ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:2000 ગાયનાં મોત, મૃતદેહો ઉપાડવા વેઈટિંગ; હવે ગૌશાળામાં લાશો સડી રહી છે

રાજકોટ14 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
  • લમ્પીથી નષ્ટ થતું ગૌવંશ, તંત્રે સારવાર ના કરી, પછી ખાડા ખોદી મૃતદેહો ઠેકાણે પડાયા
  • જૂનમાં 600 મૃત જાનવર ઉઠાવ્યાં હતાં જુલાઈમાં આંક 1400 કરતાં પણ વધુ
  • છૂટક મજૂરોએ મૃતદેહ ઉપાડવાનું બંધ કરતા એક દિવસમાં 66 ફરિયાદ નોંધાઈ ગઈ!
  • ભાસ્કરે શહેરીજન બની મૃત જાનવર ઉપાડવા ફોન કરતા ઓપરેટરે કહ્યું - સમય ના આપી શકીએ, વેઇટિંગ છે!
  • 18 જિલ્લાના 1746 ગામોમાં 50328 પશુ અસરગ્રસ્ત

રાજકોટ શહેરમાં લમ્પી વાઇરસે હજારો ગાયોને ચેપ લગાડી દીધો છે અને સેંકડો મોતને ભેટી છે તંત્ર આ વાત સ્વીકારવાને બદલે માત્ર મૃતકાંક છુપાવવાના કામે લાગી ગયું છે. લમ્પીમાં મૃતકાંકની તપાસ કરતા બહાર આવ્યું છે કે, શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત ગાયોના મૃતદેહો ઉપાડવા માટે 8-8 કલાકના વેઈટિંગ મનપાના કોલ સેન્ટરમાંથી અપાય છે પણ બે દિવસે લાશ લેવા આવે છે!

રાજકોટની ગૌશાળાઓમાં બે-બે દિવસથી ગાયોના મૃતદેહો પડ્યા છે અને ફોન કરવા છતાં કોઇ આવતું નથી તેવી વાત મળતા દિવ્ય ભાસ્કરે તપાસ કરવા માટે શહેરીજન બનીને મરેલા જાનવર ઉપાડવા માટેના મનપાના વિભાગમાં ફોન કર્યો હતો. 3 વખત સતત વેઈટિંગ આવ્યું હતું જ્યારે ફોન લાગ્યો ત્યારે હાલ જ્યાં મૃત ગાય પડી છે તેનું લોકેશન અપાયું હતું અને પૂછ્યું હતું કે, ક્યારે આવશો? તો જવાબ આપ્યો હતો કે, ֲ‘સમય આપી શકાશે નહિ અત્યારે બહુ વેઈટિંગ છે! સમય આપવાનો આગ્રહ કરતા એવો જવાબ મળ્યો કે રાત્રે 12 વાગ્યા સુધીમાં આવી જશે!’ એટલે કે 8 કલાકનો સમય અપાયો હતો.

ખરેખર આટલા સમયમાં પણ તંત્ર આવતું નથી. 80 ફૂટ રોડ પર આવેલી કરુણા ગૌશાળામાં બે દિવસ પહેલા ગાયો મરી ગઈ હતી અને સતત ફોન કર્યા બાદ શનિવારે સાંજે એક સાથે 5 ગાય મનપાની સોલિડ વેસ્ટ શાખા લઈ ગઈ હતી. કાળીપાટ પાસેની ગૌશાળામાં હજુ પણ 8 ગાયની લાશ પડી છે. ત્યાંથી ગાયોના મૃતદેહો ઉપાડવા માટે જે મજૂરો આવતા હતા તેમને ફોન કરતા તેઓએ પણ ના પાડી દીધી છે તેથી હવે સ્થિતિ વધુ કથળી રહી છે. કન્ઝર્વન્સી વિભાગમાં દરરોજ 8 ફોન આવતા હતા પણ શનિવારે એક જ દિવસમાં 66 ફરિયાદ મૃતદેહો ઉપાડવાની આવી છે. આ ઉપરાંત જેટલી પણ ગૌશાળાઓ છે તેમાંથી મોટાભાગની પોતાના મજૂરો મૃતદેહોના નિકાલ માટે રાખે છે તેથી તે આંક કદી મનપાના ચોપડે આવતો નથી તે સંખ્યા પણ અનેકગણી છે.

લાશોના નિકાલમાં સ્થિતિ કથળવાનું આ રહ્યું કારણ...
મૃતકાંક છુપાવવાની લહાયમાં લમ્પીના મૃતદેહોની સાથે ચામડાં પણ દાટી દેતા કામ છોડતા મજૂરો
રાજકોટની ભાગોળે સોખડા અને માલિયાસણ ગામે સદીઓથી મજૂર પરિવારો રહે છે જેનું વારસાગત કામ શહેરમાંથી મૃત પશુઓ લઈ જઈ નિકાલ કરવાનું છે ત્યાં મનપાએ પણ ડમ્પિંગ સાઈટ જાહેર કરી છે. આ મજૂર પરિવારો અલગ અલગ મોટી ગૌશાળાઓ અને તબેલાઓમાંથી તેમજ શહેરમાં કોઇ રીતે મરતા પશુઓના મૃતદેહો સાઈટ પર લઈને આવે છે. મૃતદેહો પરથી ચામડા ઉતારે છે તેમજ ગીધ અને શ્વાન જેવા પ્રાણીઓને ખોરાક મળી રહે તે માટે ખુલ્લામાં રાખે છે બાદમાં જે હાડકાં વધે તેને એકઠા કરીને વેચે છે. તેમની પાસે આ વારસાગત સિવાય બીજો કોઇ વ્યવસાય નથી. લમ્પીગ્રસ્ત ગાયોમાં ચામડા પણ ઉપયોગમાં ન આવતા તેઓ આમ છતાં પશુઓ ગૌશાળામાંથી લઈ જાય છે પણ માલિયાસણ અને સોખડાના કોઇ શખ્સે ગેરકાયદે રીતે પશુઓના નિકાલ થતો હોવાનો વીડિયો વહેતો કર્યો હતો. જેથી મૃતાંકનો ઢાંકપિછોડો કરવા માટે મનપાને આદેશ આવતા જેસીબી સાથે ટીમ પહોંચી હતી અને મૃતદેહો દાટ્યા હતા અને તેની સાથે મજૂરોએ એકઠા કરેલા હાડકાં અને ચામડા પણ દાટી દેતા તેમનો રોજગાર છીનવાયો હતો. આ કારણે તેઓએ નિરાશ થઈને મૃતદેહો ઉપાડવાનું કામ જ બંધ કરી દીધું છે.

લમ્પીથી મોત વધવાનું આ કારણ
શહેર માટે ફક્ત બે પશુ એમ્બ્યુલન્સ, દોઢ મહિનાથી રોગ વકર્યો પણ સારવારમાં ધ્યાન ન આપ્યું

લમ્પી વાઇરસનો રાજકોટમાં પહેલો કેસ દોઢ મહિના પહેલા આવ્યો હતો. આમ છતાં તંત્રએ દરકાર ન લીધી. વેક્સિન અપાશે તેવા વાયદા કરાયા હતા પણ આયોજન નક્કર ન હતું. રાજકોટ શહેરમાં હજારો પશુઓ છે પણ તે માટે ફક્ત બે પશુ એમ્બ્યુલન્સ અને આખા રાજકોટ શહેર અને તાલુકા માટે બે જ વેટરનરી ડોક્ટર હતા આ કારણે સારવાર અને વેક્સિનેશન સમયસર થયું જ નહિ અને ચેપ ફેલાઈ જતા મૃતાંક વધી રહ્યો છે.

ટ્રકમાંથી આડેધડ મૃતદેહોને ફેંકી દફનાવાયા
સોખડામાં મૃતદેહોને વ્યવસ્થિત અને સન્માનપૂર્વક દફનાવાશે તેવી શાસકોએ વાત કરી હતી પણ હકીકત જુદી જ છે. ભાસ્કરે સ્થળ પર ફરી પહોંચતા મૃતદેહ ભરેલી ટ્રક એક પછી એક આવીને ખાડાઓમાં ગાયોને ફેંકી દે છે અને પછી તેના પર માટી નાખી દાટી દેવાય છે અને મીઠું પણ નાખવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...