શહેરના ચંપકનગર-3માં રહેતા ગજાનંદભાઇ દાદુભાઇ શિંદે નામના યુવાને સંતકબીર રોડ, શક્તિ સોસાયટી-9માં રહેતા જલ્પેશ જેરામ નારણિયા નામના જ્વેલર્સ સંચાલક સામે લાખોની ચાંદી ઓળવી જઇ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ગણેશ બુલિયનના નામથી ચાંદીનો વેપાર કરતા યુવાનની ફરિયાદ મુજબ, જલ્પેશ તેના ઘરની નીચે જ જે.પી.જ્વેલર્સના નામથી વેપાર કરે છે.
વર્ષોથી ધંધાકીય સંબંધ હોય જલ્પેશ ગત ઓગસ્ટ મહિનામાં રૂ.18,49,999ના કિંમતની 30 કિલો 186 ગ્રામ ચાંદીનો જથ્થો લઇ ગયો હતો. જલ્પેશ સાથે ઘણા સમયથી ધંધાકીય સંબંધો હોવાને કારણે ચાંદીનું પેમેન્ટ થોડા દિવસ બાદ માગ્યું હતું. ત્યારે તેને રકમ ચૂકવી આપવાના વાયદા કર્યા હતા. જલ્પેશે અનેક વાયદાઓ કરવા છતાં એક રૂપિયો પણ નહિ આપતા વેપારી એસોસિએશનમાં વાત કરી હતી.
એસો. જલ્પેશને બોલાવવા છતાં તે કોઇને કોઇ બહાના બતાવી આવતો ન હતો. બાદમાં એક વખત ફોન કરતા જલ્પેશે પૈસા માટે જો હવે ઉઘરાણી કરીશ તો મારા મિત્રો દ્વારા ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી ફિટ કરાવી દઇશ, હવે જો પૈસા માગ્યા તો જાનથી મારી નાખીશ.
આમ મિત્રતા તેમજ ધંધાકીય સંબંધોને કારણે લાખોની ચાંદી આપ્યા બાદ ન તો ચાંદી પરત કરી કે ન તો પૈસા આપી વિશ્વાસઘાત કર્યો હતો. બાદમાં બજારમાં તપાસ કરતા જલ્પેશ અન્ય ત્રણ વેપારીનું પણ ચાંદી ઓળવી ગયાનું અને તેની સામે પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી જલ્પેશ નારણિયાની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.