ધનવર્ષા:રાજકોટમાં 16 કલાકમાં 150 કરોડનું સોનું વેચાયું : ગત વર્ષ કરતા 5 ગણી વધુ ખરીદી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોના-ચાંદીના શો-રૂમમાં બાળકોથી લઇને સિનિયર સિટિઝન માટે ખરીદી થઇ, મોહન માળા, તુલસી માળા, વર્ટિકલ માળા, એન્ટિક અને લાઇટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ રહી. - Divya Bhaskar
સોના-ચાંદીના શો-રૂમમાં બાળકોથી લઇને સિનિયર સિટિઝન માટે ખરીદી થઇ, મોહન માળા, તુલસી માળા, વર્ટિકલ માળા, એન્ટિક અને લાઇટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ રહી.
  • મનપસંદ દાગીના ખરીદવા 4 કલાક સુધી ગ્રાહકોએ રાહ જોઈ

મંગળવારે સવારે 8.00 કલાકથી જ ખરીદી શરૂ થઇ ગઇ હતી. જે રાત્રીના 12 કલાક સુધી ચાલુ જ રહી હતી.16 કલાકમાં રૂ.150 કરોડનું સોનું અને 6.50 કરોડની ચાંદી વેચાયા હતા. આમ દર એક કલાકે રાજકોટની સોનીબજારમાં ધનતેરસના દિવસે રૂ.11 કરોડનું સોનું વેચાયું હતું. સોનાના શો -રૂમ, જ્વેલરીની દુકાનમાં 3 થી 4 કલાકનું વેઈટિંગ રહ્યું હતું. માંડવી ચોકથી પેલેસ રોડ સુધી પહોંચવામાં સામાન્ય દિવસોમાં 10-15 મિનિટનો સમય લાગતો હોય છે તેના બદલે મંગળવારે એક કલાકનો સમય લાગ્યો હતો. વેપારીઓને ત્યાં સ્ટોક ખૂટી પડતા તાત્કાલિક નવા સ્ટોકની વ્યવસ્થા કરવી પડી હતી. તેમજ બાળકોથી લઇને સિનિયર સિટિઝન માટે ખરીદી થઇ, સૌથી વધુ મોહન માળા, તુલસી માળા, વર્ટિકલ માળા, એન્ટિક જ્વેલરી, લાઇટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ રહી તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના ફાઉન્ડર ચેરમેન પરેશભાઈ આડેસરા જણાવે છે. જ્યારે રિયલ એસ્ટેટમાં ગત વર્ષ કરતા 30 ટકા વધુ સોદા પડ્યા હતા. એક જ દિવસમાં અંદાજિત 2 હજાર જેટલા ટુ-ફોર વ્હિલરનું વેચાણ થયું હતું. આમ ધનતેરસના દિવસે અલગ-અલગ ક્ષેત્રના વેપારીઓ પર ધનવર્ષા થઈ હતી.

એક જ દિવસમાં અંદાજિત 300થી વધુ દસ્તાવેજો થયા
દસ્તાવેજ ઓફિસમાં ધનતેરસના દિવસે સવારે 10.30 કલાકે જ દસ્તાવેજની નોંધણીના શ્રીગણેશ થઇ ગયા હતા. જે સાંજના 5.10 કલાક સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહી હતી. દરેક ઝોન ઓફિસમાં એવરેજ 36-36 દસ્તાવેજ થયા છે. જ્યારે ઝોન નંબર 2 અને 8 માં આ સંખ્યા ડબલ હતી. એક અંદાજ મુજબ સવારના 10.30 થી સાંજના 5.30 સુધી અંદાજિત 300 થી વધુ દસ્તાવેજો થયા હોવાનું હેડ ક્વાર્ટર સબ રજિસ્ટ્રાર એમ.જે. રાજ્યગુરુ જણાવે છે.

લોકોએ પોતાના બજેટ કરતા વધુ ખરીદી કરી
લોકો સોનું-ચાંદી ખરીદી માટે આવે તો બજેટ ફિક્સ કરીને આવતા હોય છે. તેના બદલે પહેલીવાર એવું બન્યું કે, લોકોએ બજેટ કરતા મનગમતી વસ્તુ ખરીદી હતી. લોકોએ બજેટ બહાર જઇને સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરી હતી. લાઇટ વેઇટ જ્વેલરીની ડિમાન્ડ વધુ રહી હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પૂર્વ પ્રમુખ દિવ્યેશભાઈ પાટડિયાએ જણાવ્યું હતું.

એક જ દી’માં 2000 ટુ-ફોર વ્હિલર વેચાયા
જન્માષ્ટમી, નવરાત્રિ કરતા પણ ઓટોમોબાઈલ માર્કેટમાં બમણો વેપાર થયો હતો. ધનતેરસે એક જ દિવસમાં અંદાજિત 2 હજાર ટુ- ફોર વ્હિલરનું વેચાણ થયું હતું. હજુ દિવાળીના દિવસે પણ નવા વાહનોની ખરીદી થશે. નવા વર્ષમાં ખરીદીની શરૂઆત લાભપાંચમથી થશે. ઓટોમોબાઈલ માર્કેટમાં લાભપાંચમનું એડવાન્સ બુકિંગ છે.

રિયલ એસ્ટેટ માર્કેટમાં ચાંદી-ચાંદી
આર.બી.એ. પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ માર્કેટ ગત વર્ષ કરતા 30 ટકા વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એફોર્ડેબલ હાઉસથી લઇને લક્ઝુરિયસ હાઉસમાં સોદા પડ્યા હતા. હજુ લાભપાંચે પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા વેપાર થશે. આ સિવાય રેસિડેન્સિયલ પ્રોજેક્ટ, કોમર્શિયલ પ્રોજેક્ટ વગેરેની ડિમાન્ડ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...