ધરપકડ:ડિલિવરી કરે તે પહેલા જ 1.850 કિ.ગ્રા. ગાંજા સાથે બે શખ્સ પકડાયા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંજીવાડા અને બેડીપરાના શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ

શહેરમાં વેલેન્ટાઇન ડેના દિવસે પોલીસે બે શખ્સને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા છે. વેલેન્ટાઇન ડેના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું શહેરભરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સ્પે.ઓપરેશન ગ્રૂપની ટીમ ગાંધીગ્રામ વિસ્તારના શીતલ પાર્ક રોડ પર ટ્રાફિકના ટોઇંગ સ્ટેશન પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે અહીંથી સુરત પાસિંગની કાર પસાર થતા તેને અટકાવી હતી.

કારમાં બેઠેલા બે શખ્સની પૂછપરછ કરતા એક ગંજીવાડા-24માં રહેતો અજય બચુ વાડોદરા અને બીજો બેડીપરા શ્રમજીવી સોસાયટી-4માં રહેતો હિતેશ કનક જાંબુકિયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કારની તલાશી લેતા અંદરથી એક થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા નશીલા દ્રવ્ય જેવું જોવા મળ્યું હતું. જેથી એફએસએલ પાસે ખરાઇ કરાવતા તે ગાંજો હોવાનું અને તેનું વજન કરતા રૂ.18,500ના કિંમતનો 1 કિલો 850 ગ્રામ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે. બંને શખ્સની પૂછપરછ કરતા તેઓ શીતલ પાર્ક થઇ હનુમાન મઢી તરફ ગાંજો લઇને ડિલિવરી કરવા નીકળ્યા હતા. ફોન પર ડિલિવરી કરવાના સ્થળની માહિતી મળવાની હોવાની કબૂલાત આપી છે.

એસઓજીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી ગાંજો, કાર મળી કુલ રૂ.3.18 લાખનો મુદ્દામાલ સોંપ્યો છે. પોલીસ તપાસમાં મૂળ જસદણ પંથકનો અજય અગાઉ રાજકોટ મનપામાં કોન્ટ્રાક્ટમાં સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો. પરંતુ તે કામે જતો ન હોય કાઢી મુક્યો હતો. જ્યારે હિતેશ અગાઉ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગાંજો કોની પાસેથી લઇ આવ્યા, કોને આપવાનો હતો તે વિગતો બહાર લાવવા ગાંધીગ્રામ પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...