તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:18 કરોડની સરકારી જમીન 41 લાખમાં વેચી નાખી: બે પકડાયા, કોઠારિયામાં 5200 ચોરસ મીટરની સરકારી જમીનમાં શેડ ખડકી દીધાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેન્દ્ર રાજવીરે 26 લાખ રૂપિયામાં દિલીપ મસરાણીને જમીન વેચી, તેને રૂ.41.60 લાખમાં ચંદુ કોઠિયાને વેચી દેતાં ત્યાં શેડ બનાવી દીધા

રાજકોટ શહેરમાં કોઠારિયા વિસ્તારમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે શેડ બનાવી કરોડો રૂપિયા ગણવાના ભુમાફિયાઓના સ્વપ્નો પર જિલ્લા વહીવટી તંત્રે બુલડોઝર ફેરવી દીધું હતું અને હવે એન્ટિલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરી છે જેમાં આરોપીઓમાંથી 2 ઝડપાયા છે જ્યારે 2 ફરાર થયા છે. કોઠારિયામાં સરવે નં. 352, 259, 260 અને 262માં 23 શેડ તેમજ દીવાલ બનાવી 5200 ચોરસ મીટર પર કબજો કરાયો હતો. જેના પર 7 ઓગસ્ટે ડિમોલિશન કરાયું હતું. આ જમીન પર કબજો કરી શેડ બનાવનાર સુખા ટીલાળા કે જે એક્સ આર્મીમેન છે તેણે 6 શેડ બનાવી ભાડે ચડાવ્યા હતા.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે સરકારી જમીનની પાસે જ તેની માલિકીની જમીન છે પણ તેમાં માત્ર 2 શેડ હતા અને સરકારીમાં બીજા 6 બનાવી નાખ્યા હતા તેમજ ભત્રીજા સાથે સબમર્શિબલપંપનો ધંધો ચાલુ કરી દીધો હતો. પોલીસે સુખાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા શેડ બનાવનારમાં ચંદુ કોઠિયાનું નામ ખુલ્યું હતું. ચંદુ કોઠિયાના નિવેદનમાં માત્ર જમીન પર દબાણ નહીં પણ ગેરકાયદે દસ્તાવેજો બનાવવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે. ચંદુ કોઠિયાએ આ જમીન 2019માં દિલીપ મસરાણી નામની વ્યક્તિ પાસેથી 41.60 લાખ રૂપિયામાં ખરીદી હતી જેનો સોદો માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કર્યો હતો.

જ્યારે દિલીપે આ જમીન માત્ર 26 લાખમાં 2007માં મહેન્દ્ર રાજવીર નામના શખ્સ પાસેથી ખરીદી હોવાનું સ્ટેમ્પ પેપરનું લખાણ પણ મળી આવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જગ્યા પર ગેરકાયદે દબાણ થઈ રહ્યા હોવાની રજૂઆતો મહેન્દ્ર રાજવીર જ કરી રહ્યો હતો. આ જગ્યાની વર્તમાન કિંમત અંદાજે 18 કરોડ રૂપિયા જેટલી થાય છે.

જેમાં ચંદુ અને સુખાએ સેડ બનાવીને 50થી 60 કરોડ કમાવવાનો ઈરાદો બનાવ્યો હતો પણ તે પહેલાં જ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ડિમોલિશન કરાવ્યું હતું. આ મામલે ચંદુ કોઠિયાએ નિવેદન આપ્યું હતું કે મહેન્દ્રએ પોતાના પર ફરિયાદથી બચવા રજૂઆતો કરી હતી. હકીકતે તેણે જ જમીનો વેચી મારી છે. પોલીસે ચંદુની ધરપકડ કરી હતી જ્યારે જમીન વેચનાર દિલીપ અને મહેન્દ્ર બંને ફરાર થઈ ગયા છે.

દરેક સરકારી જમીનનો સરવે કરી ભૂમાફિયા સામે કેસ કરવા કલેક્ટરનો આદેશ
ભુમાફિયાઓએ પુષ્કળ સરકારી જમીનો પર દબાણ કર્યા છે. દબાણની આ પધ્ધતિ જ પૂરી કરી નાખવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ તમામ પ્રાંત અધિકારીઓને સરકારી જમીનનો સરવે કરવા આદેશ કર્યો છે. જે જે સરકારી જમીન પર કબજો દેખાશે તે તમામમાં જિલ્લા વહીવટી તંત્ર સુઓમોટો કરીને એન્ટિલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરાશે.

અન્ય સમાચારો પણ છે...