વેસ્ટમાંથી બેસ્ટ:સરકારી સ્કૂલના 150 બાળકોએ નકામી વસ્તુઓમાંથી આસન-પગલુછણિયા બનાવ્યા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિનોબા ભાવે સ્કૂલમાં વિદ્યાર્થીઓને શીખવાડાયા આત્મનિર્ભરતાના પાઠ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93માં પ્રાથમિકના બાળકોને શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને, બાળકો જાતે કાર્ય કરી વેસ્ટમાંથી બેસ્ટ નકામી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખે તેવા પાઠ શીખવવામાં આવે છે. હાલમાં જ બાળકોને ઘરમાં રહેલા નકામા કપડાંમાંથી બેસવા માટેના આસન અને પગલુછણિયા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને સ્કૂલના 150થી વધુ બાળકોએ ઘરમાં રહેલી નકામી વસ્તુ કે કપડાંમાંથી આસન અને પગલુછણિયા બનાવ્યા હતા.

શાળાના આચાર્યા વનિતાબેન રાઠોડ જણાવે છે કે, સાચી કેળવણી એ જ છે જેમાં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે વિવિધ ઈતર પ્રવૃત્તિઓ અને શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થાય. બાળક પોતાની જાતે કાર્ય કરીને કંઈક નવું બનાવતા શીખે એ પણ ખૂબ જરૂરી હોય છે. આવા કાર્ય શીખે તો ભવિષ્યમાં બાળક આત્મનિર્ભર પણ બની શકે અને આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાચી પડે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ જૂના કપડાંની મદદથી સુંદર આસન બનાવ્યા. તેમને જુદા જુદા ગણિતના આકારો આપવામાં આવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવ્યું. 150થી વધુ બાળકોએ આસન બનાવવાની પ્રવૃત્તિમાં જોડાયા.

નવરાત્રી-દિવાળીમાં પણ શણગારની વસ્તુ બનાવશે
નવરાત્રી અને દિવાળી પર પણ શાળાના બાળકો શણગાર સજાવટની વસ્તુઓ પોતાના ઘર માટે નકામી વસ્તુમાંથી બનાવશે. જેમાં દીવાની સજાવટ, તોરણ તથા શણગારની વિવિધ કલાત્મક વસ્તુઓની બનાવટ શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બનાવશે. શાળામાં પર્યાવરણ માવજત માટે પણ વેસ્ટમાંથી બેસ્ટ ચીજોનો ઉપયોગ કરી પર્યાવરણ જતન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...