કોરોના રાજકોટ LIVE:એક સપ્તાહમાં શરદી-ઉધરસના 185, તાવના 71 અને ઝાડા-ઊલ્ટીના 109 કેસ નોંધાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા 15,338 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ. - Divya Bhaskar
મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા 15,338 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ.
  • મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા 15,338 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ

રાજકોટમાં કોરોના હળવો પડ્યો છે, પરંતુ ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે, છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં શરદી-ઉધરસના 185, સામાન્ય તાવના 71 અને ઝાડા-ઊલ્ટીના 109 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 15 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 63705 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 3 છે.

125 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું
મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 9થી 15 મે સુધીમાં પોરાનાશક કામગીરી હેઠળ 15,338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જ્યારે 125 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેડ ફોગિંગ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
સોરઠિયા પ્લોટ, બાપુનગર ક્વા., જૂના ગણેશનગર, કેવડાવાડી, વસુંધરા સોસા., સ્લમ ક્વા., લલુડી વોકળી, ઘાંચીવાડ, નવયુગ૫રા, કોઠારિયા કોલોની, લોર્ડ કિષ્ના સોસા., ઘનશ્યામ સોસા., (રેલનગર), ઘનશ્યામ વાટીકા 1, 2, પો૫ટપરા, અમૃત રેસિડેન્સી, મહાદેવનગર (રેલનગર), ડો. હેડગ્રેવાડ ટાઉનશી૫ (રેલનગર), પરસાણાનગર, અંકુર સોસા., વગેરે વિસ્તારોને ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

મચ્છર ઉત્પતિ બદલ 124 વ્યક્તિને નોટિસ
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 185 બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીને મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 124 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી.

ડેન્ગ્યુ અંગે જાગૃતિ માટે વોર્ડવાઈઝ કાર્યક્રમોનું આયોજન કરાયું.
ડેન્ગ્યુ અંગે જાગૃતિ માટે વોર્ડવાઈઝ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ડેન્ગ્યુથી જનજાગૃતિ માટે વોર્ડવાઈઝ કાર્યક્રમો
ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ સાથે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્‍ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ડેન્ગ્યુ ઇઝ પ્રિવેન્ટેબલઃ લેટ્સ જોઇન હેન્ડ્સ’ એટલે કે ચાલો સૌ સાથે મળીએ: ડેન્ગ્યુ અટકાવી શકાય છે.
ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ રોગનો ફેલાવો એડીસ મચ્છરના કરડવાથી થાય છે. આ એડીસ મચ્છર કાળા કલરનો સફેદ ટપકાવાળો હોય છે. આ મચ્છર ડેન્ગ્યુના દર્દીને કરડી ચેપી બની એક અઠવાડીયા પછી આ ચેપી મચ્છર સ્વસ્થ માણસને કરડી ચેપ ફેલાવે છે. શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્‍છર ઉત્પતિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.