ગાય સહિતના દુધાળા પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ નામનો વાઇરસ પ્રસરતા શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ઠેર ઠેર ગૌમાતા મોતને ભેટી રહી છે, રાજ્યસ્તરે જાહેર થઇ રહેલા સરકારી રિપોર્ટમાં લમ્પીગ્રસ્ત પશુઓ અને પશુઓનાં મોતના ચોંકાવનારા આંકડાઓ જાહેર થઇ રહ્યા છે.
આ બાબતે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રાજકોટનું પશુપાલન ખાતું ગાંધારીની ભૂમિકામાં જોવા મળી રહ્યું હોવાનો રંજ માલધારીઓ-પશુપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી માલધારીઓ દ્વારા લમ્પીથી મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુ થઇ રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, ત્યારે રાજકોટ પશુપાલન ખાતું એકદમ સામાન્ય અંદાજમાં જાણે કંઇ બન્યું જ ન હોય તે રીતે કામગીરી કરી રહ્યું હોવાની છાપ વચ્ચે સાચા આંકડાઓ બહાર ન આવે તે રીતે રિપોર્ટ જાહેર કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સોમવારના રિપોર્ટમાં 24 કલાકમાં રાજકોટ શહેર તેમજ જિલ્લાના કુલ 308 ગામડાંમાં લમ્પીથી એક પણ ગાયનું મૃત્યુ ન થયાની વિગતો જાહેર કરી હતી! પશુપાલકો અને માલધારીઓ લમ્પીને મહામારીની જેમ જ જોઇ રહ્યા છે, ભલે રાજકોટ સહિતનું પશુપાલન તંત્ર એક તબક્કે જાણે કંઇ બન્યું જ ન હોય તે રીતે ગોકળ ગતિએ વેક્સિનેશનની કામગીરી કરી રહ્યું છે.
રાજ્યસ્તરે જાહેર થયેલા રિપોર્ટમાં આજદિન સુધીમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા અને વલસાડ સહિતના 20 જિલ્લાના 2083 ગામમાં કુલ 55,950 પશુમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા હતા, જે પૈકી 1565 પશુનાં મોત નીપજ્યા છે. ઉપરોક્ત જિલ્લાઓમાં 222 પશુચિકિત્સક અધિકારી અને 713 પશુધન નિરીક્ષક ફરજ બજાવી રહ્યા હોવાનો દાવો કરાયો છે.
લમ્પીગ્રસ્ત પશુઓનું સરવૈયું
પશુની સંખ્યા | રસીકરણ | પશુમૃત્યુ | અસરગ્રસ્ત ગામ | |
31 જુલાઇ સુધી | 2,243 | 1,10,928 | 26 | 295 |
1 ઓગસ્ટ | 287 | 10,815 | 0 | 13 |
કુલ | 2,530 | 1,21,743 | 26 | 308 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.