા લાગ્યો છે ત્યારે પશુઓને રસીકરણ કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે પણ હાલમાં ગામ ખાનગી ડોક્ટર દ્વારા રસીકરણ કરવામાં આવશે તેમાં પણ વેઈટીગ છે. ત્યારે દુધ મંડળી દ્વારા ક્યારે રસીકરણ કરવામાં આવશે તેવી પશુપાલકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આવા સમયે ગામના આગેવાનો આગળ આવીને પશુઓને લમ્પી વાયરસ બચવા માટે ગામમાં રસીકરણ કેમ્પ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.