સ્પષ્ટતા:શેરી ગરબામાં 18+, આયોજકો, કલાકારો માટે બે ડોઝ ફરજિયાત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાઈડલાઈનમાં ભાગ લેનાર તમામે રસીના બે ડોઝ લેવા ફરજિયાત હોવાની વાત સામે પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા

નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે, આ વર્ષે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે આમ છતાં કોરોનાની ગાઇડલાઇનનું સખ્તાઇથી પાલન કરવાનું રહેશે, ગરબી મંડળમાં ભાગ લેનાર તમામે વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા ફરજિયાત રહેશે, જોકે ગરબી મંડળની 18 વર્ષથી નીચેની બાળાઓને આ નિયમ લાગુ પડશે નહીં, ગરબી મંડળના 18 વર્ષથી વધુ વયના કલાકારો અને સંચાલકો જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા નહીં હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તા.7ને ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, પ્રવર્તમાન સ્થિતિને અનુસંધાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તે મુજબ રાત્રીના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી અને ફ્લેટમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબા, દુર્ગાપૂજા, શરદપૂર્ણિમા અને દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. રાત્રીના 12 વાગ્યા બાદ કોઇ સ્થળે ગરબી ચાલુ જોવા મળશે તો સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગરબાની ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇશે, જાહેરનામામાં ઉંમર અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી, આ બાબતે દિવ્ય ભાસ્કર સમક્ષ પોલીસ કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, ગરબી મંડળમાં પાંચ વર્ષથી 18 વર્ષ સુધીની બાળાઓ ભાગ લેતી હોય છે આવી બાળાઓ માટે વેક્સિનનો નિયમ લાગુ પડશે નહીં, પરંતુ ગરબી મંડળમાં ભાગ લેનાર 18 વર્ષથી વધુ વયના કલાકારો અને સંચાલકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઇશે, અને આ બાબતે લાપરવાહી દાખવનાર સંચાલક કે કલાકાર સામે કાર્યવાહી થશે. શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લી જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન કરી શકાશે નહીં.

8 ACP સહિત 2216 જવાનનો બંદોબસ્ત
નવરાત્રિમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે શહેરમાં 8 એસીપી, 18 પોલીસ ઇન્સ્પેક્ટર, 100 પીએસઆઇ, 970 કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ, 400 હોમગાર્ડ, 600 ટીઆરબી જવાન અને 120 જીઆરડી જવાન સહિત 2216 પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત આઇ-વે પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા મારફત સોસાયટીઓમાં વોચ રાખવામાં આવશે. ઘોડેસવાર પોલીસ અને ક્યુઆરટીની ટીમનું સતત પેટ્રોલિંગ રહેશે. શહેર મહિલા પોલીસના 230 અધિકારી કર્મચારીઓ ખાનગી કપડાંમાં આવારા તત્ત્વો પર વોચ રાખશે.

અન્ય સમાચારો પણ છે...