આરોગ્ય સાથે ચેડા:રાજકોટમાં મોગલ મસાલા માર્કેટમાં 17 કિલો સડેલા મરચા અને સન્ની પાજી દા ઢાબામાંથી 12 કિલો વાસી ખોરાક મળ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગની ટીમે ખાણીપીણીના 16 ધંધાર્થી પર તવાઇ બોલાવી હતી. - Divya Bhaskar
આરોગ્ય વિભાગની ટીમે ખાણીપીણીના 16 ધંધાર્થી પર તવાઇ બોલાવી હતી.
  • ઠંડાપીણાં, શેરડીનો રસ, દૂધ, ઘી, મીઠાઇ, તેલના 23 નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે ગ્રીનલેન્ડ ચોકડી અને પેડક રોડ વિસ્તારમાં મસાલા માર્કેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં મોગલ મસાલા માર્કેટ, મેલડી મસાલા માર્કેટ, મા શક્તિ મસાલા માર્કેટમાં મસાલાનું વેચાણ કરતાં વિક્રેતાઓની સ્થળ પર ચકાસણી કરી હતી. જે પૈકી કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવેલા મોગલ મસાલા માર્કેટમાં ચકાસણી કરતાં 17 કિલો સડેલા અને ફૂગવાળા મરચા જોવા મળ્યા હતા. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ બોલબાલા માર્ગ પર ખાણીપીણીના 16 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કર્યું હતું. જેમાં પેડક રોડ પર આવેલી આઈશ્રી ખોડિયાર એન્ટરપ્રાઇઝ (સન્ની પાજી દા ઢાબા)માં સ્થળ તપાસ કરતા 12 કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો. આ ઉપરાંત ઠંડાપીણાં, શેરડીનો રસ, દૂધ, ઘી, મીઠાઇ તથા વપરાશમાં લેવાતા ખાદ્ય તેલના કુલ 23 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ
મરચાં પાવડર, હળદર ધાણા, ધાણી, જીરું, ઘોલર મરચુ, કાશ્મીરી મરચુ, રેશમપટ્ટો મરચાના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડી માર્ટ પાસે મા મોગલ મસાલા માર્કેટમાંથી ધાણા-જીરૂ પાવડર, મોરબી રોડ પર ભગવતી હોલ પાસે મા શક્તિ મસાલા માર્કેટમાંથી હળદર, મવડી પ્લોટ મેઇન રોડ પર ગણેશ ડેરી ફાર્મમાંથી કેશર શિખંડ અને ગોંડલ રોડ પર સાધના ભેળમાંથી લાલ મરચાની ચટણીનો નમૂનો લેવામાં આવ્યો છે.

સન્ની પાજી દા ઢાબામાંથી 12 કિલો વાસી ખોરાક મળ્યો
ફૂડ વિભાગને આવેલી ફરિયાદના આધારે પેડક રોડ પર આવેલી આઈશ્રી ખોડિયાર એન્ટરપ્રાઇઝ (સન્ની પાજી દા ઢાબા)માં સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ ફ્રીજમાં સંગ્રહ કરેલ વાસી દાલ મખની, રાંધેલા ભાત, કાપેલ ડુંગળી-શાકભાજી, મંચુરિયન, બાફેલા નૂડલ્સ મળીને કુલ 12 કિલો અખાદ્ય ચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ખાદ્ય ચીજોનો સંગ્રહ, જાળવણી અને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવી હતી.

અમૃત રેસ્ટોરન્ટને નોટિસ અપાઇ
આ ઉપરાંત ફૂડ વિભાગને આવેલી ફરિયાદના આધારે રેલવે સ્ટેશન સામે જંક્શન મેઇન રોડ પર આવેલી અમૃત રેસ્ટોરન્ટમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં તૈયાર રાંધેલા ખોરાકના સંગ્રહ, જાળવણી બાબતે તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવી હતી. તેમજ ભક્તિનગર સ્ટેશન પ્લોટ પર આવેલ મનોહર સમોસામાં પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા, ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલનો પ્રકાર દર્શાવતું બોર્ડ લગાવવા તેમજ ફૂડનો પરવાનો મેળવવા બાબતની નોટિસ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...