મેઘકૃપા:ખંભાળિયામાં 24 કલાકમાં 17 ઈંચઃ રાજકોટ અને મોરબી જિલ્લામાં અડધાથી આઠ ઇંચ મેઘમહેર

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાદર નદીના પાણી કુતિયાણામાં ઘૂસ્યાં, ઘેડ પંથક જળબંબાકાર
  • સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાવણીલાયક વરસાદ

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘકૃપા થઈ હતી. જેમાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં ખંભાળીયામાં વધુ સતર ઇંચ, લાલપુરમાં દશ ઇંચ, જામનગર, જામજોધપુર કલ્યાણપુર અને ભાણવડમાં નવ નવ ઇંચ, ધ્રોલમાં છ, કાલાવડમાં સાડા પાંચ, દ્વારકા અને જોડીયામાં સાડા ચાર  ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે જામનગર જિલ્લાના 25 અને દ્વારકા જિલ્લાના ચૌદ જળાશયો ઓવરફલો થયા છે.

રાજકોટ અને મોરબી જિલ્લામાં સોમવાર સાંજથી મંગળવાર બપોર સુધીમાં મોટી પાનેલીમાં આઠ, ભાયાવદરમાં ચાર, ઉપલેટામાં પાંચ, જામકંડોરણા અને ધોરાજીમાં દોઢ અને મોરબીમાં અડધો ઇંચ પાણી પડ્યું હતું જ્યારે ઉપલેટા પંથકના મોજ, ફૂલઝર અને વેણુ ડેમ અોવરફ્લો થયા હતા. મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો હતો. ધોરાજીનો ફોફળ ડેમ છલકાવાની અણી પર છે.  ડેમી તેમજ રૂપાવટી નદીમાં ઘોડાપૂર ઉમટ્યા હતા. કેશોદના હાંડલા ગામમાં મિનિ વાવાઝોડું ફૂંકાતા 22 મકાનના નળિયા ઊડી ગયા હતા. ભાદર નદીના ધસમસતા પૂર કુતિયાણામાં રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા હતા. સોરઠમાં 1થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

વાલંભડી ડેમ ઓવરફ્લો થતા મંદિર અને માર્ગ પાણીમાં ગરકાવ
કાલાવડ તાલુકાના વાલંભડી ગામ પાસે વાલંભડી ડેમ બનાવાયો છે. આ ડેમમાંથી તાલુકામાં પીવાનું અને સિંચાઈનું પાણી અપાય છે. એક જ દિવસમાં 16 ઇંચ વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે તેથી નીચાણવાસમાં આવેલા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને ગામથી થોડે દૂર આવેલું હનુમાનજીનું મંદિર તેમજ તે જ રસ્તે આવેલા વીજપોલ અડધા ડૂબી ગયા છે. ગામના સરપંચ વિઠ્ઠલભાઈ અકબરી જણાવે છે કે, ડેમની નજીક બોર કરાયો છે જેથી ઉનાળે પણ ગામને પાણી મળતું રહે અને તેથી ત્યાં વીજપોલ ઊભા કરાયા છે. ડેમ નજીક હોવાથી દર વર્ષે ત્યાં જવાનો રસ્તો અને બોર પાણીમાં ડૂબી જાય છે તેથી ત્યાં કોઇ રહેતું નથી.

અન્ય સમાચારો પણ છે...