સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેમાં 108 વિદ્યાર્થીને 127 ગોલ્ડ મેડલ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને રૂ.1500નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે જ્યારે આ વર્ષે પણ યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, રજિસ્ટ્રાર, સિન્ડિકેટ સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો માટે અંદાજિત રૂ. 2600ની કિંમતની એક એવી 35થી વધુ કોટી સિવડાવવાના ઓર્ડર અપાયા છે.
ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીને માત્ર રૂ. 1500નો રોકડ પુરસ્કાર અપાય છે જ્યારે સત્તાધીશોને પદવીદાન સમારોહમાં સજી-ધજીને આવવા દરેક નક્કી કરાયેલા અધિકારી માટે રૂ.2600ની કિંમતની એક એવી કોટીના ઓર્ડર અપાયા છે જેની પાછળ કુલ અંદાજિત 90 હજારનો ખર્ચ કરવામાં આવશે. અગાઉ પણ વર્ષ 2019માં યુનિવર્સિટીના સત્તાધીશોએ ‘પદવીદાન સમારોહ’માં અધિકારીઓ માટે ‘ઝભ્ભો, સુરવાલ અને કોટી’નો ડ્રેસ કોડ નક્કી કરી નાખી અમદાવાદના સેટેલાઇટ એરિયામાં સહજાનંદ કોલેજ સામે આવેલી કામધેનુ ખાદીઘરમાંથી ખરીદી કરવાનો નિર્ણય કરી નાખતા અનેક સવાલો ઉઠ્યા હતા.
1લી ફેબ્રુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આ વર્ષે ઉપસ્થિત રહેવાના નથી. તેઓ સંભવત ઓનલાઈન પ્રવચન આપશે. આ ઉપરાંત પદવીદાન સમારોહમાં પણ 150 લોકોની જ ક્ષમતામાં કાર્યક્રમ કરવાનો હોવાથી જરૂર પૂરતા જ લોકોને કોન્વોકેશન સ્થળે હાજર રાખશે, બાકીના લોકો ઓનલાઈન કાર્યક્રમ માણશે. યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના 108 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપવાના છે તે તમામ વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈન નક્કી કરી છે કે રસીના બંને ડોઝ લેનાર વિદ્યાર્થીને જ ગોલ્ડ મેડલ રૂબરૂ લેવા આવવા દેવાશે. જોકે 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજવો પણ યુનિવર્સિટી માટે પડકાર છે કારણ કે, 150માંથી 108 તો મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ છે.
શિક્ષણમંત્રી પણ પદવીદાન સમારોહમાં આવવાના છે ત્યારે અગાઉની જેમ આ વર્ષે પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતા રોકડ પુરસ્કાર કરતા પોતાના માટે ઊંચી કિંમતની કોટી બનાવવાના ઓર્ડર અપાતા ચર્ચા જાગી છે. સત્તાધીશો, સિન્ડિકેટ સભ્યો અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો માટે ગોલ્ડન રંગની કોટી બનાવવાના ઓર્ડર અપાઈ દેવાયા છે. બે વર્ષ પહેલા પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ પદવીદાન સમારોહ માટે વિદ્યાર્થીઓના પૈસે રૂપિયા ત્રણ હજારથી વધુના ખર્ચે કૂર્તા-પાયજામા બનાવ્યા હતા. ત્યારે પણ વિવાદ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.