રાજકોટ શહેર કોરોનામાંથી બહાર આવ્યું ત્યાં વાઇરલ રોગોમાં સપડાઈ ગયું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જ માત્ર 12 દિવસમાં વાઇરલ ફીવરના 1656 કેસ નોંધાયા છે. ખાનગી દવાખાના તેમજ ક્લિનિકમાં દવા લેનારાઓની સંખ્યા તેના કરતા અનેકગણી થઈ છે. બીજી તરફ ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.
તંત્રના ચોપડે શહેરમાં છેલ્લા 4 દિવસમાં 4 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે જ્યારે ચિકનગુનિયાનો પણ એક કેસ મનપાના ચોપડે નોંધાયો છે. ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધી રહ્યા છે પણ તંત્રના ચોપડે હજુ તેની ઉપેક્ષા થઈ રહી છે. શહેરમાં હાલ સૌથી વધુ વાઇરલ રોગ વેસ્ટ ઝોનમાં ફેલાયો છે અને ત્યાંના દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. આ ઉપરાંત ધીરે ધીરે ઝાડા-ઊલટીના કેસ વધ્યા છે અને તેની અસર સેન્ટ્રલ ઝોનમાં દેખાઇ રહી છે.
આવી સિઝનને કારણે મચ્છરજન્ય રોગો વધતા રહેશે
ચોમાસામાં વરસાદ પડતો રહે એટલે સતત ખાડા ખાબોચિયાં તેમજ અન્ય પાત્રોમાં પાણી બદલાતું રહે છે આ કારણે મચ્છરોના પોરા થતા નથી. રાજકોટમાં સ્લો રેઈન પેટર્ન ચાલી રહી છે જેમાં એકવખત વરસાદ આવ્યા બાદ અઠવાડિયા સુધી વરસાદ પડતો નથી આ કારણે ચોખ્ખું પાણી સ્થિર રહેતા મચ્છરોના ઈંડાં મૂકે છે અને સપ્તાહમાં પોરા વિકાસ પામી જાય છે. મચ્છરોનું બ્રીડિંગ કે જે ચોમાસા પછી થતું હોય છે તે અત્યારથી જ થઈ રહ્યું છે અને ચોમાસા બાદ પણ ચાલુ રહેશે તેથી આ વર્ષે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધી શકે છે.
કોરોનાના એક જ દિવસમાં નવા ચાર કેસ નોંધાયા
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ 0 થઈ ગયા હતા અને એક્ટિવ દર્દીઓ પણ ઘટ્યા છે. જોકે તહેવાર નજીક આવતાં જ કોરોના ફરી સક્રિય થયો છે. શનિવારે શહેરમાં એક સાથે 4 નવા કેસ સામે આવ્યા છે જે હાલની સ્થિતિએ વધારે ગણી શકાય. આ સાથે રાજકોટ શહેરમાં કોરોનાનો કુલ આંક 42805 થયો છે તેમજ 19 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
દર્દીઓમાં ઋતુજન્ય તાવની અસર 5 થી 7 દિવસ રહે છે
રાજકોટમાં વરસાદની પેટર્નને કારણે વધુ પડતા ભેજ અને તડકાના અભાવને કારણે બેક્ટેરિયા અને વાઇરસને માફક મોસમ સર્જાઈ છે તેને કારણે ચેપી રોગ ફેલાઈ રહ્યા છે. ઠેર ઠેર શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ છે જોકે આ તમામ ઋતુજન્ય હોવાથી ગંભીર સ્થિતિ સર્જાતી નથી પણ 5 થી 7 દિવસ સુધી અસર રહે છે. આ દરમિયાન જે સમસ્યા હોય તેની સારવાર એટલે કે સિમ્ટોમેટિક ટ્રિટમેન્ટની સાથે પૂરતો આરામ અને પાણી વધારે પીવાનું હિતાવહ છે તેમ સિવિલ હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે.
આરોગ્ય કેન્દ્રોમાં તાવ, શરદીના કેસ
આરોગ્ય કેન્દ્ર | કેસ |
રામનાથપરા | 30 |
સ્વ.ચંપકભાઈ વોરા | 62 |
ભગવતીપરા | 31 |
સદર | 81 |
રામપાર્ક | 73 |
આઈએમએ | 56 |
હુડકો | 23 |
અખિલ હિન્દ મહિલા પરિષદ | 36 |
કબીરવન | 120 |
વિજય પ્લોટ | 17 |
નંદનવન | 235 |
નારાયણનગર | 121 |
જંક્શન પ્લોટ | 74 |
મોરબી રોડ | 66 |
મવડી | 91 |
આંબેડકરનગર | 138 |
પ્રણામી ચોક | 94 |
નાનામવા | 132 |
રઘુવીર | 40 |
શ્યામનગર | 114 |
કોઠારિયા | 22 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.