નશાનો વેપલો:રાજકોટમાં MD ડ્રગ્સ સાથે બે શખસ ઝડપાયા, 1-1 ગ્રામની પડીકી બનાવી રૂ. 2500થી 3000માં વેચતા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપી ઉમંગ પટેલ અને જલાલ સૈયદ. - Divya Bhaskar
મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપી ઉમંગ પટેલ અને જલાલ સૈયદ.

રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઉમંગ પટેલ અને જલાલ સૈયદ નામના શખસને SOG ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓએ 1-1 ગ્રામની પડીકીઓ બનાવી બંધાણીઓને રૂ.2500થી 3000માં વેચતા હોવાનું કબૂલ્યું છે. રૂ.40 હજારની કિંમતનું 4 ગ્રામ ડ્રગ્સ, દારૂની એક બોટલ, ઇલેક્ટ્રિક બેટરી વાળા 3 વજન કાંટા, પ્લાસ્ટિકની વેક્યુમ વાળી નાની 10 પડીકીઓ, આઈફોન સહિત રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ
મળતી વિગત મુજબ રાજકોટ શહેર SOGએ બાતમી આધારે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાતેથી રાજકોટના ઉમંગ ગોવિંદ ભુત અને ફ્રૂટના વેપારી જલાલ તાલબ કાદરીને MD ડ્રગ્સ અને દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. બાદમાં યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કામગીરી કરનાર SOGનો સ્ટાફ
આ કામગીરીમાં ASI વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમાર, પેરોલ ફર્લોના મહિલા કોન્સ્ટેબલ શાંતુબને મુળીયા પણ જોડાયા હતા. તેમજ ડ્રગ્સ અંગે પ્રાથમિક પરીક્ષણ માટે FSLના અધિકારી વાય.એચ. દવેએ કામગીરી કરી હતી.

અન્ય રૂમમાંથી 3 યુવાન મળ્યા
ક્વાર્ટરની તલાશી દરમિયાન અન્ય એક રૂમમાંથી મોરબી, વજેપરના આમીર હુશેન સંજાત, અબ્દુલ કાદીર ફરીદ સંજાત તેમજ કોઠારિયા રોડ, ન્યૂસાગર સોસાયટીમાં રહેતો નિશાર મુનોવર સંજાત મળી આવ્યા હતા. જોકે, તેમની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી. નિશારની પૂછપરછ કરતા તે બેંકમાં નોકરી કરે છે અને ઉમંગને કાર લોન લેવી હોવાથી તે બે મિત્ર સાથે આવ્યો હતો.

દરોડા સમયે જલાલે તેનો મોબાઇલ ટાંકીમાં ફેંકી દીધો હતો
ક્વાર્ટરમાં અચાનક પોલીસ ત્રાટકતા ઉમંગ સાથે બેઠેલા જલાલે તેનો મોબાઇલ નજીક સિમેન્ટની પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. પોલીસે કાર્યવાહી કર્યા બાદ ટાંકીમાંથી જલાલનો મોબાઇલ બહાર કાઢ્યો હતો. પાણીમાં પડી જવાથી મોબાઇલ બંધ થઇ જતા કબજે કર્યો છે. મોબાઇલની તપાસ બાદ અનેક વિગતો પ્રકાશમાં આવે તેવી પોલીસે સંભાવના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...