ચૂંટણી:મતદાન મથક માટે જિલ્લાની 1600 સ્કૂલના બિલ્ડિંગ લેવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રની સરકારી-ગ્રાન્ટેડ કોલેજો પણ ચૂંટણી કામગીરીમાં લેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર જુદી જુદી ચૂંટણીલક્ષી કામગીરી તેજ ગતિથી કરી રહ્યું છે. આગામી 1 ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે રાજકોટ જિલ્લાની અંદાજિત 1600 જેટલી શાળાના બિલ્ડિંગ ચૂંટણી કામગીરી માટે લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી પ્રાથમિક શાળાના 800 બિલ્ડિંગ સહિત કુલ 1600 શાળામાં મતદાન મથક બનાવાશે. સરકારી પ્રાથમિક, ગ્રાન્ટેડ શાળાઓ અને કેટલીક ખાનગી શાળાના બિલ્ડિંગ પણ મતદાન મથક માટેની કામગીરી માટે લેવાશે.

જ્યારે મતદાન થશે તે દિવસ અને તેના એક દિવસ અગાઉ ચૂંટણી તંત્ર જિલ્લાના દરેક મતદાન મથકનો કબજો લેશે. રાજકોટ જિલ્લાની શાળાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજો ચૂંટણી કામગીરી માટે લઇ લેવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે કેટલીક ખાનગી કોલેજોમાં પણ મતદાન મથક ગોઠવવામાં આવે તેવી પણ સંભાવના છે. અગાઉ જિલ્લાના શિક્ષણાધિકારી પાસે ચૂંટણીની કામગીરી માટે શાળાના આચાર્યો અને શિક્ષકોની યાદી મગાવવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાની સરકારી-ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનું લિસ્ટ પણ મગાવ્યું હતું.

ચૂંટણી કામગીરી માટે 5500થી વધુ શિક્ષકોના ઓર્ડર
વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટ જિલ્લાના 5500થી વધુ શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ વધુ શિક્ષકોના ઓર્ડર નીકળી શકે છે. રાજ્યમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી કામગીરી માટે મોટાભાગના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના ઓર્ડર કાઢ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને નોન ટીચિંગના કાયમી કર્મચારીઓને ચૂંટણી ફરજ પર લેવાશે.

શાળાઓમાં ચૂંટણી દરમિયાન મિનિ વેકેશનનો માહોલ રહેશે
1 ડિસેમ્બરે ચૂંટણી હોય જિલ્લાની મોટાભાગની શાળાઓમાં મતદાન મથક હોવાથી ચૂંટણીના એક બે દિવસ અગાઉ સ્કૂલના બિલ્ડિંગનો કબજો ચૂંટણી તંત્ર લઇ લેતું હોય છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન બાદ શનિ-રવિની રજાને કારણે શાળાઓમાં મિનિ વેકેશનની પૂરી સંભાવના પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...