રાજકોટમાં સામાકાંઠે તંત્રના બુલડોઝર ફર્યા:3 દુકાન, બે પ્લોટ અને રોડ પર ગેરકાયદે બાંધકામ હટાવી 16.30 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા આજે પૂર્વ ઝોનમાં જુદા જુદા અનામત પ્લોટ, વોંકળાની જગ્યા અને ડીપી રોડ પર મીની ડિમોલીશન કરવામાં આવ્યા હતા જેમાં વોંકળામાં ખડકાતી ત્રણ દુકાનો, વોર્ડ નં.4માં પાંચ મકાનની પ્લીન્થ, વોર્ડ નં.18માં ધાર્મિક હેતુના બાંધકામ તોડવામાં આવ્યા હતા. બે પ્લોટ ખુલ્લા કરાવી 16.30 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ છે.

3 દુકાનનું બાંધકામ ખડકવામાં આવ્યું હતું
સામાકાંઠે વોર્ડ નં.5માં આવેલ દુધેશ્વર મંદિર સામે વોંકળાની જગ્યા છે. અહીં 75 ચો.મી.માં 3 દુકાનનું બાંધકામ ખડકવામાં આવતું હતું જે તોડી પડાયું હતું. વોર્ડ નં.4માં ટીપી 14ના રહેણાંક હેતુના અનામત પ્લોટમાં એક મકાનની પ્લીન્થ તોડી 400 ચો.મી. જગ્યા 1.40 કરોડની ખુલ્લી કરાવવામાં આવી હતી. તો વોર્ડ નં.4માં જ ટીપી 14માં ગણેશ પાર્કમાંથી નીકળતા 9 મીટરના ટીપી રોડ પર 100 ચો.મી. જગ્યામાં ચાર મકાનની પ્લીન્થ ખડકાતી હોય, આ પાયા પણ તોડી નાખવામાં આવ્યા હતા. વોર્ડ નં.15માં આજી ડેમ ચોકડી પાસે પોલીસ સ્ટેશન પાછળ કોર્પો.નો 2950 ચો.મી.નો પ્લોટ આવેલો છે.

ધાર્મિક હેતુનું દબાણ દુર કરાયું
આ ઉપરાંત ઓરડીનું બાંધકામ તોડીને 14.90 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જયારે વોર્ડ નં.18માં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે જેટકો સબ સ્ટેશન સામે ડીપી રોડ પર 10 ચો.મી. જગ્યામાં ધાર્મિક હેતુનું દબાણ થવા લાગ્યું હતું તે પણ દુર કરાયું હતું. કમિશનર અમિત અરોરાની સૂચનાથી ટીપીઓ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે પૂર્વ ઝોનના વોર્ડ નં.4, 5, 15, 18માં આ રીતે કુલ પાંચ જગ્યાએથી 3535 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.