પોલીસ કાર્યવાહી:રાજકોટની ચિત્રકૂટધામ સોસા.માં પોલીસ પર ફાયરિંગ કરનાર ધાડપાડુ ગેંગના 2 શખસ પોલીસ જાપ્તામાં સારવાર હેઠળ

રાજકોટ6 દિવસ પહેલા

રાજકોટના અમીન માર્ગ પર આવેલ ચિત્રકૂટ ધામ સોસાયટીમાં ગઇકાલે ધાડપાડુ ગેંગ ધારદાર પત્થર, ડિસમિસ અને દેશી બનાવટની પિસ્તોલ લઇને ઘસી આવ્યા હતા જેમાં કુલ 6 શખ્સો પૈકી 2 આરોપીની માલવિયા નગર પોલીસે ધરપકડ કરી ઈજાગ્રસ્ત 2 આરોપીને પોલીસ જાપ્તામાં સારવાર હેઠળ રાખી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

તબિયત સ્વસ્થ થતા તેની ધરપકડ કરવામાં આવશે
રાજકોટ ACP જે.એસ.ગેડમએ જણાવ્યું હતું કે, માલવિયાનગર વિસ્તારમાં ગઈકાલે ચિત્રકૂટધામ સોસાયટીમાં આદિવાસી ધાડપાડુ ગેંગ ડિસમિસ, દેશી બનાવટની પિસ્તોલ, અને ધારદાર પત્થરો સાથે આવી હતી જે શખ્સો ચોરી કે ધાડના ગુનાને અંજામ આપવામાં સફળ થાય તે પહેલા પોલીસ પહોંચી જતા પોલીસ સાથે ઘર્ષણ અને ફાયરિંગ ની ઘટના સામે આવી જેમાં પોલીસે કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધી 2 આરોપી કાળું ઉર્ફે કાળો કરણસિંહ હઠીલા અને દિનેશ વિછિયા ગુડિયાની ધરપકડ કરી છે જયારે પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બે શખ્સો કલા ગુડિયા અને ચકરા ગુડિયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાં સારવાર લઇ રહ્યા છે જેની તબિયત સ્વસ્થ થતા તેની ધરપકડ કરવામાં આવશે.

ચોરી લૂંટ જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, બનાવમાં કુલ 6 શખ્સો સામેલ હતા જેમાંથી બે શખ્સો દિલીપ હઠીલા અને હિમસંગ ફરાર છે જેને પકડી પાડવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOG ટિમ અલગ અલગ દિશામાં શોધખોળ કરી રહી છે. પક્ડયાએ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ મેળવી આરોપીઓ કેટલા સમયથી રેકી કરતા, ક્યાં ક્યાં સ્થળે રોકાયા હતા તેમજ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. પક્ડયાએ આરોપીઓ મોટા ભાગે આદિવાસી વિસ્તારના અને મધ્યપ્રદેશના હોવાનું અને ચોરી લૂંટ જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ ACP જે.એસ.ગેડમ
રાજકોટ ACP જે.એસ.ગેડમ

તે મકાને કોર્ડન કરી લીધું
રાજકોટ SOG માં ફરજ બજાવતા ASI રવિ વાંકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે રાતે અઢીથી પોણા ત્રણ દરમિયાન 6 બુકાનીધારી શંકાસ્‍પદ શખ્‍સો ચિત્રકુટધામ સોસાયટી-2 ના ખુણા પર આવેલા મકાનની પ્રથમ માળની ગેલેરી તથા મકાનની અંદર હિલચાલ કરતાં જોવા મળતાં તુરત જ PSI ખેરની સુચના મુજબ ટીમના માણસોએ તે મકાને કોર્ડન કરી લીધું હતું.

ગળુ દાબી મારી નાંખવાનો પ્રયાસ કર્યો
PSI ખેર ગેઇટ પાસે પહોંચ્‍યા હતાં અને અંદર ઘુસેલા માણસોને પોલીસની ઓળખ આપી પડકાર્યા હતાં. પરંતુ આ શખ્‍સોએ ઓચીંતા જ પથ્‍થમારો ચાલુ કર્યો હતો અને બધા ઘરના ફળીયામાંથી બહાર આવી ભાગવા માંડયા હતાં. તે વખતે PSI ખેર તેને પકડવા જતાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. એ પૈકી એક શખ્‍સને PSI ખેરે મજબુતીથી પકડી લેતાં તેને છોડાવવા તેનો સાગ્રીત આવ્‍યો હતો અને તેણે PSI ખેરના હાથ પર ગણેશીયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ બીજા શખ્‍સે તેમનું ગળુ દાબી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

જો અહિયા આયા તો આલી દઇશ
આ દરમિયાન એક લૂંટારાએ પોતાની પાસેની બંદુક કાઢી PSI ખેર સામે તાંકી હતી અને સાગ્રીતને છોડી દે નહિ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બીજી તરફ બીજા શખ્‍સોએ પોલીસ ઉપર પથ્‍થરમારો ચાલુ રાખ્‍યો હતો. આ દરમિયાન PSI ખેરે તમામ ટીમને પોતાની તરફ આવવા મોટેથી અવા જ કરતાં અમે બધા તેમની નજીક ગયા હતાં. જે શખ્‍સના હાથમાં બંદુક હતી તેનું નાળચુ તેણે મારી તરફ કરી ‘જો અહિયા આયા તો આલી દઇશ' તેમ ધમકી આપી હતી.

SOGના PSI ડી.બી. ખેર ઇજાગ્રસ્ત થયા (ફાઈલ તસવીર).
SOGના PSI ડી.બી. ખેર ઇજાગ્રસ્ત થયા (ફાઈલ તસવીર).

બે રાઉન્‍ડ ફાયર કરતાં બે શખ્‍સો ઇજાગ્રસ્‍ત થયા
આથી PSI ખેર અને અમારા જીવ પર જોખમ જણાતાં મેં મારી સર્વિસ રિવોલ્‍વરમાંથી PSI ખેરને મારવાનો પ્રયાસ કરનારા શખ્‍સોની દિશામાં બે રાઉન્‍ડ ફાયર કરતાં બે શખ્‍સો ઇજાગ્રસ્‍ત થયા હતાં. જેને અમારી ટીમે તુરત દબોચી લીધા હતાં. આ દરમિયાન ધાડપાડુઓ પૈકીના ત્રણ રોડ તરફ ભાગતાં તેનો પીછો કરાયો હતો. હેડકોન્‍સટેબલ કિશનભાઇ આહિર, કોન્‍સટેબલ દિવ્‍યરાજસિંહ તેની પાછળ દોડયા હતાં. આ શખ્‍સોએ પોતાના શરીર પર ચીકણો પદાર્થ લગાડયો હોઇ તેને પકડવા જતાં હાથ લપસી જતાં હતાં. જે શખ્‍સ પાસે હથીયાર (બંદૂક) હતું તે સ્‍થળ પર જ પડી ગયો હતો. કિશનભાઇ અને દિવ્‍યરાજસિંહે એક શખ્‍સને પકડી લીધો હતો. બીજા બે હથીયારધારી શખ્‍સો ભાગી ગયા હતાં.

PSI ખેરને પેટ અને કમરના ભાગે ઇજા થઇ
PSI ખેરને હાથના ભાગે તથા પેટ અને કમરના ભાગે ઇજા થઇ હતી. ધાડપાડુ ગેંગના પથ્‍થરમારામાં સોસાયટીમાં પડેલા વાહનોમાં પણ નુકસાન થયું હતું. આ બનાવની જાણ ASI ભાનુભાઇ મિંયાત્રાએ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં કરી મદદ મોકલવા જણાવ્‍યું હતું. PSI ખેરનું ગળુ દબાવનારા શખ્‍સનું નામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશ વિછયાભાઇ ગોડીયા જણાવેલ, જયારે જેના હાથમાં બંદૂક હતી તેનું નામ ચકરા મેઘાભાઇ હોવાનું દિનેશે કહ્યું હતું. તેમજ જેના હાથમાં ગણેશીયો હતો તેનું નામ કલા દિત્તાભાઇ ગોડીયા હોવાનું જણાવાયું હતુ. જ્‍યારે ભાગતી વખતે પકડાયેલા શખ્‍સનું નામ કાળો કરણસિંહ હઠીયા હોવાનું કહેવાયું હતુ. જ્‍યારે ભાગી ગયેલા બે શખ્‍સોમાં એક દિલીપ (રહે. જાંબુવા) તથા બીજો હીમસંગ (રહે. ખરચ દાહોદ) હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...