કોરોના દરમિયાન સૌથી કફોડી હાલતનો ભોગ ટ્રાવેલ્સ ઉદ્યોગ બન્યો હતો, પરંતુ બે વર્ષ બાદ કોરોના હળવો થતાં આ વર્ષે ઉનાળું વેકેશનમાં આ ઉદ્યોગે આર્થિક લેવલે હરણફાળ ભરી હોય એમ જણાય આવે છે. કોરોનાની ત્રીજી લહેર પછીના તહેવારોમાં નાની ટૂર પર જનારા લોકોથી પર્યટન સ્થળો ફુલ રહ્યાં હતાં. ઉનાળું વેકેશન અને લાંબા પ્રવાસો આ ઇન્ડસ્ટ્રીઝને બળ પૂરું પાડશે અને ટૂર ઓપરેટર્સના મતે છેલ્લાં બે વર્ષની તુલનાએ હાલ મુસાફરોમાં 7 ગણો ધસારો જોવા મળ્યો છે, જેને પગલે રેકોર્ડબ્રેક 90 કરોડ રૂપિયા રાજકોટિયન્સ માત્ર ઉનાળું વેકેશનમાં ટ્રાવેલિંગ પાછળ ખર્ચી રહ્યા છે.
રાજકોટવાસીઓ ફરવામાં નંબર વન: ટૂર-ઓપરેટર
આ અંગે રાજકોટના ક્લિક ટુ ટ્રિપના પીયૂષભાઈ જીવરાજાનીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષ કોરોનાને કારણે ઘરમાં બંધ રહ્યા બાદ આ વર્ષે રાજકોટના લોકો મન મૂકીને ફરી રહ્યા છે. ભારતનું કોઈપણ સ્થળ એવું નથી, જ્યાં રાજકોટના લોકો પહોંચ્યા ન હોય. અત્યારે સમર વેકેશનને કારણે અને ઉનાળાની ગરમીના હિસાબે રાજકોટના લોકો ગોવા તથા ઉત્તરાખંડનાં સ્થળો પસંદ કરી રહ્યાં છે તેમજ સિમલા, મસૂરી, નૈનિતાલ સહિતનાં ડેસ્ટિનેશનનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે ફરવા જવા માટે રાજકોટના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફ્લાઈટ, ટ્રેન, ખાનગી બસ બધું જ હાઉસફુલ
પીયૂષભાઈએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે ફ્લાઈટ, ટ્રેન, ખાનગી બસો બધું જ હાઉસફુલ થઈ ગયું છે. ફ્લાઇટના ટિકિટના રેટ ચારથી પાંચ ગણા વધુ લેવામાં આવે છે. ટ્રેનમાં પણ ટિકિટ મળતી નથી. જે-તે સ્થળોએ હોટલના રૂમ બુક કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ડબલ અને ત્રણ ગણા ભાડા આપવા છતાં પણ હોટલમાં જગ્યા મળતી નથી. ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના સરવે મુજબ રાજકોટના લોકો દ્વારા 90 કરોડ રૂપિયાનું ટ્રાવેલિંગ અત્યારસુધીમાં થયું છે. આવું કદાચ પ્રથમ વખત બની રહ્યું છે કે સૌથી વધુ ટ્રાવેલિંગ રાજકોટમાંથી થયું છે.
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીઝ માટે સારો સમય
ટૂરિઝમની સાથે સંકળાયેલા ઉદ્યોગોના ફાયદા વિશે વાત કરતાં પીયૂષભાઈએ જણાવ્યું હતું કે રાજકોટવાસીઓ મન મૂકીને જીવવાવાળા લોકો છે. ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે ફરવા નીકળી જતા હોય છે. આ વર્ષે દરેક હિલ સ્ટેશન અને દરિયાકિનારાનાં સ્થળો પર ધસારો જોવા મળ્યો છે, જે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ માટે સારા સંકેતની નિશાની છે. બસ, ટ્રેન, ફ્લાઈટની ટિકિટ બુક થઈ રહી છે તેમજ લોકો પોતાના બજેટ મુજબ ફરવાનાં સ્થળોએ 4, 8, 10 કે 15 દિવસ માટે ફરીને મોજ માણે છે. આ વખતે રાજકોટવાસીઓએ 90 કરોડ રૂપિયા ફક્ત ટ્રાવેલિંગમાં ખર્ચ્યા છે, એ ટૂરિઝમ માટે પણ સકારાત્મક બાબત છે. ટ્રાવેલિંગની સાથે સાથે હોટલ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટેશન તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થયો છે.
10માંથી 8 વ્યક્તિ દુબઈના પેકેજ લઈ રહી છે
આખરે બે વર્ષ બાદ વેકેશનનો ખરો આનંદ માણવા રાજકોટિયન્સમાં જબરો ઉત્સાહ છવાયો છે. એક તરફ બોર્ડની પરીક્ષા પૂરી થઈ અને બીજી તરફ વેકેશનની જાહેરાત થઈ છે, આથી લોકોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ પેકેજ બુક કરાવવા રીતસર દોડ મૂકી છે. બે વર્ષથી હાથ પર હાથ રાખીને નવરા ધૂપ બેઠેલા ટૂર-ઓપરેટરો હવે દોડી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં વેકેશનને માણવા અને ફ્રેશ થવા લોકો 7થી 10 નાઈટના ડેસ્ટિનેશન બુક કરાવી રહ્યા છે, જેમાં આ વખતે ડોમેસ્ટિકમાં નોર્થ ઇસ્ટ, કાશ્મીર અને ઇન્ટરનેશનલમાં દર 10માંથી 8 વ્યક્તિ દુબઈના પેકેજ લઈ રહી હોવાનું ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું. જોકે આ વેકેશનમાં એરફેર ખૂબ વધી જતાં ટૂર પેકેજ 25 ટકા જેટલાં મોંઘાં થયાં છે.
ઇંધણના ભાવ વધતાં ફ્લાઈટની ટિકિટ પર અસર પડી
કોરોનાની પ્રથમ અને બીજી લહેરથી ઘરમાં રહીને રાજકોટવાસીઓ ખૂબ જ કંટાળી ગયા હતા. ત્યારે આ વર્ષે વેકેશનની રાહ જોઈ રહેલાં શહેરીજનોએ જ્યારથી પરીક્ષા અને વેકેશનની તારીખ જાહેર થઈ ત્યારથી જ તેમની નિર્ધારિત ટૂર માટે બુકિંગ કરાવી દીધું હતું. ઇંધણના ભાવ વધતાં ફ્લાઈટની ટિકિટ અને હોટલનાં ભાડાં પર સીધી અસર પડી છે. દિલ્હી માટે એરફેર અત્યારે જ 20,000 બોલાઈ રહ્યા છે.
મે મહિનાથી સિંગાપોર, થાઇલેન્ડમાં RTPCRમાંથી મુક્તિ મળશે
કોરોનાકાળ દરમિયાન નવરા બેઠેલા ટ્રાવેલ-ઓપરેટર અત્યારે સતત વ્યસ્ત થઈ ગયા છે. આ સમર વેકેશનની સીઝન પ્રી-કોવિડના લેવલ કરતાં પણ આગળ વધી ગઈ છે. મે મહિનાની શરૂઆતથી સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયામાં RTPCR ફરજિયાત હતો એ નીકળી જશે, આથી મે અને જૂન મહિના દરમિયાન ઇન્ટરનેશનલ ટ્રિપ માટે બુકિંગ વધ્યા છે.
હિલ સ્ટેશન સાથે ચારધામની યાત્રામાં પણ ધસારો
હિલ સ્ટેશનની સાથોસાથ ચારધામની યાત્રા માટે પણ યાત્રિકોનો ધસારો વધ્યો છે. ખાસ કરીને ફેમિલી પેકેજનું બૂકિંગ વધુ છે, કોરોના પછી નોનસ્ટોપ ફરવા જવા માટે લોકોમાં ઉત્સાહ છે, જેને લીધે ત્રણ ગણું બુકિંગ વધ્યું છે. આ વખતે સમર વેકેશનમાં કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાંચલ અને નેપાળ તરફ જવાનો લોકોનો મૂડ વધારે જોવા મળી રહ્યો છે.
7થી 10 દિવસ માટેના પેકેજ સૌથી વધુ
ઘરે રહીને કંટાળેલા લોકો આ વર્ષે લાંબું વેકેશન માણવા જવાના મૂડમાં છે, જેના લીધે 7થી 10 દિવસ માટેના પેકેજ વધારે જોવા મળ્યા છે. મે અને જૂન મહિનામાં ફ્લાઇટની સાથે ટ્રેન પણ હાઉસફુલ છે. કોરોનાના નિયમો હળવા થતાં છેલ્લી ઘડીએ પણ ફરવા જવા માટેના રાજકોટવાસીઓએ આયોજનો બનાવ્યાં છે. એક વાત વિશેષ રહી છે કે જ્યાં પ્રતિબંધ હળવા છે કે સાવ નથી એ તરફ વધુ બુકિંગ છે.
મહિલાઓ અને યુવાધનમાં કાશ્મીર અને લેહ-લદાખનો ક્રેઝ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મહિલાઓએ એડવેન્ચર ટ્રીપમાં કાશ્મીર અને લેહ લદ્દાખ પર પસંદગી ઉતારી છે. કાશ્મીરમાં તમામ હોટલોમાં એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત આજુબાજુનાં સ્થળોમાં આવેલી કોટેજ અને હોસ્ટેલ પણ બુક છે. હરવા-ફરવાની સાથે પ્રકૃતિ માણવા અને સાહસિક બનવા યુવાનો તથા મહિલાઓ એડવેન્ચર ટ્રિપ પસંદ કરે છે, જેમાં ટ્રેકિંગ, માઉન્ટેઇનિંગ, રોક ક્લેમ્પઇંગ સહિતની પ્રવૃત્તિઓ કરતા હોય છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે એડવેન્ચર ટ્રિપ માટે ફેવરિટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.