જકોટમાં અભ્યાસ કરતા યુવકનો ગત તા.28ની રાત્રે ઉપલેટામાં લગ્નપ્રસંગથી પરત આવતા હાઈ-વે પર ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો. ઉપલેટામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 4 દિવસ સુધી ચાલેલી સારવાર કારગત ન નિવડતાં ગઈકાલે સાંજે તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરાયો. આવા સમયે પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. આટલી વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ પરિવારજનોએ હામ રાખી વ્હાલસોયા પુત્રના અંગોનું દાન કરી લોકોને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય લેતાં વધુ એક અંગદાન સફળ નિવડ્યું છે.
ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
આ અંગે રાજકોટની સાર્થક હોસ્પિટલના ડો.અમિત પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટની કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતો અને મુળ ગોંડલના મોવિયા ખાતે રહેતો હિત શૈલેષભાઈ દુધાત (ઉ.વ.20) ગત તા.28ની રાત્રે ઉપલેટા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. દરમિયાન ઉપલેટા-જામકંડોરણા હાઈ-વે પર બાઈક પરનો કાબૂ ગુમાવી દેતાં તેનું બાઈક ઝાડ સાથે અથડાતાં તેને ગંભીર હાલતમાં ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરિવારે અંગદાનની પરવાનગી આપી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં વધુ સારવારની જરૂર જણાતાં એ જ રાત્રે સાર્થક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને અમારા ડૉક્ટરોની ટીમે હિતની સઘન સારવાર શરૂ કરી હતી. જો કે હિતને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી 48 કલાકની સારવાર બાદ તેને બ્રેઈનડેડ જાહેર કરવાની ફરજ પડી હતી. હિત દુધાત પરિવારમાં એકનો એક પુત્ર હતો જેનું નિધન થઈ જતાં પરિવાર ઉપર વજ્રઘાત આવી પડ્યો હતો. મજૂરીકામ કરતાં પિતા શૈલેષભાઈએ આટલી કપરી પરિસ્થિતિમાં પણ સુઝબુઝ રાખી અંગોનું દાન કરવા માટે સહમતિ આપી હતી
ઝાયડસ હોસ્પિટલમાંથી તબીબોની ટીમ રાજકોટ આવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી ગઈકાલે અંગદાનની તૈયારી શરૂ કરાઈ હતી અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.હિતના હાર્ટનું પમ્પીંગ અત્યંત ઓછું હોવાથી તેનું દાન થઈ શક્યું નહોતું. જ્યારે બે કિડની, બે આંખો અને લીવરનું દાન મળી જતાં તેઓ તમામ અંગોનું ઓપરેશન કરીને અમદાવાદ જવા રવાના થયા હતા. હવે હિતના આ પાંચ અંગોથી પાંચ લોકોને નવજીવન મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.