શહેરમાં બેફામ બનેલા વ્યાજખોરોથી શહેરીજનોને મુક્ત કરાવવા પોલીસે લોકદરબાર યોજ્યો હતો પરંતુ વ્યાજખોરોના ત્રાસથી શહેરીજનોને રાહત મળી નથી. ધંધા માટે કાર ખરીદવા યુવકે રૂ.5 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે રૂ.18 લાખ ચૂકવી દીધા હોવા છતાં મહિલા વ્યાજખોર વધુ રકમની માગ કરતા યુવકે અન્ય ત્રણ વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા અને તે શખ્સોએ યુવકનું સ્કૂટર પડાવી લેતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રાધાપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં હાર્દિક અશોકભાઇ પરમારે (ઉ.વ.36) પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગવલીવાડની શહેનાઝ દલવાણી, ઇરબાઝ ખોખર, અફીરીદ ખોખર અને ભીસ્તીવાડના ઇમરાન દલવાણીના નામ આપ્યા હતા. હાર્દિક પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પોતે સદરમાં આવેલા પોતાના મકાનમાં રહેતો હતો, ધંધા માટે 2016માં કાર ખરીદવી હતી ત્યારે નાણાની જરૂરિયાત ઉભી થતાં શહેનાઝ દલવાણી પાસેથી રૂ.5 લાખ 20 ટકા વ્યાજે લીધા હતા
શહેનાઝને વ્યાજ સહિત રૂ.18 લાખ ચૂકવી દીધા હોવા છતાં તે વધુ રૂ.3 લાખની માગ કરતી હતી. વ્યાજખોર શહેનાઝને વધુ રકમ ચુકવવા હાર્દિકે ઇરબાઝ પાસેથી રૂ.2 લાખ અને તેના ભાઇ અફીરદ ખોખર પાસેથી રૂ.1 લાખ 30-30 ટકા વ્યાજે લીધા હતા. તેમજ ઇમરાન દલવાણી પાસેથી રૂ.3 લાખ 30 ટકા વ્યાજે લીધા હતા. ઇરબાઝ, અફરીદ અને ઇમરાનને દરરોજના રૂ.3 હજારનો હપ્તો ચુકવવાનું નક્કી થયું હતું. ધંધો બરોબર નહી ચાલતા હાર્દિક દરરોજ હપ્તો નહી ચુકવી શકતા વ્યાજખોરોએ કાયદો હાથમાં લીધો હતો અને હાર્દિકના ઘરે જઇ ધાક ધમકી શરૂ કરી હતી.
વ્યાજખોરોની ધમકીથી કંટાળી હાર્દિકે ગત તા.19 મેના ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ વ્યાજખોરોએ પૈસા નથી જોતા તેમ કહ્યા બાદ ફરીથી નાણાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. દોઢેક મહિના પૂર્વે હાર્દિક પોતાનું સ્કુટર ચલાવીને જીમખાના પાસેથી પસાર થતો હતો ત્યારે ઇરબાઝ અને અફરીદે તેને અટકાવી રકમની માગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હાર્દિક પાસેથી બળજબરીથી તેનું સ્કુટર પડાવી લીધું હતું.
હાર્દિકે યેનકેન પ્રકારે પૈસાની વ્યવસ્થા કરી હપ્તા ચુકવવાનું શરૂ કરતાં સ્કુટર પરત કર્યું હતું. જોકે વ્યાજખોરો ઘરે ધસી જઇ સતત ધમકી આપતા હોય હાર્દિકે સદરમાં પોતાનું માલિકીનું મકાન છોડી હિજરત કરી ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો હતો છતાં વ્યાજખોરોની ઉઘરાણી અટકી નહોતી, અંતે યુવકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ચારેય વ્યાજખોરોની શોધખોળ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.