મધરાતે કોંગ્રેસમાં ભંગાણ:રાજકોટમાં રાહુલ ગાંધીના આગમન પહેલાં 150 સિનિયર આગેવાન ભાજપમાં જોડાયા, કહ્યું: 'રાહુલથી કંઈ નહીં થાય'

રાજકોટ8 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રની તમામ બેઠકો અંકે કરવા ભાજપ, કોંગ્રેસ અને AAPના હાઇ કમાન્ડ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસના સ્ટારપ્રચારક રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધિત કરશે. તેમના આગમન પૂર્વે જ રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની પેનલમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયાની આગેવાનીમાં 150 જેટલા સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. આ મુદે પુરુષોત્તમ સગપરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે 'રાહુલથી કંઈ નહીં થાય'

સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા.
સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા.

વનવાસ પૂરો, હવે કામ કરીશું
તેમણે વધુમાં મીડિયાને જણાવ્યું હતું કે મૂળ તો હું ભાજપનો જ કાર્યકર છું અને પાયાનો કાર્ય કરતો હતો. હું કોંગ્રેસમાં લોકોની સેવા કરવા ગયો હતો, પરંતુ એમાં કોઈ કામ થતાં નથી, જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે તો તેમનાથી કંઈ નહીં થાય, તેમની સભામાં માણસો પણ નહીં થાય. કોંગ્રેસમાં 12 વર્ષ સુધી વનવાસમાં જ રહ્યા છીએ, વનવાસ પૂરો, હવે કામ કરીશું'

કોંગ્રેસ છોડી કાર્યકરો વાજતેગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા.
કોંગ્રેસ છોડી કાર્યકરો વાજતેગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા.
કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયા.
કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયા.

વાજતેગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા
નોંધનીય છે કે આ પક્ષપલટામાં કોંગ્રેસના સિનિયર આગેવાન વોર્ડ નં.17ના અગ્રણી પુરુષોત્તમ સગપરિયા, વોર્ડ નં.18ના આગેવાન હસુભાઈ સોજીત્રા, શહેર કોંગ્રેસ મંત્રીચંદુભાઇ ટીલાળા, વોર્ડ નં.18ના આગેવાન પરેશભાઈ સભાયા, વોર્ડ નં.18ના આગેવાન અક્ષયભાઈ મહીધરિયા, વોર્ડ નં.13ના આગેવાન પ્રતાપભાઇ રામોલિયા, વોર્ડ નં. 18ના ઉપપ્રમુખ કોંગ્રેસ જિજ્ઞેશભાઈ માધાણી, વોર્ડ નં.18ના આગેવાન હંસરાજભાઈ વાછાણી, વોર્ડ નં.18ના આગેવાન દિલીપભાઈ બુસા અને વોર્ડ નં.18ના આગેવાન નિલેશભાઈ વીરડિયા સહિત 150 કાર્યકર ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતેગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, નેતા ધનસુખ ભંડેરી અને દક્ષિણ બેઠકના ઇન્ચાર્જ જિતુ કોઠારી સહિતનાએ કાર્યકરોને આવકાર્યા હતા.

150 કાર્યકર ભાજપમાં જોડાયા.
150 કાર્યકર ભાજપમાં જોડાયા.

અશોક ગેહલોતે સભાસ્થળની મુલાકાત કરી
આજે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાવાની છે, આથી કોંગ્રેસના હાઈકમાન્ડથી માંડી સ્થાનિક નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે. શનિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજકોટ આવીને સભાસ્થળની મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી અને એમાં નરેન્દ્ર મોદીએ ધોરાજીમાં કોંગ્રેસમાં નેતાનાં નામ લીધા વગર કટાક્ષ કર્યા હતા, એનો જવાબ આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રામાં એક સમયે પાણીનો વિરોધ કરનારી વ્યક્તિના ખંભે હાથ રાખી કોંગ્રેસ ફરી રહી છે. જોકે તેમના જવાબ સામે અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા કોંગ્રેસની નથી, ભાજપ ગભરાયો છે. મેઘા પાટકરને અમે રોકી ન શકીએ, NGO તરીકે આવ્યાં હતાં, મોદીએ મોંઘવારીની વાત કરવી જોઈએ.

મોં મીઠું કરી કાર્યકરોને આવકાર્યા.
મોં મીઠું કરી કાર્યકરોને આવકાર્યા.

કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી છે. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યાં નથી. વડાપ્રધાન મોદીને અહીં દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયો છે. મેધા પાટકર ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીના મોરલ સપોર્ટમાં આવ્યાં હતાં. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ, ભાજપના પોતાના જ રાજ્યમાં આ સ્થિતિ છે. રાહુલ ગાંધીની યાત્રા બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં તેમજ લોકો સાથે પ્રેમ વધે એને લઈને છે.

રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો
રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો

ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે મોદી અને અમિત શાહનું રાજ્ય છે અને ત્યાં પુલ તૂટવાની દુર્ઘટના બને છે. અઠવાડિયે અહીં તેમને આવવું પડે છે. લાંબા સમયથી કોંગ્રેસે ગુજરાતની સેવા કરી છે. આ વખતે ચોંકાવનારાં પરિણામ સામે આવશે. વડાપ્રધાનને હિમાચલપ્રદેશમાં ચૂંટણી ન લડવા માટે નેતાને ફોન કરવા પડે છે. સરકાર કોંગ્રેસની જ બનશે. રાહુલ ગાંધીની યાત્રા બાદ દેશમાં જે માહોલ બન્યો છે એ ખૂબ સારો છે. ગુજરાતની અંદર 27 વર્ષ બાદ ભાજપે ગૌરવ યાત્રા કાઢી તો નિષ્ફળ ગઈ છે.

કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા.
કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા.

કોંગ્રેસ તેમની રીતે લડી રહી છે
તેમણે આગળ કહ્યું હતું કે કોંગ્રેસ તેમની રીતે લડી રહી છે. ઝેરી દારૂમાં 70 લોકો માર્યા ગયા, પણ કોઈ તપાસ જ નહીં. મોરબીમાં 135 લોકોનાં મોત થયાં, એમાં પણ પગલાં લેવામાં આવ્યાં નથી. કોંગ્રેસ પ્રેમની રાજનીતિ કરે છે. યાત્રા કોંગ્રેસ માટે નથી, ભારતના લોકો માટે છે.

શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.
શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.

રાહુલ ગાંધીની સભાને લઈ કોંગ્રેસમાં પુરજોશમાં તૈયારી
આજે સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધીની સભા યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રી મેદાનમાં ડોમ ઊભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાઇલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઊતરતાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.