આકાશી વીજળીનું અંકગણિત:રાજકોટમાં 20 મિનિટમાં વીજળીના 16664 ચમકારા, ભાસ્કરે વીજ ચમકારાની ગણતરી કરતા દર પાંચ મિનિટે 4166 વીજળીના ચમકારા નોંધાયા

રાજકોટ21 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
એક કલાકમાં બે ઇંચ -  150 ફૂટ રિંગ રોડ પર એક કિ.મી. ટ્રાફિકજામ - Divya Bhaskar
એક કલાકમાં બે ઇંચ - 150 ફૂટ રિંગ રોડ પર એક કિ.મી. ટ્રાફિકજામ
  • ‘દામિની’ એપ મુજબ સાંજે 7થી 7:20 દર 5 મિનિટે 4166 લાઈટનિંગ એક્ટિવિટી, 8 વાગ્યા બાદ દર ઘટીને 3300 થયો
  • ​​​​​​શહેર ઉપરાંત ત્રંબા-સરધાર, બીજી દિશામાં પડધરી-વાંકાનેર સુધી રહ્યો વીજળીનો વ્યાપ

શહેરમાં સોમવારે સાંજે મિનિ વાવાઝોડાની જેમ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અનેક સ્થળોએ અંધારપટ છવાયા હતા આ અંધારાને કારણે વીજળીના દર સેકન્ડે થતા ચમકારા ભયાવહ લાગી રહ્યાં હતાં. રાજકોટમાં કેટલી વખત વીજળી થઈ રહી છે તે જાણવા ભાસ્કરે વીજ ચમકારાની ગણતરી કરતા શરૂઆતમાં દર પાંચ મિનિટે 4166 જેટલા વીજળીના ચમકારા નોંધાયા હતા જ્યારે ત્યારબાદ ક્રમશ: આ દર ઘટવા લાગ્યો હતો અને 7.30 સુધીમાં 3300પ્રતિ પાંચ મિનિટનો દર થયો હતો જ્યારે 8 વાગ્યે તે 3080 થઈ ગયો હતો. આ દર જાણવા દામિની એપનો ઉપયોગ કર્યો હતો.

એલર્ટ પ્રોજેક્ટ વિકસાવી લોકો સુધી પહોંચાડવા એપ્લીકેશન
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મીટિયોરોલોજી પૂણેએ મળીને દામિની લાઈટનિંગ એલર્ટ પ્રોજેક્ટ વિકસાવી લોકો સુધી પહોંચાડવા એપ્લીકેશન બનાવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય લાઈટનિંગ એલર્ટ એટલે કે વીજળીની ચેતવણી આપવાનો છે. આ માટે દેશના અલગ અલગ સ્થળોએ ખાસ સેન્સર લગાવાયા છે. આ સેન્સર વીજળીની એક્ટિવિટી નોંધી લે છે અને તેને આધારે ગણતરી કરી વ્યક્તિનું જીપીએસ લોકેશન જ્યાં છે ત્યાંથી 20 કિ.મી. અને 40 કિ.મી. ત્રિજ્યામાં વીજળીનો પ્રભાવ જણાવે છે.

દર પાંચ મિનિટે 4166 જેટલી લાઇટનિંગ એક્ટિવિટી નોંધાઈ
દામિની લાઈટનિંગ એપ ગૂગલ પ્લેસ્ટોરમાંથી કોઈપણ મેળવી શકે છે. ​​​​​​​ભાસ્કરે આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી ચકાસતા જોવા મળ્યું હતું કે, શરૂઆતમાં દર પાંચ મિનિટે 4166 જેટલી લાઇટનિંગ એક્ટિવિટી નોંધાઈ હતી ત્યારબાદ આ દર ક્રમશ: ઘટી રહ્યો હતો. એલર્ટ મુજબ રાજકોટ શહેરમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વીજળી થઈ રહી હતી. 20 કિ.મી.ની આ ત્રિજ્યા બાદ સૌથી વધુ વીજળી ત્રંબા અને સરધારની વચ્ચે જ્યારે શહેરની બીજી તરફ આવેલા પડધરી અને વાંકાનેરમાં પણ વીજળીનું પ્રમાણ વધારે રહ્યું હતું. જ્યારે શાપર અને ગોંડલ તરફ વીજળીની તીવ્રતા નહિવત જેવી હતી અને જામનગર તરફ પણ પ્રમાણ ઓછું રહ્યું હતું. જોકે આઠ વાગ્યા બાદ ગોંડલ અને વીરપુરમાં વીજળીની તીવ્રતા વધી હતી તેથી કહી શકાય કે, મિનિ વાવાઝોડું પહેલા રાજકોટ શહેર અને ત્યારબાદ ત્યાંથી પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ 16 સપ્ટેમ્બર સુધી મધ્યમથી લઇને ભારે વરસાદ પડી શકે છે. દિવસભર ઊંચું તાપમાન રહે છે જેથી હવા ગરમ થઈને ઉપર જાય છે અને વાદળો બંધાઈ છે જે રાત્રે અથવા તો સાંજે વરસે છે.

અન્ય સમાચારો પણ છે...