તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં રસી ખલાસ:1.70 લાખ લાભાર્થી બીજા ડોઝની રાહમાં, બે કેન્દ્રો પર લોકોમાં રોષ વધતા પોલીસ બોલાવાઈ; 10 હજારમાંથી માંડ 2666નેે રસી મળી!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કતારમાં ઊભેલા લોકોના રોષને જોઈને પોલીસ બોલાવવી પડી હતી. - Divya Bhaskar
કતારમાં ઊભેલા લોકોના રોષને જોઈને પોલીસ બોલાવવી પડી હતી.

રાજકોટમાં વેક્સિનની ખૂબ અછત વર્તાઈ રહી છે મંગળવારે કોવિશિલ્ડનો એકપણ ડોઝ આપી શકાય તેવી સ્થિતિ ન હતી, માત્ર કોવેક્સિન જ અપાઈ રહી હતી. આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ શરૂ થાય તે પહેલા જ કતારો લાગી ગઈ હતી. આ દરમિયાન સવારે 9 વાગ્યે નાનામવા આરોગ્ય કેન્દ્ર અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં લોકોની કતારો લાંબી થઇ હતી અને ટોકન સિસ્ટમમાં હોબાળો થતા લોકો રોષે ભરાયા હતા. કતારમાં ઊભેલા લોકોના રોષને જોઈને પોલીસ બોલાવવી પડી હતી.

બુધવારે હવે માંડ 6000 કોવિશિલ્ડના ડોઝ આવવાના છે અને તે પણ પૂરતા નથી આ કારણે રસીકરણ માટે આયોજિત તમામ કેમ્પ રદ કરવાની નોબત આવી છે. દરરોજ 10 હજારથી વધુ લોકો રસી લેવા અલગ-અલગ કેન્દ્રોમાં લાઈનમાં ઊભા હોય છે. મંગળવારે આ પૈકી માત્ર 2666ને જ રસી મળી હતી. રાજકોટ શહેરમાં એવા 1.70 લાખ લોકો છે જેમને બીજો ડોઝ લેવા માટે 84 દિવસ કરતા વધુ સમય વીતી ગયો છે અને સતત મેસેજ આવી રહ્યા છે. આ તમામ લોકોને રસી આપવા માટે પૂરતો સ્ટોક નથી અને આ સંખ્યા હવે દરરોજ 10,000ના દરે વધતી જ જશે.

અત્યાર સુધીમાં શહેરમાં 7 લાખ કરતા વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે જેમાંથી માત્ર 1.80 લાખને જ બીજો ડોઝ આપી શકાયો છે. બીજા ડોઝ માટે શું કરવું 90 દિવસ કરતા વધુ સમય વીતી જાય ત્યારબાદ રસીની શું અસર તે અંગે હજુ કોઇએ ધ્યાન આપ્યું નથી. મોટા ઉપાડે એવો આદેશ કરાયો હતો કે, બધા વેપારીઓ વેક્સિન લીધા બાદ જ વેપાર કરી શકશે અને તેની આખરી તારીખ 30 જૂન રાખી હતી. વેપારીઓ રસી લેવા માટે તૈયાર છે પણ હવે સ્ટોક નથી તેથી તે તંત્રનો જ વાંક છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પૂછતા તેમણે કહ્યું હતું કે, રસીના સ્ટોકની અછતને કારણે રસી ન લઈ શકતા હોવાથી વેપારીઓ સામે હાલ કોઇ કાર્યવાહી કરાશે નહીં.

વેપારીઓ પર કોઇ કાર્યવાહી નહિ, સ્ટોક મુજબ બીજો ડોઝ અપાશે
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વેપારીઓ માટે રસીનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડેલું છે. જોકે હાલ જે સ્થિતિ છે તેમાં રસીના સ્ટોકના અભાવે લોકો રસી લઈ રહ્યા નથી તેથી હાલ પૂરતા વેપારીઓ પર રસી લીધી ન હોય તો કોઇ કાર્યવાહી કરાશે નહીં. જો તંત્રને જરૂરી લાગશે તો જે તે વેપારીઓ અથવા તો વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરાશે.

રસીનો સ્ટોક બે દી’માં પૂર્વવત થશે : સચિવ
રસીના સ્ટોક અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નવનિયુક્ત અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મંગળવારે જ એકસાથે 4 લાખ ડોઝ ગુજરાત રાજ્યને મળ્યા છે અને જે છેલ્લા બે દિવસમાં 33 ટકા વધારે છે. જુલાઈ માસનો જથ્થો પહેલી તારીખથી શરૂ થઈ જશે એટલે હાલ જે વેક્સિનની અછત છે તે બે દિવસ માંડ રહેશે ત્યારબાદ સ્થિતિ પૂર્વવત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...