તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી ચેક:રાજકોટમાં કોરોનામાં ખુલ્લી લૂંટ, 3 મહિના પહેલા 300થી 600માં મળતા ઓક્સિમીટરનો 1500થી 2000 ભાવ, ફ્લોમીટરમાં 3 ગણો ભાવ વધ્યો

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
ઓક્સિમીટરના ભાવ આસમાને પહોંચ્યો.
  • ઓક્સિજન સિલિન્ડરમાં વપરાતા ફ્લોમીટરની કિંમત 2000થી 3000 સુધી હોવાનું સામે આવ્યું

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં કોરોનાની ઘાતક બીજી લહેર ચાલી રહી છે. પ્રથમ લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક બની છે. ત્યારે આ વખતે બીજી લહેરમાં દર્દીઓ અને દર્દીઓના સ્વજનોના હાલ બેહાલ થયા છે. દિવ્યભાસ્કર દ્વારા મેડિકલ સાધનોની અછત અંગે રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું હતું કે, ઓક્સિમીટર, ફ્લોમીટર, ઓક્સિજન સહિતની માગ વધતા માલની અછતના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. 3 મહિના પહેલા ઓક્સિમીટર 300થી 600માં મળતા અને હાલ પાંચ ગણો ભાવ થઇ ગયો છે. ફ્લોમીટરમાં પણ ત્રણ ગણો ભાવ બોલાય રહ્યો છે. આથી સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ સંગ્રહખોરો પણ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

ઓક્સિમીટર ભાવ 1500થી 2000 રૂપિયા થયા
રાજકોટમાં દિવ્યભાસ્કરની ટીમ દ્વારા અલગ અલગ મેડિકલ સ્ટોર્સની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં મેડિકલ સ્ટોર્સમાં મળતા ઓક્સિમીટરના ભાવ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકમાં શહેરના તમામ મેડિકલ સ્ટોર્સમાં હાલ ઓક્સિમીટરની કિંમત અને ફ્લોમીટરની કિંમત માલની અછતના કારણે બમણી થઇ હોવાનું સામે આવ્યું છે. રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં ઓક્સિમીટર હાલ 1500થી 2000 સુધી કિંમતમાં વેચાય રહ્યાં છે. જ્યારે કે ઓક્સિજન સિલિન્ડરમાં વપરાતા ફ્લોમીટરની કિંમત 2000થી 3000 સુધી હોવાનું સામે આવ્યું છે.

થોડા દિવસ પહેલા જ સિવિલમાં 9 હજારમાં બેડ અપાવી દેતા બે શખ્સો ઝડપાયા હતા.
થોડા દિવસ પહેલા જ સિવિલમાં 9 હજારમાં બેડ અપાવી દેતા બે શખ્સો ઝડપાયા હતા.

3 મહિના પહેલા ઓક્સિમીટર 300થી 600 રૂપિયામાં વેચાતા
આજથી 3 માસ પૂર્વે જે મેડિકલ સ્ટોર્સમાં ઓક્સિમીટર 300થી 600ની કિંમતમાં વેંચાતા હતા તે આજે ઉપરથી આવતા માલની અછતના કારણે 1500થી 2000 સુધીની કિંમતમાં વેંચાય રહ્યાં છે. આ સાથે હોમ આઇસોલેટ દર્દીમાં ઓક્સિજનની માગ વધતા ઘરે દર્દી માટે ઓક્સિજન સિલિન્ડરની સાથે ફ્લોમીટર અને કીટ ખરીદ કરે છે. જેથી તેની માગમાં વધારો થતાં તેની પણ માલની અછતના કારણે કિંમત અગાઉ જે 1000 રૂપિયામાં વેચાતી હતી તે આજે 2000થી 3000 રૂપિયામાં વેંચાય રહી છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તમારા માધ્યમથી દરેક લોકોને અપીલ કરું છું કે, જે લોકો પાસે ફ્લોમીટર બિનઉપયોગી ઘરે પડ્યા હોય તેઓ પરત આપી જાય. જેથી અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકીએ અને ઉપયોગી બની શકે.

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સ ઝડપાયા હતા.
રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સ ઝડપાયા હતા.

કોરોનાના કપરા કાળમાં કાળા બજારીયા ફૂલ્યાફાલ્યા
રાજકોટમાં થોડા દિવસ પહેલા ઇન્જેક્શન અને સિવિલ હોસ્પિટલમાં બેડ માટે પણ કાળાબજારી થતી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે કાળાબજારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ બેઝ કર્મચારી 9000 રૂપિયામાં દર્દીને તાત્કાલિક બેડ આપતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં આરોપીઓએ બે દર્દીને રૂપિયા લઇ બેડ આપ્યાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. જ્યારે રેમડેસિવિર ઇન્જેક્શનની 15000 રૂપિયામાં કાળાબજારી થતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં તંત્ર હરકતમાં આવી ઇન્જેક્શન માત્ર સિવિલ
હોસ્પિટલ થકી જ મળી શકશે તેવો નિર્ણય કર્યો છે અને ઇન્જેક્શન કેન્દ્ર શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...