ક્રાઇમ:ગોંડલ પંથકની 17 વર્ષની સગીરાને પાટીયાળી ગામનો શખસ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો, અપહરણની ફરિયાદ નોંધાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોલીસે આરોપી વિરૂદ્ધ IPC કલમ 363, 366 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ગોંડલના એક ગામની 17 વર્ષની સગીરાને પાટીયાળીના શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ઘટના બની છે. આ અંગે સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખસ સામે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
ગોંડલના એક ગામે રહેતા અને ખેતી કામ કરતા પરિવારની 17 વર્ષની સગીરાને પાટીયાળી ગામનો વિનોદ ઉર્ફે ભીમો મકવાણાએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જતાં સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 363, 366 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી
સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા પરિવાર સાથે રહું છું અને ખેતી કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં ચાર દીકરી છે. જેમા સૌથી મોટી દીકરીની ઉંમર 17 વર્ષ છે. તે ગોંડલ બ્યુટીપાર્લરના ક્લાસમાં જતી હતી. 13 ડિસેમ્બરના રોજ હું સવારના નવેક વાગ્યે વાડીએ કામ માટે ગયો હતો અને આ વખતે મારી દીકરીઓ તથા પત્ની ઘરે હાજર હતા. ત્યારબાદ સવારના અગિયારેક વાગ્યા આસપાસ હું વાડીએથી ઘરે ખાતર લેવા આવ્યો હતો. આ વખતે મેં મારી મોટી દીકરીને ફોન કરતા બંધ આવ્યો હતો. આથી મેં મારી પત્નીને પૂછતા તેણે કહ્યું હતું કે આપણી દીકરી સવારના નવેક વાગ્યા આસપાસ ઘરેથી ગોંડલ બ્યુટીપાર્લર જવા માટે નીકળી ગઇ હતી.

ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ (ફાઇલ તસવીર).
ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ (ફાઇલ તસવીર).

વિનોદને ફોન કરતા તેનો ફોન બંધ આવતો
ત્યારબાદ અમે દીકરીને વારંવાર ફોન કરતા ફોન બંધ આવતો હતો. આથી અમે આ અંગે ગોંડલ બ્યુટીપાર્લરમાં તપાસ કરતા ત્યાં જાણવા મળ્યું હતું કે, મારી દીકરી અહીં આવી નથી. આથી અમે સગા-સંબધીમાં તપાસ કરતા મળી આવી નહોતી. ત્યારબાદ મેં મારી નાની દીકરીને મોટી દીકરી બાબતે પૂછતા તેણે મને કહ્યું હતું કે, બહેનને પાટીયાળી ગામનો વિનોદ ઉર્ફે ભીમો મકવાણા લઇ ગયો છે. આથી આ અંગે મેં તથા મારા મોટાભાઇ તથા અમારા ગામના બીજા માણસો પાટીયાળી ગામે આ વિનોદના ઘરે તપાસ કરતા તે પણ ઘરે હાજર નહોતો. આથી તેને ફોન કરતા તેનો મોબાઇલ પણ બંધ આવ્યો હતો. આથી હું અને મારા મોટાભાઇ સાથે પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા. વિનોદ મારી સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, ભોળપણનો લાભ ઉઠાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી લઇ ગયો છે. વિનોદ સામે ફરિયાદ નોંધાવી છે.